અમરેલી:સાવજો સૌરાષ્ટ્રનુ ઘરેણુ છે. એમાય અમરેલી જિલ્લાના
રેવન્યુ વિસ્તારમા વસતા સાવજોને નિહાળવા દેશભરમાથી પ્રવાસીઓ આવે છે. છેલ્લા
છ માસ દરમિયાન ક્રાંકચ અને અમરેલી પંથકમા સિંહણોના ઘરે પારણુ બંધાતા દસ
નવા સિંહબાળનો જન્મ થયો છે. જેનાથી સિંહપ્રેમીઓ ખુશખુશાલ છે. આ સિંહબાળ
પૈકી ક્રાંકચ પંથકમા છ સિંહબાળ છે. વનતંત્ર આ સાવજો પર સતત દેખરેખ રાખી
રહ્યું છે. સિંહપ્રેમીઓ ખુશખુશાલ છે કારણ કે સાવજોની સંખ્યા કુદકેને ભુસકે
વધી રહી છે.
એક સિંહબાળનુ મોત થયુ હતું
સાવજોનુ નવુ ઘર જંગલ નહી પરંતુ રેવન્યુ વિસ્તાર છે. અને ભરપુર ખોરાક, પાણી, બાવળની કાટનુ જંગલ અને સાથે સાથે વનતંત્ર અને લોકો દ્વારા મળતા રક્ષણથી આ સાવજો ખુબ જ ફુલીફાલી રહ્યાં છે. નવા નવા સિંહબાળનો જન્મ થઇ રહ્યો છે. જેના કારણે સાવજોની સંખ્યા વધતા તે નવા નવા વિસ્તારો પણ સર કરી રહ્યાં છે. થોડા દિવસ પહેલા લીલીયાના સાજણટીંબા નજીક એક સિંહણે ત્રણ સિંહબાળને જન્મ આપ્યો હતો જો કે તે પૈકી એક સિંહબાળનુ મોત થયુ હતુ.
વનતંત્રની સતત દેખરેખ
જયારે બાકીના બંને બચ્ચા ઝડપથી મોટા થઇ રહ્યાં છે. લીલીયા તાલુકાના ક્રાંકચ પંથકમા બે સિંહણોએ પાછલા છ માસ દરમિયાન છ બચ્ચાને જન્મ આપ્યો છે. અમરેલી તાલુકાના બાબાપુર પંથકમા પણ એક સિંહણે થોડા સમય પહેલા બે બચ્ચાને જન્મ આપ્યો હતો. બાબાપુર, ચાંદગઢ, ક્રાંકચ પંથક ઉપરાંત અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમા તો છેક નાગેશ્રી, રાજુલા, સાવરકુંડલાથી લઇ ખાંભા, ધારી અને બગસરા પંથકમા પણ સાવજો વસે છે.
વનવિભાગની સતત દેખરેખ
લીલીયા અને અમરેલી પંથકમા નવા સિંહબાળના જન્મને લઇને વનતંત્ર પણ સચેત છે. આ તમામ સિંહબાળ અને તેની માતાનુ વનતંત્ર રોજેરોજ લોકેશન મેળવે છે. અને તેની મુવમેન્ટ પણ દેખરેખ રાખે છે. જરૂર પડયે સિંહના બચ્ચાઓની સારવાર પણ કરાઇ રહી છે. તંત્રની સતત દેખરેખના કારણે જ દસ બચ્ચા જીવિત છે અન્યથા સાવજોના 50 ટકા બચ્ચા પણ ભાગ્યે જ જીવે છે.
લોકજાગૃતિ કેળવવા સતત પ્રયાસ
આમપણ આ વિસ્તારના લોકો સિંહપ્રેમી છે અને સાવજોની સતત ચિંતા કરતા રહે છે. વનવિભાગ દ્વારા પણ સાવજોની રક્ષા માટે લોકોને જાગૃત કરાતા રહે છે. બચ્ચાવાળી સિંહણથી કેમ દુર રહેવુ, સાવજો બિમાર દેખાય તો વનતંત્રને જાણ કરવી, સિંહ દર્શન માટે લોકોને એકઠા ન કરવા, સાવજોનો સામનો થાય તો કઇ રીતે વર્તવુ વિગેરે ઠેરઠેર શિબિર કરી લોકોને માહિતી અપાય છે.
No comments:
Post a Comment