- Bhaskar News, Amreli
- May 27, 2016, 23:46 PM IST
સોસરીયા વિસ્તારમાં એક સિંહબાળ ગુમ થઇ ગયું, અમરેલી પંથકમાં સાવજોની માઠી દશા બેઠી છે
સાવજોના કમોતનો સિલસીલો ચાલુ છે. હવે વારો છે સાવરકુંડલા પંથકના સાવજોનો. આ વિસ્તારની વડાળ રેંજમા ત્રણ બચ્ચા સાથે રહેતી સિંહણનુ એક બચ્ચુ મોતને ભેટયુ છે. બે દિવસ પહેલા આ સિંહબાળનુ મોત બિમારીના કારણે થયુ હોવાનુ કહેવાય છે. જો કે આરએફઓ મોરને આ અંગે પુછતા તેમણે કોઇ સિંહબાળ મર્યુ ન હોવાનુ જણાવ્યું હતુ. પરંતુ વનવિભાગના એક કર્મચારીએ નામ નહી આપવાની શરતે જણાવ્યું હતુ કે સિંહણે ત્રણ બચ્ચાને જન્મ આપ્યો હતો અને તેમાથી એકનુ મોત થયુ છે.
આટલુ ઓછુ હોય તેમ વધુ એક સિંહબાળ ગુમ હોવાની વિગત પણ બહાર આવી છે. વડાળ રેંજના જ સોસરીયા વિસ્તારમાં એક સિંહબાળનો કોઇ અતો પતો નથી. સ્થાનિક આરએફઓ મોર દ્વારા સિંહબાળ મળતુ ન હોવાની વાતને પુષ્ટિ અપાઇ હતી. આમ એક પછી એક વનતંત્રની ઘોર બેદરકારીની ઘટનાઓ બહાર આવી રહી છે. છેલ્લા કેટલાક સમયથી અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં વસતા સાવજોના કમોતની ઘટનાઓ વધી છે. બીજી તરફ આંબરડી રેંજમા સિંહ દ્વારા માનવ શિકારની ઘટનાઓ બનતા 16 સાવજોને કેદ કરવામા આવ્યા છે. કદાચ સાવજો માટે નબળો સમય ચાલી રહ્યો છે.
No comments:
Post a Comment