Tuesday, May 31, 2016

ધારી: 14 સાવજના લેબોરેટરી ટેસ્ટ, માનવ ભક્ષી હશે તો આજીવન કારાવાસ


ધારી: 14 સાવજના લેબોરેટરી ટેસ્ટ, માનવ ભક્ષી હશે તો આજીવન કારાવાસ

  • Bhaskar News, Dhari
  • May 31, 2016, 02:54 AM IST
ધારી: ધારી નજીક આવેલા આંબરડીપાર્ક આસપાસના વિસ્તારમાં છેલ્લા બે માસ દરમીયાન સાવજોએ હાહાકાર મચાવી ત્રણ લોકોને ફાડી ખાધા બાદ વન વિભાગે અભુતપૂર્વ નિર્ણય લઇ આ વિસ્તારના તમામ 14 સાવજોને પાંજરે પુરી જસાધાર એનિમલ કેર સેન્ટરમાં ખસેડી દેવામાં આવ્યા છે. જ્યાં હવે વનતંત્રએ તમામ સાવજોના મળના નમુના લઇ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી દીધા છે. લેબોરેટરીના રીપોર્ટના આધારે કયા સાવજ માનવભક્ષી છે તે નક્કી થશે અને બાદમાં માનવભક્ષી નહી હોય તેવા તમામ સાવજને ફરી તેના પ્રાકૃતિક આવાસમાં મુક્ત કરી દેવામાં આવશે.

પાંજરામાં કેદ રખાયેલા 14 સાવજના મળના નમુના લેબોરેટરીમાં મોકલાયા

રેવન્યુ વિસ્તારમાં વસતા સાવજોએ કાળો કેર વર્તાવ્યો છે. ભુતકાળમાં ક્યારેય ઘટી ન હોય તેવી ઘટના ધારી તાલુકાના આંબરડી વિસ્તારમાં છેલ્લા બે માસ દરમીયાન વારંવાર બની અને માનવભક્ષી બનેલા સાવજોએ ટુંકાગાળામાં ત્રણ-ત્રણ લોકોને ફાડી ખાધા. આ ઘટનાથી વન વિભાગ પણ આંચકો ખાઇ ગયુ છે અને સાથે સાથે આ વિસ્તારના લોકોમાં ભયનો માહોલ પ્રસરી ગયો છે. ખેતીની સિઝન માથે છે, લોકોને સીમમાં દિવસ-રાત કામ કરવુ પડે તેવી સ્થિતી છે તેવા સમયે જ સાવજોના આ આક્રમક વલણથી ખોફ ફેલાયો હોય વન વિભાગે અભુતપૂર્વ નિર્ણય લઇ આ વિસ્તારના તમામ 14 સાવજોને પાંજરે પુરી દીધા છે.

માનવભક્ષી નહી હોય એ તમામ સાવજોને મુક્ત કરી દેવાશે

સાવજોને પાંજરે પુરાયાને એકાદ સપ્તાહ જેટલો સમય વિત્યો છે ત્યારે ઓબ્ઝર્વેશનમાં રખાયેલા તમામ સાવજોના મળના નમુના વનતંત્ર દ્વારા એકઠા કરાયા છે. દરેક સાવજોને અહિં અલગ અલગ પાંજરામાં રાખવામાં આવ્યા છે. કે જેના કારણે દરેક સાવજના મળના નમુના અલગ અલગ લઇ શકાય. વનતંત્ર દ્વારા આ રીતે દરેક સાવજના અલગ અલગ નમુના લઇ નિરીક્ષણ માટે સાસણ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. જ્યાં આ મળને સુકવી તેનું જીણવટભરી રીતે નિરીક્ષણ કરવામાં આવશે અને તેના આધારે કયા સાવજના પેટમાં માનવમાંસ હતું તે નક્કી કરવામાં આવશે. વનતંત્રના પોતાના નિતિ-નિયમો મુજબ જે સાવજ માનવભક્ષી હશે તેને આજીવન કેદ રાખવામાં આવશે જ્યારે બાકીના તમામ સાવજોને તેમના પ્રાકૃતિક આવાસમાં ફરી મુક્ત કરી દેવામાં આવશે.
આઠ દિવસમાં આવશે રીપોર્ટ

ગીર પૂર્વના ડીએફઓ કરૂપ્પાસામીએ જણાવ્યુ હતું કે તમામ 14 સાવજના મળના નમુના પૃથ્થકરણ માટે મોકલી દેવાયા છે. એકાદ સપ્તાહમાં તેનો રીપોર્ટ આવી ગયા બાદ માનવભક્ષી સાવજની ઓળખ થશે. તેમણે એમ પણ જણાવ્યુ હતું કે બાકીના સાવજોને મુક્ત કરી દેવાશે. 

સતત અવલોકન કરી રહી છે વનતંત્રની ટીમ

ડીએફઓ કરૂપ્પાસામીએ એમ પણ જણાવ્યુ હતું કે તમામ સાવજને ઓબ્ઝર્વેશનમાં રખાયા છે. જુનાગઢના સીસીએફ એ.પી. સીંગના માર્ગદર્શન તળે વેટરનરી ડોક્ટર, રેસ્ક્યુ ટીમ અને જસાધારનો સ્ટાફ આ સાવજોની સાર-સંભાળ લઇ તેનું અવલોકન કરી રહ્યો છે.

અગાઉ એક માનવભક્ષી સાવજની ઓળખ થઇ ચૂકી છે

વનતંત્રના સુત્રોએ જણાવ્યુ હતું કે હાલમાં જસાધાર એનિમલ કેર સેન્ટરમાં કુલ 17 સાવજ છે. જે પૈકી 14 સાવજને પાછલા એક સપ્તાહ દરમીયાન આંબરડી નજીકથી ઝડપી પડાયા છે. આંબરડીમાંથી અગાઉ પણ ત્રણ સાવજને પકડી લેવાયા હતાં. જે પૈકી એક સાવજ માનવભક્ષી હોવાનું ઓળખી કઢાયુ હતું. જ્યારે બાકીના બે સાવજને સાસણથી હાલમાં જસાધાર ખાતે લઇ જવાયા છે.

No comments: