Tuesday, January 29, 2019

પીપાવાવ પોર્ટ નજીક સિંહને પરેશાન કરનાર બસના ચાલક-ક્લિનરની અટક

Divyabhaskar.com | Updated - Jan 26, 2019, 02:37 AM

Amreli News - બે દિવસ પહેલા વિડીયો વાયરલ થયો હતો :10 પરપ્રાંતીયોની પૂછપરછ પણ કરવામાં આવી

રાજુલાના પીપાવાવ પોર્ટ પાસે બે દિવસ પહેલા એક સિંહ ગ્રુપ પુલ પરથી પસાર થતું હતું ત્યારે ખાનગી બસના ચાલક અને ક્લીનરે તેનો વિડીયો ઉતારી વાઈરલ કરતા અને સાવજોને પરેશાન કરતા વનવિભાગે આજે બંનેની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. અને આ પ્રકરણમાં વધુ દસેક પરપ્રાંતિયોની પૂછપરછ પણ શરૂ કરી છે.અમરેલી જીલ્લાના રેવન્યુ વિસ્તારમાં સાવજો અવાર નવાર સડક પર આવી જાય છે. પીપાવાવ પોર્ટના રસ્તાઓ પર પણ આવી જાય છે. જોકે વાહનચાલકોએ આ સાવજોને પસાર થઈ જવા દેવા જોઈએ. પરંતુ અનેક સ્થળે એવું જોવા મળે છે કે વાહન ચાલકો ઉભા રહી સાવજોને પરેશાન કરે છે. જે કાયદાની વિરુદ્ધ છે. તેના ફોટા પાડવા કે વિડીયો બનાવવો પણ કાયદાની વિરુદ્ધ છે. પીપાવાવ પોર્ટ નજીક ગત ૨૩મી તારીખે જેટી તરફ જવાના માર્ગે સાવજનું એક ગ્રુપ આવી ચડ્યું હતું.

મહુવાના બસ ડ્રાઇવર સુલેમાન બાબુભાઈ કલાણીયા અને ક્લીનર ઘોઘાના ભાર્ગવ દિનેશભાઈ પરમાર નામના શખ્સો પીપાવાવ પોર્ટમાં મજૂરોને બસ નંબર જીજે 01 એ ડબલ્યુ 2004માં મહુવાથી પીપાવાવ પોર્ટ તરફ લઈ જતા હતા એ સમયે રસ્તામાં નવ સિંહ જોવા છતાં તેમણે સાવજોની પાછળ બસ દોડાવી હતી અને તેનો વીડિયો પણ ઉતાર્યો હતો. આ વીડિયો વાયરલ પણ કર્યો હતો. આ બન્નેએ બુમાબુમ કરતા સાવજોને પરેશાની થઈ હતી. વન વિભાગ દ્વારા આ પ્રકરણની તપાસ માટે એક ટીમ પણ બનાવાઈ હતી. જેની તપાસના અંતે આ બંને શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. અને બન્નેને જેલ હવાલે કરી દેવાયા હતા. વનવિભાગ દ્વારા આ પ્રકરણમાં હજુ વધુ ૧૦ શખ્સોની પૂછપરછ કરાઈ રહી છે. તસ્વીર કે. ડી. વરુ
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-the-driver-of-the-bus-driver-cleaner-who-teased-the-lion-near-pipavav-port-023728-3751542-NOR.html

No comments: