Saturday, May 1, 2010

રાજવી કવિ કલાપીએ ગદ્ય સાહિત્યને.... (For my personal record)


નેટવર્ક
આના લેખક છે GS NEWS   
બુધવાર, 28 એપ્રિલ 2010
યાદી ભરી ત્યાં આપની....લેખાંકઃ૨
રાજવી કવિ કલાપીએ ગદ્ય સાહિત્યને પણ પદ્યથી નવરાવેલું છે !
એમના પ્રકૃતિ વર્ણનો એટલે કોઈ ચિત્રકારે પીંછીથી દોરેલું ચિત્ર !
ગોવર્ધનરામ ત્રિપાઠી, મણિલાલ નભુભાઈ, જન્મશંકર બુચ ‘‘લલિત’’ જેવા ગુજરાતી સાહિત્યના કલગીરૂપ મુગટો લાઠીમાં કલાપીના મહેમાન તરીકે મહિને બે મહિને જઈને રહેતા
કલાપીના જીવનના ૧૮૯૪ થી ૧૮૯૮ સુધીના ચાર વર્ષ હૃદયદ્રાવક પીડા, તડપન, હૃદયમંથન અને આંતરબાહ્ય સંઘર્ષના હતા અને વ્યથાના દરિયામાં વીતેલા


network.gif ગુજરાતની પ્રજાએ જે ગણ્યાગાંઠ્યા ગુજરાતી કવિઓને વહાલા ગણીને કંઠે કર્યા છે એમાં નર્મદ, કલાપી અને મેઘાણી મુખ્ય છે. એ કલાપીની ૧૧૦મી મૃત્યુતિથિ જૂનની ૧૦મી તારીખે આવે છે. (જન્મ ૨૬-૧-૧૮૭૪ અને અવસાન ૧૦-૬-૧૯૦૦)એ નિમિત્તે લખાયેલા ત્રણ લેખોમાંનો આ બીજો લેખ છે.

કલાપીએ ગદ્યસાહિત્ય પણ વિપુલ પ્રમાણમાં આપ્યું છે. કવિત્વમય પ્રકૃતિવર્ણનો, ચિંતન અને સરળ ગદ્યપ્રવાહવાળો ‘કાશ્મીરનો પ્રવાસ’ ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં આગવું સ્થાન ધરાવે છે. લોકસાહિત્ય અને ધાર્મિક દંતકથાઓના આધારે તેમણે લખેલા ચાર સંવાદનો જેમાં જેસલતોરલ, જાલોધંરનાથ, મેનાવતી, ગોપીચંદ વગેરે પાત્રરૂપે આવે છે તે આજે પણ વાંચવા ગમે તેવા છે. ‘નારીહૃદય’ સહિતની તેમની બે અનુવાદિત નવલકથાઓ છે.

‘સ્વીડનબોર્ગના ધર્મવિચારો’ તે તેમનો ચિંતનગ્રંથ છે. આ બધામાં શિરમોરરૂપ તેમના આઠસો જેટલા પત્રો છે જે ગ્રંથરૂપે પ્રગટ થયેલા છે. તેમને પત્રરૂપે લખવાનું એટલું બઘું ગમતું કે સંવાદો સિવાયના તેમના કેટલાક ગદ્યગ્રંથો પત્રરૂપે લખાયા છે. પત્રોમાં તેઓ સાહિત્ય કે અન્ય વિષયની ચર્ચાઓ ધારદારરૂપે કરે છે અથવા પ્રકૃતિનાં દ્રશ્યો ચિત્રકારની પીંછીની જેવી સુરેખતાથી આલેખે છે. અંગત પત્રોમાં તેઓ હળવા વિનોદો કરે છે, લાગણીઓ વહાવે છે અને ક્યારેક તો એક બે લીટીમાં ગદ્યાત્મક ઊર્મિકાવ્ય રચી દે છે.

જેમકે ઃ ‘વ્હાલા ભાઈ, વર્ષાદ થયો - હવે આપ પણ વર્ષો - પધારો. આપનો સુરસિંહ.’ વળી લખે છે ઃ ‘‘આજે કલમ આનંદમાં ઊછળે છે. ઓહોહો ! હવે તો અમારા સદુભા ખચારીિ થયા. વધામણી તો મ્હેં આપી છે. શું આપશો ? હું માગું તે-તેમાં ‘હા’ ના ચાલે નહિ. શું માગીશ ? બસ. રજામાં અહીં આવો. બીજું કાંઈ જ નહિ એ જ હાલ તો. (સદુભા એટલે સહાઘ્યાયી, મિત્ર, અને સંબંધી એવા મહાન ક્રાંતિકાર એટલે લિંબડીના રાજવી સરદારસિંહજી રાણા).


બ્રિટિશ વહીવટના શિરસ્તા પ્રમાણે સુરસિંહજીને એકવીસ વર્ષની વયે રાજ્ય સોંપાયું (૨૧-૧-૧૮૯૫). નાના રાજ્ય લાઠીનાં ગામ ૧૨ પણ તે ઉપરાંતનાં ઘોઘા તાલુકામાં અત્યારે છે તે વાળુકડ, ભીકડા, લાખણકા વગેરે ગામોની જાગીર પણ હતી જે રાજ્ય કરતાં ય વઘુ આવક આપતી. કલાપીએ રાજ્યવહીવટ પણ સક્ષમતાથી અને પ્રજાવત્સલતાથી કર્યો. પોતાના આદર્શ ચિંતનશીલ રાજવીની છબી કલાપીના ‘ગ્રામ્યમાતા’’’ કાવ્યમાં જોઈ શકાશે. વહીવટ માટે ઉપયોગી કાયદાનાં પુસ્તકોનો અભ્યાસ લાઠીના ન્યાયાધીશ કેશવરામ ફકીરભાઈ પાસે કરતા અને બધા વિભાગોની મુલાકાત લઈ રાજકામ અને ન્યાયમાં ઘણા બધા સુધારા કરેલા. ઓફિસોમાં ઓચિંતા પહોંચી જાય, દવાખાનાં, નિશાળો અને છેક ખેતરોમાં પટેલો પાસે પહોંચી જઈ સૌનાં દુઃખો, અગવડો, અપેક્ષાઓની વાતો સાંભળતા, સૌને સંતોષવા પ્રયાસો કરતાં.


કલાપીના મિત્રો અને સાહિત્યકારોનો દરબાર ઘણો વિશાળ હતો. ‘જટિલ’ ઉપરાંત રૂપશંકર ઓઝા ‘સંચિત’ મિત્ર હતા અને નાયબ કારભારી તરીકે સેવા આપતા. મિત્ર કવિ ત્રિભુુવન પ્રેમશંકર મસ્તકવિ તરીકે ઓળખાતા અને કલાપી સાથે રહેતા. જનમશંકર બુચ ‘લિલત’ પણ લાઠીમાં લાંબો સમય નિવાસ કરતાં. મણિલાલ નભુભાઈ અને ગોવર્ધનરામ ત્રિપાઠીને મહિનો બે મહિના લાઠી રાજ્યના મહેમાન તરીકે નિમંત્રતા. ગોવર્ધનરામે ‘સરસ્વતીચંદ્ર’ના ચોથા ભાગનાં કેટલાંક પ્રકરણો લાઠીમાં લખેલાં. કવિ મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાંતે’ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો ત્યારે મોટા ભાગના સંબંધીઓ-મિત્રો મોઢું ફેરવી ગયા હતા.

અત્યંત કોમળ હૃદયના લાગણીશીલ કાંત વિષાદમાં હતાં. ત્યારે માત્ર કલાપી તેમની સાથે ઊભા રહ્યા હતા. તાર કરી કાન્તને લાઠી બોલાવી લીધા અને મહિનો રોકયા હતા. મસ્તકવિ કોઈ કારણે નારાજ થઈ લાઠી છોડી ગયા ્યારે મહારાજા ભાવસિંહજીને ભાવનગર કાગળ લખી કવિ માટે ભલામણ કરી હતી જે માન્ય કરી ભાવસિંહજીએ અંત સુધી મસ્તકવિને સેવામાં રાખીને તથા અન્ય ઘણી રીતે સાચવ્યા હતા. હડાળા દરબાર વાજસુરવાળા, બાવાવાળા સરદારસિંહ વગેરે તો કલાપીના અભ્યાસ સમયના સહાઘ્યાયીઓ અને અંતરંગ મિત્રો હતાં.


આ બધાને મળવાનું ન થાય ત્યારે વિગતે પત્રવ્યવહાર ચાલતો અને પોતાનાં કાવ્યોની નકલો સૌને મોકલાતી. અભિપ્રાયો મળતાં કાવ્યોમાં ફેરફાર પણ થતા. મળતી વિગતો પ્રમાણે જટિલે ‘હમીરજી ગોહેલ’ દીર્ઘકાવ્ય માટે માળખું રચી આપ્યું હતું અને મસ્તકવિએ વઘુ મદદ કરી હતી. રૂપશંકર ઓઝા ‘સંચિતે’ ઘણાં કાવ્યોમાં સુધારાવધારા કરી આપેલા . ડૉ. રમેશભાઈ શુકલે ‘કલાપી અને સંચિત’ નામનો મહાનિબંધ લખી આપી ઘણી વિગતો રજૂ કરી છે. જેમાં તેઓ સંચિત તરફ વઘુ ઢળ્યા હોવાનું પણ કહેવાયું છે. જો કે કલાપી વઘુ જીવ્યા હોત તો સૌમિત્રોનો ઋણસ્વીકાર ખુલ્લા દિલથી કરત. મિત્રો કાવ્યરચનાઓ મઠારી આપે, ઉમેરા કરી આપે તે બિના સાહિત્યજગતમાં નવી નથી.

પરંતુ એ બધી વિગતોને ઘ્યાનમાં લેતાં પણ કલાપીની પ્રતિભા મૂઠી ઊંચેરી હતી તે સૌ સ્વીકારશે. જે સક્ષમ હોય તેની ઉપર જ વઘુ પ્રહારો થતા હોય છે અને તે પ્રહારો સહન કરીને પણ પોતાનું ખમીર અવિચળ દર્શાવી આપે છે. કલાપીએ તો ગુજરાતી સાહિત્ય જગતના ૧૦૦ જેટલાં સાક્ષરોની યાદી કરી હતી અને તેનું સંમેલન લાઠીમાં બોલાવવાની યોજના વિચારી હતી. તેમના અકાળ અવસાનથી તે યોજના પાર ન પડી. પણ તેમના જવા પછીથી પાંચ જ વર્ષમાં ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’નો ગો.મા. ત્રિપાઠીના પ્રમુખસ્થાને આરંભ થયો. જેનું ૧મું સંમેલન ૧૯૩૩-૩૪માં લાઠી, મુકામે યોજાયું હતું.


જેના પ્રત્યે બાળક કે શિષ્યા તરીકેનો વત્સલ ભાવ હતો તે દાસી મોંઘી-શોભના પ્રત્યે કલાપીને પોતાની વીસ વર્ષની ઉંમરે પ્રણયભાવ જન્મ્યો (૧૮૯૪). શોભનાની ઉંમર ત્યારે ૧૨-૧૩ વર્ષ. પટરાણી આનંદીબાને પોતાનાં વસ્ત્રો અલંકારો અને કુટુંબ વ્યવાહરોમાં વઘુ રસ હતો જેમાં સુરસિંહજીનો સહકાર મળી રહેતો. રમાબાને રાજખટપટ, કાવાદાવા અને પોતાનું જ વર્ચસ જળવાઈ રહે તેવી મહત્ત્વાકાંક્ષામાં જ વઘુ ઘ્યાન પડતું. જે અધિકારી કે નોકર પર તેમને વિશ્વાસ ન હોય તેને દૂર કરાવવા કે અંતે પરેશાન કરવા અથવા પોતાના મેળમાં લાવવા તેઓ પ્રયત્ન કરતાં. સુરસિંહજીને રાજસત્તામાં જ રસ ન હતો. એટલે આવી ખટપટો ગમતી નહિ. રાજ્ય છોડી વાચન-લેખન માટે નિવૃત્ત થઈ જવા ઘણીવાર વિચારણા કરેલી. રમાને આ વિચાર પસંદ નહોતો. શોભનાને સુરસિંહજીની સેવામાં રમા જ વઘુ મોકલતાં જેવી તેના નિમિત્તે પતિ પર પોતાનું પ્રભુત્વ વધે.


દેશી રાજાઓ અન્ય જ્ઞાતિની સ્ત્રીઓ સાથે લગ્ન વગર સંબંધો રાખે તેવું બહુ ચાલતું. પરંતુ સુરસિંહજીનો શોભના પ્રત્યે વધતો રહેલો પ્રણયભાવ એ ચીલાચાલુ બાબત ન રહ્યો. પોતે કેન્દ્રમાં ન હોય અને અન્ય સ્ત્રી તરફ ભાવ વધે તે રમાને મંજૂર ન હતું. સુરસિંહજીએ તો ‘ચાહું છું’ તો તો ચાહીશ બેયને હું એવો મક્કમ નિર્ધાર કરી શોભના પ્રત્યેના પ્રેમનો એકરાર કર્યો. પણ તેમનો તો નિશ્ચય હતો કે પોતાના પ્રેમને મોભો આપવા તેઓ શોભના સાથે લગ્ન કરશે. રમા પોતાની જ દાસીને શોક્ય તરીકે સ્વીકારવા તૈયાર ન હતાં. અતિ આગ્રહે સંબંધ રાખવા દેવા પૂરતી સંમતિ આપી જે વાત સુરસિંહજીને માન્ય ન હતી. તેઓ ‘હમીરજી ગોહેલ’ દીર્ઘકાવ્ય લખવા મહાબળેશ્વર ગયા હતા. એ દિવસોમાં રમાએ શોભનાનાં લગ્ન તેના જ્ઞાતિના એક યુવક ગાંભા સાથે કરાવી દીધાં. કલાપીને તારથી તેની જાણ કરી. તેઓ ક્ષુબ્ધ તો થયા, પણ પ્રેમપાત્ર અન્યત્ર સુખી થાય તો મન વાળી લેવા પ્રયત્નશીલ હતા. પણ શોભનાનો પત્ર આવ્યો કે તેનો પતિ અત્યંત ત્રાસ આપે છે, તે આપઘાત કરે તેમ છે, બચાવવા આજીજી કરે છે.


કલાપીના જીવનનાં ૧૮૯૪ થી ૧૮૯૮ના ચાર વર્ષ હૃદયદ્રાવક પીડા, તડપન, હૃદયમંથન અને આંતરબાહ્ય સંઘર્ષનાં હતાં. કલાપીને પ્રણયમાં બંધન સ્વીકાર્ય ન હતાં. તેમ પ્રેમપાત્ર દુઃખી થાય તે મંજૂર ન હતું. વાજ સુરવાળા, સંચિત વગેરે મિત્રોએ મણિલાલ નભુભાઈ સાથે ચર્ચા કરો. પણ કલાપીએ અન્ન ત્યાગ કર્યો, લાઠી-રાજગાદી છોડી દેવા વિચારણા કરી, હૃદયથી ખૂબ વ્યથિત હતાં. અંતે પતિની હૃદયદ્રાવક સ્થિતિ જોઈ રમાએ કચવાતે મને લગ્ન માટે હા કહી. કલાપીએ શોભનાને બોલાવી લઈ અલગ બંગલામાં રાખી તે પોતાની સાથે લગ્ન માટે ખરેખર સંમત છે કે નહિ તે જાણી લીઘું. અંતે ૧૮૯૮ના સપ્ટેમ્બરમાં પુસ્તકની સાક્ષીએ લગ્ન થયાં. શોભનાને ત્રાસ આપનાર પૂર્વ પતિ ગાંભાના નિભાવખર્ચ માટે કલાપીએ ઉદારદિલે વ્યવસ્થા કરી આપી હતી.


દરમ્યાન કલાપીની એક શંકા મજબૂત બની કે રમાથી થયેલા તેમના કુમાર પ્રતાપસિંહજીના જન્મ સમયે બ્રિટિશ પ્રથા અનુસાર અંગ્રેજ નર્સને હાજર રાખવા રમા સંમત થયાં ન હતાં. આથી તેમને જણાયું કે કુમાર ભલે રાજબીજ હતા પણ પોતાના પુત્ર નહોતાં. આથી તેમને લાગ્યું કે રાજગાદીના ખરા વારસ આનંદીબાના પુત્ર જોરાવરસિંહજી ગણાય. એટલે પોતે પ્રતાપસિંહજીને યુવરાજ ઠરાવી જોરાવરસિંહજીને અન્યાય કર્યો છે. કોઈને પણ અન્યાય થાય તે કલાપીને માન્ય ન હતું. આથી અંગ્રેજ એજંસીને લખીને તથા પોલિટિકલ એજંટને રૂબરૂ મળીને તેઓ જણાવવા માગતા હતા કે તેઓ લાઠી રાજ્ય સંભાળી લે અથવા સાચા વારસ જોરાવરસિંહજીને યુવરાજ જાહેર કરે.


શોભના સાથે લગ્ન થતાં કલાપી સંતોષ અને આનંદ સાથે રહેતા હતા. આગળના વિરહના સમયમાં વેદનાભર્યા કાવ્યો લખાયાં. હવે સંતોષ સાથે પ્રભુપરાયણતાનો ભાવ ઉપસ્યો. ઃ ‘‘હવે જોવા ચાલ્યું જિગર મુજ સાક્ષાત હરિને.’’ એ વિચાર ધૂંટાતો રહ્યો. રમાની ખટપટથી કંટાળીે સંચિત લાઠી છોડી ગયા, કારમા દુષ્કાળનું વરસ હતું, મનમાં શંકાઓ ઘોળાતી હતી. તેમ છતાં સ્વસ્થ રહીને રાજકાજમાં ઘ્યાન આપતા હતા, કવિતાઓ લખાતી હતી. તે સાથે ગાદીત્યાગનું આયોજન અંતિમ સ્તરે પહોંચી ચૂક્યું હતું.
Source: http://www.gujaratsamachar.com/beta/content/view/62088/369/

No comments: