ભાવનગર/મહુવા તા.૫
ભાવનગરમાં મીની ગીર બને તેવી શક્યતા છે. ભાવનગરની ભાગોળે ભંડારિયા અને મહુવા પંથકમાં સિંહ દર્શન હવે સહજ બન્યું છે. રોજેરોજ આ વિસ્તારમાં સિંહોની અવર-જવર આમ બની છે.
ભાવનગરની ભાગોળે આવેલા ભંડારિયા-સિહોર તથા નજીકના પાલીતાણાની ગીરી માળાઓમાં ગીરીના કેસરી સાવજોએ રહેઠાણ બનાવતા આગામી દિવસોમાં ભાવનગરની ભાગોળે મીની ગીર કુદરતી રીતે આકાર પાશે અહિની ગીરીમાળા સિંહના વસવાટ માટે અનુકુળ છે નજીકના સમયમાં સંવનન કાળ આવી રહ્યો છે. ત્યારે અહિં વિચારતા સિંહ અહિંજ સ્થાયી થાય તેની શકયતાઓ છે. સંવનન કાળ બાદ જિલ્લામાં સિંહની સંખ્યા દોઢ ગણી થવાની સંભાવના જાણકારોએ વ્યકત કરી હતી.
ભાવનગર શહેરથી માત્ર ર૦ કિ.મી. દુરી પર આવેલા ડુંગરોમાં સિંહ પરિવાર વિચરતો અવારનવાર જોવા મળે છે. તાજેતરમાં માળનાથ પાસે પાંચ સિંહ અને બે બાળ સિંહને વિચરતા ભંડારિયાના ગ્રામજનોએ જોયા હતા. અગાઉ એકલ દોકલ વ્યકિતએ સિંહને નિહાળ્યા હતા. પરંતુ મંગળવારે રાત્રીના દોઢસો જેટલા છે. ગ્રામજનોએ સિંહોને મસ્ત મહાલતા ચાલતા ચાલતા જતા જોઈ ભારે રોમાંચ અનુભવ્યો હતો. સિંહ દેખા દેતા પશુપાલકોએ સાવચેતીના ભાગરૃપે માલઢોરને વાડીએથી ઘરે લઈ આવ્યા હતા. છેલ્લા ઘણા સમયથી ગીરના કેસરી સાવજો આ પંથકમાં વિચરી રહ્યા છે. તાજેતરની વસ્તી ગણતરી દરમિયાન ભાવનગર જિલ્લામાં સિંહની સંખ્યા ૩૩ની નોંધાઈ છે. જે ગોહિલવાડ માટે ગૌરવની વાત છે જો કે બીજી બાજુ માલધારીઓ અને ખેડૂતોની મુશ્કેલી ભારે વધી પડી છે.
મહુવા બ્યુરોથી મળતો અહેવાલ
ગોહિલવાડમાં ભાવનગર,તળાજા, મહુવા, પાલીતાણા અને સિહોર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહ સહિતના વન્ય પ્રાણીઓની આવન-જાવન જોવા મળી રહી છે ત્યારે ગીરની માફક જ જિલ્લામાં હિંસક પશુઓ વિચરણના અવાર-નવાર વાવડ મળતા હોય છે.જેમા તાજેતરમાં ભંડારીયા બાદ મહુવા અને રાજુલા તાલુકાના દરિયા કિનારાના ડોળીયા-પટવા પંથકના ગામોમાં ત્રણ બચ્ચા સમેત સાવજ પરિવારે ધામા નાખતા સ્થાનીક લોકો ભયભીત બન્યા છે.
મહુવા-રાજુલા તાલુકાના ડોળીયા અને પટવા ગામના આસપાસના વિસ્તારોમાં તાજેતરમાં સાવજ પરિવારના આંટાફેરાથી લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.જેમા મહુવાના ડોળીયા ગામની સોંડાભાઈ અને લાલજીભાઈની વાડી વિસ્તારમાં રાત્રીના ૧૧-૦૦ વાગ્યા બાદ આવી ચડતા હોય છે.જેથી ખેડુતો ફટાકડા ફોડીને સિંહ પરિવારોને ભગાવીને પોતાના માલઢોરનું રક્ષણ કરતા હોય છે.
મહુવા અને રાજુલા તાલુકામાં વિચરણ કરી રહેલા સાવજ પરિવાર અંગે જંગલ ખાતાના સૂત્રોએ જણાવ્યું હતું કે મહુવા તાલુકાના ડોળીયાથી રાજુલાના પટવા સુધીના ગ્રામ્ય વિસ્તારના દરિયા કાંઠામાં વિચરણ કરી રહ્યા છે ત્યારે આ પંથકના ખેતીવાડી વિસ્તારમાં રહેતા લોકોએ સાવચેતી રાખવી જરૃરી બની જતુ હોય છે.મહુવા અને રાજુલામાં ગ્રામ્ય વિસ્તારોમાં અવાર-નવાર આંટાફેરા વધી રહ્યા છે ત્યારે લોકોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે.છેલ્લે મળતા વાવડ અનુસાશ સાંજે ૭-૦૦ કલાકના અરસામાં રાજુલાના પટવા ગામની આસપાસમાં દેખા દીભા હતા.
Source: http://vahgujarati.com/content/news/22/0/16/10.html
No comments:
Post a Comment