- Bhaskar News, Amreli
- Jan 09, 2016, 19:30 PM IST
અમરેલી: રાજુલા-જાફરાબાદ પંથકમાં સાવજોની વસતી વધી રહી છે. અહિં ભુતકાળમાં વાહન હડફેટે અને ટ્રેઇન હડફેટે સાવજોના મોતની અનેક ઘટનાઓ બની ચુકી છે. આમ છતાં વનતંત્ર ઘોર બેદરકાર છે. સાવજોની અવર જવર તેની કોઇ નઝર નથી. આજે પીપાવાવ નજીક કોસ્ટલ હાઇવે પર એક સાથે પાંચ સાવજના ટોળાએ જાણે પેટ્રોલીંગ કર્યુ હતું. દિવસ દરમીયાન હજારો ભારે વાહનોની અવર જવર વાળા આ રસ્તા પર સાવજોને ખતરો છે.
ગીર કાંઠે આવેલા રાજુલા-જાફરાબાદ તાલુકામાં સાવજો જાણે અત્ર, તત્ર અને સર્વત્ર છે. હજુ ચાર દિવસ પહેલા જ એક સિંહ જાફરાબાદના લાઇટ હાઉસ વિસ્તારમાં ઘુસી ગયો હતો. અહિં જાયન્ટ કંપનીઓની પત્થરોની ખાણમાં સાવજોનો કાયમી વસવાટ છે. ઉદ્યોગોથી ધમધમતા પીપાવાવ વિસ્તારમાં વારંવાર સાવજો રસ્તા પર આવી જાય છે. ભુતકાળમાં પીપાવાવ જતી-આવતી માલગાડી હડફેટે સાત સાવજોના મોત થઇ ચુક્યા છે. તો નાગેશ્રી નજીક વાહન હડફેટે બે સાવજોના મોતની ઘટનાઓ બની ચુકી છે. છતાં વનતંત્રએ તેના પરથી કોઇ બોધપાઠ લીધો નથી. સાવજોની અવર જવર પર તંત્રની કોઇ નઝર નથી. જેના પરિણામે ગમે ત્યારે સાવજો રસ્તા પર કે રેલવે ટ્રેક પર આવી જાય છે.
આજે આવી જ સ્થિતી પીપાવાવ નજીક કોસ્ટલ હાઇવે પર જોવા મળી હતી. જ્યાં એક સાથે પાંચ સાવજો વાહનોની અવર જવર વચ્ચે રસ્તા પર આવી ગયા હતાં. એક સિંહણ અને ચાર પાઠડા જાણે પેટ્રોલીંગ કરતા હોય તેમ હાઇવે પર ટહેલવા લાગ્યા હતાં. જેના કારણે વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. કેટલાક લોકોએ આ દ્રશ્યો મોબાઇલમાં પણ કેદ કર્યા હતાં.
અહિં હેવી લોડેડ વાહનો પુરપાટ ઝડપે દોડતા રહે છે. ત્યારે આ પ્રકારે સાવજો સતત હાઇવે પર ઓ ગ્રામીણ માર્ગો પર અચાનક જ આવી ચડતા હોય અને ક્યારેક ક્યારેક તો રસ્તા પર બેસી જઇને પણ લાંબા સમય સુધી આરામ કરતા હોય જીવલેણ અકસ્માતોની પણ ભીતી રહે છે. અહિં વનતંત્રને વધુ સતર્ક બનાવવાની જરૂર હોવાનું સિંહપ્રેમીઓને લાગી રહ્યુ છે.
નાગેશ્રી નજીક વાહન હડફેટે થયા હતાં બે સિંહના મોત
પુખ્ત ઉંમરના સાવજો વધુ સમજદાર હોય છે. પરંતુ સિંહબાળ અને પાઠડા સિંહ રમતીયાળ અને રસ્તા પર વધુ બેદરકાર નઝરે પડે છે. અગાઉ બે પાઠડાનું નાગેશ્રી નજીક વાહન હડફેટે મોત થયુ હતું. આજની ઘટનામાં પણ ચાર પાઠડા રસ્તા પર આમથી તેમ દોડતા નઝરે પડયા હતાં.
No comments:
Post a Comment