Saturday, March 31, 2018

ગિરનાર જંગલમાં ચંદન ચોર ગેંગ સક્રિય, મજુર પર કર્યો હુમલો

Bhaskar News, Junagadh | Last Modified - Dec 27, 2017, 10:44 PM IST
15 દિવસમાં 7 વૃક્ષ કપાયા: ડુંગર દક્ષિણ રેન્જમાં વન વિભાગે વોચ ગોઠવી, સફળતા ન મળી
 
જૂનાગઢ: ગિરનાર જંગલમાં અસંખ્ય ચંદનનાં વૃક્ષ છે. છેલ્લા કેટલાક સમયથી જંગલ અને આસપાસનાં રેવન્યુ વિસ્તારમાંથી ચંદનનાં વૃક્ષની તસ્કરીની ઘટના સામે આવી રહી છે. 15 દિવસમાં 7 ચંદનનાં વૃક્ષ કપાયા છે. મંગળવારી મધ્યરાત્રીનાં ડુંગર દક્ષિણ રેન્જમાં વિછૂડા બીટમાં ચંદનનાં વૃક્ષ કપાતા હોવાની બાતમીનાં આધારે વન વિભાગની ટીમ પહોંચી હતી. પરંતુ ચંદન કાપતા શખ્સોને વન વિભાગનાં મજુર લાખાભાઇ દિનેશભાઇ સીંધવ અને સોહિલભાઇ મકવાણાએ પડકાર્યા હતાં.
ચંદન, કુહાડી, કરવત સહિતનો રૂપિયા 8 હજારથી વધુનો માલ કબજે: મધ્ય રાત્રીનાં વન વિભાગની ટીમ જંગલમાં ત્રાટકી પણ ચોર અને વન વિભાગને હાથ વેતનું છેટું રહી ગયું
ચંદન કપાતા શખ્સોએ નાશવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે લાખાભાઇએ એક શખ્સનો પગ પકડી લીધો હતો. પરંતુ ચંદન ચોર લાખાભાઇની આંખ અને પેટમાં લાતમારી નાશી ગયો હતો. વન વિભાગે સ્થળ પરથી ચંદનનાં લાકડા, ચાર બેગ, કરવત, ગીલોલ, કુહાડી સહિતનો રૂપિયા 8 હજારથી વધુનો મુદામાલ કબજે કર્યો હતો. આ અંગે એસીએફ બી.કે. ખટાણાએ જણાવ્યું હતું કે, 15 દિવસથી ચંદન ચોરીની પ્રવૃતિ ચાલી રહી છે. તા. 13 ડિસેમ્બર 2017નાં પાંચ વૃક્ષ કપાયા હતાં. જેમાં 50 ટકા માલ રીકવર થયો છે.
બસ સ્ટેશન પાસેથી એક શખ્સ મળી આવ્યો હતો.શંકાનાં આધારે તેની તપાસ કરતા ચંદન મળી આવ્યું હતું. આ શખ્સ ત્યારે નાશી ગયો હતો. આ ઘટના બાદ રાત્રીનાં અને દિવસનાં પેટ્રોલીંગ વધારી દેવામાં આવ્યું છે. ગત રાત્રીનાં વિછૂડા બીટમાં ચાર વ્યક્તિ ચંદનનાં લાકડા કાપતા હોવાનું જાણવા મળ્યું હતું. અવાજનાં આધારે વન કર્મી લાખાભાઇ અને સોહીલભાઇ પહોંચ્યાં હતાં. પરંતુ આ લોકો સામાન્ય ઇજા પહોંચાડી નાશી ગયા હતાં. આ ઘટના બાદ રાત્રે ઠેર-ઠેર નાકાબંધી અને વાહનની તપાસ કરવામાં આવી રહી છે. તમામ શખ્સો સામે ગુનો નોંધવામાં આવશે.
બેગનાં આધારે તપાસ
ચાર બેગ નવી છે અને તેમાં લોગા છે તંત્ર તેના આધારે તપાસ શરૂ કરી છે અને સીસીટીવી ફુટેજ પણ તપાસશે.
વૃક્ષમાં એક ઘા મારી બીજો ઘા બે મિનીટ પછી મારતા હતાં
ચંદન ચોર વૃક્ષ કાપવા માટે કરવત અને કુહાડી સાથે લાવ્યા હતાં. વૃક્ષ પર કુહાડીનાં સતત ઘા મારતા ન હતાં. સતત ઘા મારે તો અવાજ થી તે પકડાય જવાની સંભાવના રહે છે માટે ચંદન ચોર વૃક્ષમાં એક ઘા મારી બે મિનીટ શાંત રહેતા હતાં. બાદ બે મિનીટ પછી બીજો ઘા મારતા હતાં. આ પ્રકારે ચંદનનાં વૃક્ષ કાપતા હતાં.
કેવી રીતે ચંદનનાં વૃક્ષ લઇ જતા: વૃક્ષ મોટા હોય છે. તેને બહાર કાઢવું મુશ્કેલ હોય છે. ચંદનની ચોરી કરનાર શખ્સો વૃક્ષાનાં એક-એક ફૂટનાં કટકા કરી નાખે છે. બાદ આ કટકા બેગમાં ભરી દેશે. ખંભે ટીગાડી ચંદનને લઇ બહાર નિકળી જતા હોય છે.
2012માં જૂનાગઢમાં ચંદનની ચોરી થઇ'તી
જૂનાગઢમાં ચંદન ચોરીની ઘટના ઘણી સામે આવી છે. 2012 બાદ ફરી એક વખત ચંદન ચોરીની ઘટના સામે આવતા વન વિભાગમાં દોડધામ મચી ગઇ છે. આ પહેલા જૂનાગઢમાં આઇજીનાં બંગલા અને સર્કિટ હાઉસમાંથી ચંદનનાં વૃક્ષની ચોરી થઇ હતી.
ઇન્ફોર્મેશન: ચંદન અનામત વૃક્ષ છે
જંગલમાં જેમ પ્રાણીઓની જુદી-જુદી કેટેગરી હોય છે. તેમ ચંદનની પણ એક કેટેગરી છે. ચંદન અનામત વૃક્ષ છે. નાયબ વન સંરક્ષકની પરવાનગી વિના વૃક્ષ કાપી શકાતું નથી.
6 થી 7 વર્ષની જેલની સજા થઇ શકે
અભ્યારણમાં પ્રવેશ કરવો તે ગુનો છે. ચંદનનાં વૃક્ષની તસ્કરીમાં છ થી સાત વર્ષની જેલની સજા થઇ શકે છે.
ચંદનનાં કિલોનાં 6 થી 12 હજાર ભાવ
પરીપક્વતા અને ગુણવત્તાનાં આધારે ચંદનનાં ભાવ નકકી થતા હોય છે. બજારમાં ચંદનનાં એક કિલોનાં રૂપિયા 6 થી 12 હજાર ભાવ હોય છે.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest_news/junagadh/1

No comments: