Tuesday, May 31, 2016

ધારીઃ આધેડને ફાડી ખાનાર નરભક્ષી સાવજ આખરે પાંજરે પુરાયો


ધારીઃ આધેડને ફાડી ખાનાર નરભક્ષી સાવજ આખરે પાંજરે પુરાયો

  • Hirendrasinh Rathod, Khambha
  • Mar 23, 2016, 16:27 PM IST
ધારી: ધારીના આંબરડીમાં બે દિવસ પહેલા વાડીમા સુતેલા આંકડીયા ગામના આધેડને સાવજે ફાડી ખાધા બાદ વનવિભાગ દ્વારા આ નરભક્ષી સિંહને પકડવા ત્રણ પાંજરા ગોઠવવામા આવ્યા હતા. દરમિયાન ગઇરાત્રે આ સિંહ પાંજરે પુરાઇ ગયો હતો. સિંહને સાસણ ખાતે મોકલી આપવામા આવ્યો છે.

સાવજ જો એક વખત માણસનું લોહી ચાખી જાય તો પછી તે જોખમી બની જાય છે. સામાન્ય રીતે સિંહ માણસનો શિકાર કરતો નથી પરંતુ જો એક વખત માણસનો શિકાર કરે તો તેની આદત બની જવાની શકયતા છે. આવા સંજોગોમા નરભક્ષી સિંહ બીજા માણસોનો પણ શિકાર કરી શકે છે.

ધારી તાલુકાના આંબરડી ગામની સીમમા એક સાવજે બે દિવસ પહેલા વાડીમા ખુલ્લામાં સુતેલા આધેડને ફાડી ખાતા આ વિસ્તારમાં કામ કરતા ખેડૂતોમાં ભયનો માહોલ પ્રસરી ગયો હતો. નરભક્ષી સિંહ આઝાદ ઘુમતો હોય ખેડૂતો વાડીએ જતા પણ ડરતા હતા.

દરમિયાન વનવિભાગ દ્વારા આ નરભક્ષી સિંહને પકડવા માટે આંબરડી ગામની સીમમાં ત્રણ પાંજરા ગોઠવવામાં આવ્યા હતા. પ્રથમ ચોવીસ કલાક સુધી તો આ સિંહ પાંજરામા સપડાયો ન હતો પરંતુ ગઇરાત્રે ફરી શિકારની શોધમાં નીકળેલો નરભક્ષી સિંહ વનવિભાગે ગોઠવેલા પાંજરામા સપડાઇ જતા વનતંત્ર અને આ વિસ્તારના લોકોએ રાહતનો દમ લીધો હતો. આ સિંહને હાલમાં સાસણ ખાતે મોકલી આપવામા આવ્યો હોવાનું વનવિભાગના સૂત્રોએ જણાવ્યું હતુ.

રાત્રે ખુલ્લામા સુતેલા લોકો બને છે સિંહ દિપડાના હુમલાનો ભોગ

સામાન્ય રીતે સાવજ માણસનો શિકાર કરતો નથી કે તેને ખોરાક સમજતો નથી પરંતુ આંબરડીની ઘટનામા મૃતક જીણાભાઇ મકવાણાએ રાત્રીના સમયે કાળી શાલ ઓઢેલી હોય તેના કારણે સાવજ તેમને પશુ સમજી ઉપાડી ગયાનું વનતંત્ર માની રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે સાવજ માણસની સરખામણીમા રાત્રીના સમયે ખૂબ જ સારી રીતે જોઇ શકે છે. ધારીના ડીએફઓ કરૂપ્પાસામીએ પણ જણાવ્યું હતુ કે, તેમણે કાળી શાલ ઓઢી હોય તેમના કારણે સિંહ ઉઠાવી ગયાની શકયતા છે. તેમણે એમ પણ જણાવ્યું હતુ કે અહી સિંહને પકડવા ત્રણ પાંજરા મુકાયા છે.
 
સિંહ શરીરનો તમામ હિસ્સો ખાઇ ગયો

સિંહ જીણાભાઇના મોઢાને બાદ કરતા બાકીનો શરીરનો તમામ હિસ્સો ખાઇ ગયો હતો. સવાર પડતા સાથી મજૂરોએ જીણાભાઇને ન જોતા આસપાસમા તપાસ કરી હતી. થોડે દૂરથી તેમના અવશેષોમા પડેલો મૃતદેહ મળી આવ્યો હતો. વનવિભાગને જાણ કરાતા ડીએફઓ કરૂપ્પાસામી, એસીએફ મુની સ્ટાફ સાથે અહી દોડી ગયા હતા. મૃતક આધેડની લાશને પીએમ માટે ચલાલા દવાખાને ખસેડાઇ હતી. બીજી તરફ સીમમાં નરભક્ષી સિંહની હાજરીથી ખેડૂતોમાં ફફડાટ ફેલાયો હોય ખેડૂતોએ સિંહને પાંજરે પુરવા માંગ ઉઠાવી હતી.
 

No comments: