Saturday, May 1, 2010

ગુજરાતીઓના લોકપ્રિય કવિ કલાપીની ૧૧૦મી....

નેટવર્ક
આના લેખક છે GS NEWS   
બુધવાર, 28 એપ્રિલ 2010
યાદી ભરી ત્યાં આપની
ગુજરાતીઓના લોકપ્રિય કવિ કલાપીની ૧૧૦મી મૃત્યુતિથિ નિમિત્તે આગોતરો
લેખ ઃ ૩
કલાપીના મૃત્યુનું રહસ્ય ૧૧૦ વર્ષ પછી પણ વણઉકેલાયુંનું વણુઉકેલાયું જ રહ્યું છે


network-29.JPG હવે ત્રણે રાણીઓના નિવાસે અઠવાડિયાના નિયત દિવસોએ રહેવાનું ગોઠવ્યું હતું. રમાનો આગ્રહ હતો કે રસોડું તો તેમના નિવાસે જ હોવું જોઈએ. જો કે અંતે કલાપી પોતાનું રસોડું જુદું કરાવે છે. ઈ.સ. ૧૯૦૦ના જૂનની આઠમી તારીખે કલાપી શોભનાને ત્યાંથી રમાના આવાસે આવે છે. સાંજ પડી ગઈ છે. રમા તેમને પોતાના હાથના બનાવેલા પેંડા આપે છે, બરફ આપે છે. આ બંને વસ્તુઓ કલાપીને ખૂબ જ પ્રિય છે.

તે આરોગતાં થોડી વારે કલાપીને પેટમાં દુઃખાવો, ઝાડા, અસુખ વગેરે શરૂ થઈ જાય છે. મોડેથી વૈદ્ય પ્રભુલાલ શાસ્ત્રીને બોલાવાય છે. તેઓ વિષૂચિકાનું નિદાન કરે છે. કોલેરા હોય અને શરીરમાં ઝેર પણ ગયું હોય. તેઓ ઘણું ઘી પાઈ શરીરમાં રહેલ ઝેરી તત્વો બહાર નીકળે તેવો ઉપચાર શરૂ કરવા માગે છે. રમા તેમને પૂછે છે, ‘જવાબદારી લ્યો છો?’ કોઈ પણ ઉપચારના પરિણામની જવાબદારી કોઈ ડોક્ટર કે વૈદ્ય લે નહિ. પણ રમાનો આ પ્રશ્ન નહોતો. વૈદ્યને અટકાવવાની રીત હતી તેમ મનાયું છે.


ક્રમે ક્રમે કામદાર, તાત્યા સાહેબ, નગરશેઠ, મહાજનો, પરિવારનાં સૌ આવી જાય છે. કલાપીને તબિયતની ગંભીરતાનો ખ્યાલ આવતાં કામદાર પાસે શોભનાની જીવાઈનો ઠરાવ કરાવે છે, તેમાં સહી કરે છે. સાંજ થતાં ડોક્ટર આવે છે. તેમને તાર મળ્યો ત્યારે સવારની ટ્રેઈન નીકળી ગઈ હતી. જેતપુરથી પહોંચતા મોડું થયું. ૯ જૂનના રાત્રે ૧૦-૧૦ કલાકે લાઠીના રાજવી સુરસિંહજીનો આત્મા અનંતની વાટે ચાલી નીકળ્યો. તેમણે પોતાનાં સંતાનો, રાણીઓ વગેરેની ભલામણ પોતાના ઓરમાન નાના ભાઈ વિજયસિંહજીને કરી હતી.

બંને કુંવરો છએક વર્ષની ઉંમરના હતા. તેમનાથી નાનાં કુંવરી રમણિકકુંવરબાનાં લગ્ન પછીથી રાજકોટના ઠાકોર લાખાજીરાજ જોડે થયા હતાં. શોભના ૧૯૪૨ સુધી હયાત હતાં. સુરસિંહજીને ઝેર અપાયું હોય એવી શંકા ઊભી થઈ હતી. રાજકોટ એજન્સીએ તેમને નિર્દોષ ગણ્યા હતાં. કલાપીના ચાહકોએ તેમને ક્યારેય માફ કર્યા નહોતાં. કલાપીના પિતાનું અવસાન પણ ઝેર આપવાથી થયું હતું.


કલાપી જતાં તેમનો બહોળો મિત્ર પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. મસ્તકવિ ત્રિભુવન પ્રેમશંકરે ‘કલાપીવિરહ’ નામનું દીર્ઘ સ્મૃતિકાવ્ય લખ્યું. મૂળ પહેરવેશ છોડી પગની પાની સુધી પહોંચતી સફેદ કફની જીવનભર પહેરી. કવિ સંચિતે પછી જીવનભર રંગીન પાઘડી અને રંગીન ખેસ પહેર્યા નહિ. એટલે સુધી કે ગઝલકાર કવિ જગન્નાથ દામોદર ત્રિપાઠી ‘સાગર’ મહારાજે તો કલાપીનાં સદેહે દર્શન પણ કરેલાં નહિ. પરંતુ કલાપીની કવિતાના, પછીનાં વર્ષોમાં, એટલા આશક બન્યા કે અમદાવાદની પોળે પોળે ફરી કલાપીની કવિતાનું ગાન કરતા રહ્યા. તેમને કલાપીની કવિતામાં અભેદમાર્ગનું દર્શન થયું.

જીવનભર સૂફી અલફી ધારણ કરી અને વતન છોડી ચિત્રાલમાં આશ્રમ કરી રહ્યા. ‘કલાપીનો કેકારવ’ની કવિ કાન્ત સંપાદિત આવૃત્તિમાં જે કાવ્યોનો સમાવેશ નહોતો થયો તે સર્વ ઉમેરીને ‘સાગર’ મહારાજે નવી આવૃત્તિનું સંપાદન કર્યું. તે પછી તેનું સંપાદન ડૉ. ઇન્દ્રવદન દવેએ અને છેલ્લે ઝીણવટભર્યા સંશોધન સાથે ડૉ. રમેશ શુક્લે કર્યું. તેમણે કલાપી વિશે આઠ ગ્રંથો આપ્યા અને પત્રોનું પણ સર્વાંગી સંપાદન કર્યું.


કલાપી જેટલા વખણાયા તેટલા વગોવાયા. તેમને વગોવવામાં છેક બ.ક. ઠાકોર જેવા વિદ્વાનો પણ બાકી નહિ. તેમ છતાં કલાપીની લોકપ્રિયતા વધતી જ રહી. કલાપીના અવસાન પછી તેમના વિશે ન લખાયું હોય તેવું કોઈ વર્ષ ખાલી નહિ ગયું હોય. તેમનાં કાવ્યોનાં અનેક સંપાદનો-સંકલનો થયાં, સામયિકોના ખાસ અંકો પ્રગટ થયા. લેખ સંગ્રહો થયા, તેમના સ્મરણમાં સમારંભો થયા. ૧૯૭૪માં તેમનો શતાબ્દી સમારોહ સાહિત્યકારોએ લાઠી આવીને ઉજવ્યો.

અન્યત્ર પણ કાર્યક્રમો થયા. મુંબઈની સિડનહામ કૉલેજમાં કાર્યક્રમ ઉપરાંત ડૉ. ધનવંત શાહે ‘કલાપી દર્શન’ નામનો અભ્યાસલેખોનો ગ્રંથ સંપાદિત કરી પ્રગટ કર્યો. કાન્ત, સાગર, મસ્તકવિ, મૂળચંદ આશારામ શાહ, ચુનીલાલ વર્ધમાન શાહ, નવલરામ ત્રિવેદી, ડૉ. ઇન્દ્રવદન દવે (પીએચ.ડી. મહાનિબંધ), દરબારશ્રી વાજસુરવાળા, ડૉ. રમેશ શુક્લ (પીએચ.ડી. મહાનિબંધ અને અન્ય ગ્રંથો), ડૉ. હેમંત દેસાઈ, ડી.ડી. ધામેલિયા, ડૉ. પ્રસાદ બ્રહ્મભટ્ટ વગેરેએ તેમના વિશે સ્વતંત્ર ગ્રંથો લખ્યા છે.


રાજ્યોના વિલીનીકરણ પછી બદલાયેલી પરિસ્થિતિમાં કલાપીના રાજમહેલો, ગ્રંથાલય અને અન્ય સ્મરણયોગ્ય સામગ્રી યોગ્ય રીતે સચવાયાં નહિ. કેટલીક મિલકતો વેચાઈ ગઈ, સામગ્રી રફેદફે થઈ ગઈ, જાળવણી નહિવત્ થઈ. તે માટે ઘણા ઉહાપોહ, ચર્ચાઓ, સૂચનો છતાં કશું બનતું નહોતું. ૨૦૦૩-૦૫ દરમ્યાન અમરેલી જિલ્લા કલેક્ટર અને સાહિત્યકાર પ્રવીણભાઈ કે. ગઢવી (આઈ.એ.એસ.)ની પહેલથી કલાપી સ્મારક માટે સારો એવો પુરુષાર્થ થયો. અમરેલીના જાણીતા કવિ અને વ્યવસાયી હર્ષદભાઈ ચંદારાણાનો તેમને પૂરો સાથ મળ્યો.


લાઠીની કાયાપલટ કરવામાં અગ્રેસર મનજીભાઈ આર. ધોળકિયા અને અન્ય અગ્રણીઓ રવજીભાઈ ડાંગર, અનંતરાય ભાયાણી, ધીરુભાઈ પટેલ, કલાપીના વારસો ઠાકોર કીર્તિકુમારસિંહજી (હાલ રાજકોટ) અને મહેન્દ્રસિંહજી ગોહિલ (હાલ અમરેલી) વગેરેના સહયોગથી ‘કવિ કલાપી તીર્થ ટ્રસ્ટ’ની રચના કરવામાં આવી જેના અઘ્યક્ષ તરીકે ઘનશ્યામસિંહજી રાણા છે. તે સૌએ પંદરેક લાખ જેટલું ભંડોળ એકત્ર કરી કલાપી તીર્થ સંગ્રહાલયની રચના કલાપીના સ્મરણ સાથે સાહિત્ય, કલા અને સંસ્કૃતિના વારસાને જાળવવા માટે કરી. તેના ભોંયતળિયામાં કવિ કલાપી, ઐતિહાસિક લાઠી અને વર્તમાન લાઠીને પ્રદર્શિત કરાયેલ છે.

વચ્ચે એક નાનકડું સંગ્રહાલય છે જેમાં કલાપી વિશેનાં ચિત્રો-શિલ્પો-ફોટો, કલાપીના હસ્તાક્ષરમાં પત્રો, કાવ્યો, હસ્તપ્રતો, કલાપી વિશેનાં પુસ્તકો, ઓડિયો કેસેટ્સ, સી.ડી. તેમજ કલાપીનાં પ્રાપ્ત થયાં તે તમામ સ્મૃતિચિહ્નો રજૂ કરવામાં આવ્યાં છે. કલાપીતીર્થ ભવનના ઉપરના માળે એક નાનકડું સભાગૃહ પણ બાંધવામાં આવેલ છે. બુધવાર સિવાય આ સંગ્રહાલયમાં સવાર સાંજ નિઃશુલ્ક પ્રવેશ અપાય છે. વિડિયોગ્રાફી, ફોટોગ્રાફી થઈ શકે છે. ભવિષ્યમાં કવિ કલાપી વિશે પ્રકાશ અને ઘ્વનિ શૉ કરવાનું આયોજન છે. સંગ્રહાલયનું લોકાર્પણ ૨૦૦૫માં થયું, ત્યારે કલાપીને કવિઓએ આપેલી અંજલિઓનાં કાવ્યોનું પુસ્તક ‘...ને સાંભરે કલાપી!’ કલાપીનાં સ્મરણો, ફોટો-ચિત્રોનું પુસ્તક, મનસુખ મકવાણાના સંપાદન હેઠળ, ‘કલાપીનગર લાઠી’ અને સંગ્રહાલયની પરિચયપત્રિકા પ્રકાશિત કરાયેલ છે.


આ પહેલાં ૨૦૦૪માં કવિ કલાપીના જીવન-કવનની સર્વાંગ છબી આપતું ડૉ. ધનવંત શાહનું નાટક ‘રાજવી કવિ કલાપી’ પ્રગટ કર્યું. કોઈ કવિતા જીવનપ્રસંગોનું નાટક નહિ પરંતુ જેને ખરેખર જીવનચરિત્રાત્મક નાટક કહી શકાય તેવું આ નાટક છે. લેખકે તે માટે જાતે સંશોધન કરીને અને ડૉ. રમેશ શુક્લ વગેરેના પ્રાપ્ય સંશોધનોનો આશ્રય લઈને કલાપીના જીવન-કવનને સુગ્રથિતતા અને અધિકૃતતા આપવા પ્રયાસ કર્યો છે. આથી નાટકમાં માત્ર પ્રસંગો જ નથી, તેની સાથે સર્જનના અંશોને ગૂંથી લીધા છે. તે એટલે સુધી કે દરેક દ્રશ્યના અંતે કાવ્યો, ગદ્ય રચનાઓ અને પત્રોના સંદર્ભો ઝીણવટપૂર્વક રજૂ કર્યાં છે.

જેને લેખક પ્રેમ, પ્રથા અને વ્યથાની નાટ્યકથા કહે છે તેવી આ રચના ૩ અંકો અને ૩૪ દ્રશ્યોમાં વહેચાયેલી છે. પરિશિષ્ટોમાં લેખકે દસ્તાવેજી સાધનો તરીકે કેટલાક ઠરાવો, પત્રો, સંદર્ભગ્રંથો, વંશવૃક્ષ વગેરે રજૂ કરેલ છે. તેમાં પણ ‘થેન્ક યુ, મિસ્ટર કલાપી’ તેમના સંશોધન અને કલાપી પ્રત્યેના લગાવની કેફિયત રજૂ કરે છે. લેખકે કલાપીના જીવનના મર્મને સ્પર્શીને કહ્યું છે કે તેમના હૃદયનો સંઘર્ષ રાગ અને ત્યાગ વચ્ચેનો નહિ પણ પ્રેમ અને ફરજ વચ્ચેનો હતો. આ નાટક રંગભૂમિ પર પણ સફળ રજૂઆત પામી ચૂક્યું છે. શીલા અને રાજેન્દ્ર બુટાલા દ્વારા મુંબઈ, સુરત, લાઠી, અમદાવાદ, ગાંધીનગર વગેરે સ્થળે તેના વીસેક પ્રયોગો થયેલા છે. જો કે આ પહેલાં ૧૯૯૯માં મિહિર ભુતા લિખિત અને નૌશિલ મહેતા નિર્મિત-દિગ્દર્શિત ‘હૃદય ત્રિપુટી’ નાટક રજૂ થયેલું.


નાટક દ્વારા કલાપીના જીવન-કવનને મળેલ ઉઠાવ તથા તેની આસપાસ ગૂંચવાયેલા પ્રશ્નોના તેમાં આપેલ જણાતા ઉકેલથી આકર્ષાઈને કલાપી આલ્બમનું નિર્માણ થયું છે. નાટ્યલેખક ડૉ. ધનવંત શાહ નાટકના આધારે ફરી લખી આપેલ સ્ક્રિપ્ટને ઘ્યાનમાં રાખીને રાજેશ પટેલે દર્શન ‘વેવ્ઝ એન્ડ વિજન’ના માઘ્યમથી ૪ ઓડિયો સી.ડી.નું આલ્બમ ‘યાદી ભરી ત્યાં આપની’ ૨૦૦૯માં બહાર પાડેલ છે. મેહુલ બુચના દિગ્દર્શન અને સુરેશ જોષીના સંગીત દ્વારા આકાર પામેલ આ ૫૦૦ રૂ.ના સંપુટના માઘ્યમથી કલાપીની નાટ્યઘટના અને કાવ્ય રચનાઓ હવે ઘેર ઘેર ગુંજતાં થયાં છે. કલાપીના પાત્રને પ્રભાવક અવાજ આપનાર ધર્મેન્દ્ર ગોહિલ, ચિત્રા વ્યાસ, નિયતિ દવે, કમલેશ દરૂ વગેરે કલાકારો છે. શુભા જોષી, રેખા ત્રિવેદી, પાર્થિવ ગોહિલ, સંજય ઓમકાર, શ્રદ્ધા શ્રીધરાણી, નેહા મહેતા, સુરેષ જોષી, ઉદય મઝમુદાર, મનહર ઉધાસ વગેરેએ કલાપીની કવિતાની નજાકત મઘુર કંઠે રજૂ કરી છે. જતે દિવસે કલાપી આલ્બમ ગુજરાતી સાહિત્યનું આભુષણ બની રહેશે.


પ્રજ્ઞા પિક્ચર્સ દ્વારા પ્રબોધ જોશીના લેખન અને મનહર રસ કપુરના દિગ્દર્શન હેઠળ ૧૯૬૬માં રજૂ થયેલ ગુજરાતી ચલચિત્ર ‘કલાપી’ અહીં યાદ કરવું જોઈએ. કલાપીના પાત્રમાં પીઢ અભિનેતા સંજીવકુમાર હતા અને સાથે પદમારાણી, અરુણા ઇરાની વગેરે હતાં. ૪ કલાપીનાં કાવ્યો ગીતો રૂપે રજૂ થયેલાં. બેત્રણ અન્ય હતાં. ગાયક કલાકારો મહેન્દ્ર કપુર, આશા ભોંસલે, ક્રિષ્ના કલ્લે વગેરેએ કંઠ આપેલો. આ પણ ગુજરાતી ફિલ્મનું નજરાણું ગણાય.


જેમનું જીવિત માત્ર જ એક કાવ્ય ગણાવું, જેમણે ગાઢ પ્રણયમાં પણ ન્યાય અને ફરજ છોડ્યાં નહિ, પ્રજા વત્સલતાથી રાજવહીવટ કર્યો, વેદનામાં ગળાડૂબ છતાં નિષ્ઠા છોડી નહિ, છવ્વીસ વર્ષના મર્યાદિત આયુષ્યમાં ગુજરાતી અંગ્રેજી, સંસ્કૃત ભાષામાં ૫૦૦ જેટલાં પુસ્તકો વાંચીને અભ્યાસનિષ્ઠા બતાવી, ગુજરાતી કવિતા અને ગદ્યને સમૃદ્ધ કર્યાં એવા સજ્જન રાજવી કવિને ગુણવંતી ગુજરાત ક્યારેય ભૂલશે નહિ.

- ગુણવંત છો. શાહ

રે પંખીડાં!

રે પંખીડાં! સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો,
શાને આવાં મુજથી ડરીને ખેલ છોડી ઊડો છો?

પાસે જેવી ચરતી હતી આ ગાય તેવો જ હું છું,
ના ના કો દી તમ શરીરને કાંઈ હાનિ કરું હું.

ના પાડી છે તમ તરફ કૈં ફેંકવા માળીને મેં,
ખુલ્લું મ્હારું ઉપવન સદા પંખીડાં સર્વને છે,

રે રે ત્હોયે કુદરતી મળી ટેવ બ્હીવા જનોથી,
છો બ્હીતાં તો મુજથી પણ સૌ ક્ષેમ તેમાં જ માની.

જો ઊડો તો જરૂર ડર છે ક્રૂર કો હસ્તનો હા!
પા’ણો ફેંકે તમ તરફ, રે! ખેલ એ તો જનોના!

દુઃખી છું કે કુદરત તણા સામ્યનું ઐક્ય ત્યાગી,
રે રે! સત્તા તમ પર જનો ભોગવે ક્રૂર આવી.
- કલાપી
 
એક ઘા

તે પંખીની ઉપર પથરો ફેંકતાં ફેંકી દીધો,

છૂટ્યો તે ને ચરરર! પડી ફાળ હૈયા મહીં તો!

રે રે! લાગ્યો દિલ પર અને શ્વાસ રૂંધાઈ જાતાં,

નીચે આવ્યું તરુ ઉપરથી પાંખ ઢીલી થતાંમાં,

મેં પાળ્યું તે તરફડી મરે હસ્ત મ્હારાજથી આ,

પાણી છાંટ્યું દિલ ધડકતે ત્હોય ઊઠી શક્યું ના,

ક્યાંથી ઊઠે ? જખમ દિલનો ક્રૂર હસ્તે કરેલો!

ક્યાંથી ઊઠે? હૃદય કુમળું છેક તેનું અહોહો!

આહા! કિન્તુ કળ ઊતરી ને આંખ તો ઊઘડી એ,

મૃત્યુ થાશે? જીવ ઊગરશે? કોણ જાણી શકે એ?

જીવ્યું, આહા!  મઘુર ગમતાં ગીત ગાવા ફરીને,

આ વાડીનાં મઘુર ફલને ચાખવાને ફરીને.

રે રે! કિન્તુ ફરી કદી હવે પાસ મારી ન આવે,

આવે ત્હોયે ડરી ડરી અને ઈચ્છતું ઊડવાને,

રે રે! શ્રદ્ધા ગત જઈ પછી કોઈ કાળે ન આવે,

લાગ્યા ઘાને વીસરી શકવા કાંઈ સામર્થ્ય ના છે.
- કલાપી
Source: http://www.gujaratsamachar.com/beta/content/view/62094/369/

No comments: