May 17,2010
જૂનાગઢ, તા.૧૭
ગિરનાર અભયારણ્યનું નામ પડતા જ સિંહ અને દીપડા જેવા હિંસક પ્રાણીઓના નિવાસસ્થાન તરીકે તેની ઓળખ જન માનસમાં અંકિત થઈ જાય છે. પરંતુ હકિકતમાં ગિરનાર અભયારણ્ય રપ૦ જેટલી પ્રજાતિના વિવિધ પક્ષીઓનું રહેઠાંણ છે જ પરંતુ આ સ્થળ ૧પ૦ જેટલા વિદેશી પક્ષીઓ માટે હિલસ્ટેશન પણ બન્યું છે. આવા પક્ષીઓ ઋતુ પ્રમાણે ગિરનાર જંગલમાં આવક જાવક કરતા હોય છે.
ગિરનાર જંગલની પક્ષી અભયારણ્ય સમાન નવી ઓળખની આ ઉજ્જવળ દિશા છે. ૧૮પ ચો.કિ.મી. વિસ્તારમાં પથરાયેલ ગિરનારમાં અત્યારે ર૪ સિંહો અને ૭પ જેટલા દીપડાનો વસવાટ છે. વિવિધ પ્રકારની વનસ્પતિઓથી ભરપૂર એવા ગિરનારમાં મોટાભાગના પ્રવાસીઓ આવા પ્રાણીઓ જોવાની ઈચ્છા જ રાખતા હોય છે. પરંતુ ખૂબ જ ઓછા લોકોને ખબર હશે કે ગિરનાર જંગલમાં પક્ષી અભયારણ્ય બનવાની પણ પૂરી ક્ષમતા છે. જૂદી જૂદી ઋતુઓ દરમિયાન અહી ૧પ૦ જેટલી જાતોના પ્રવાસી પક્ષીઓનું આવન જાવન રહે છે. જેમા ભારતભરમાંથી તેમજ વિદેશી પક્ષીઓનો પણ સમાવેશ થાય છે. પ્રવાસી પક્ષીઓમાં મુખ્યત્વે દૂધરાજ, ચાસ, દિવાળી ઘોડા, નવરંગ વગેરેનો સમાવેશ થાય છે. જે ગિરનારમાં આવીને કેટલોક સમય સુધી રહીને પરત જતાં રહે છે.
પક્ષીઓમાં મુખ્યત્વે માખીમાર, પાણીમાં વસતા અને શિકારી એમ ત્રણ પ્રકાર હોય છે. ગિરનાર જંગલમાં રપ૦ જેટલી જાતોના પક્ષીઓનો કાયમી વસવાટ પણ છે. બુલબુલ, પોપટ, તૂઈ, કાગડા, કોયલ, ત્રણ પ્રકારના ગીધ, ત્રણ પ્રકારના કાંકણસાર, દશરથીયું, ઘુવડ, સમડી, બાઝ, ચોટલીયો, કલકલીયો, તેતર, બગલા, લીલુ કબુતર, ચકલી વગેરે પક્ષીઓની વિવિધ પ્રજાતિઓનો સમાવેશ થાય છે.પક્ષી અભયારણ્યની દિશામાં ગિરનાર જંગલનો વિકાસ કરવામાં આવે અને તંત્ર દ્વારા આ દિશામાં ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો ગિરનાર જંગલની વધારાની નવી એક ઓળખ પણ પ્રસ્થાપિત થઈ શકે છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=187520
No comments:
Post a Comment