Bhaskar News, Amreli
|
Jan 23, 2014, 03:27AM IST
- સાવજોની રક્ષા માટે પગલાં લો
- ભેરાઇમાં બે સિંહણના મોતની ઘટના બાદ ઠેર ઠેરથી ઉઠેલી માંગ
- માર્ગ અને રેલ અકસ્માતોની ઘટના નિવારવા નવી માર્ગદર્શીકા ઘડવા માંગ
-રાજુલા નજીક માલગાડીની અડફેટે બે સિંહણનાં મોત નીપજ્યાં
- સિંહોનું ટોળું પસાર થઈ રહ્યું હતું ત્યારે સુરેન્દ્રનગરથી પીપાવાવ જતી ટ્રેને ભોગ લીધો
રાજુલા તાલુકાના ભેરાઇ ગામ નજીક આજે સવારના છએક વાગ્યાના સુમારે
સુરેન્દ્રનગરથી પીપાવાવ પોર્ટ તરફ જઇ રહેલી માલગાડી અડફેટે આવી જતા બે
સિંહણોના ઘટના સ્થળે મોત નિપજતા સિંહપ્રેમીઓમાં અરેરાટી વ્યાપી ઊઠી હતી.
બનાવ બનતા અમરેલી અને ધારીથી વનવિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા
અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ વિસ્તારમાં સાવજોનું મોટું ગ્રુપ વસે છે
અને સાવજોનું ટોળું રેલવેટ્રેક ક્રોસ કરી રહ્યુ હતું ત્યારે આ ઘટના બની
હતી. દરમિયાન એક મૃતક સિંહણ ગર્ભવતી હોય તેના પેટમા ત્રણ બચ્ચા પણ મૃત્યુ
પામ્યા હતા.
માલગાડી હડફેટે બે સિંહણના મોતની આ ઘટના રાજુલા તાલુકાના ભેરાઇ ગામ નજીક
સવારના છએક વાગ્યાના સુમારે બની હતી. અહી એક સિંહનુ ટોળુ પસાર થઇ રહ્યું
હતુ ત્યારે સુરેન્દ્રનગરથી પીપાવાવ પોર્ટ તરફ જઇ રહેલી માલગાડી હડફેટે બે
સિંહણ આવી જતા તેના ઘટના સ્થળે જ મોત નિપજયા હતા. આ અંગે રાજુલા સર્પ
સંરક્ષણ મંડળના પ્રમુખ અશોકભાઇને જાણ થતા તેઓએ આરએફઓ રાજપુતને જાણ કરી હતી.
બાદમાં અહી અમરેલીથી ડીએફઓ જે.કે.મકવાણા, ધારીથી ડીએફઓ અંશુમન શર્મા સહિત
વનવિભાગનો સ્ટાફ તુરત ઘટના સ્થળે દોડી આવ્યો હતો. બાદમાં બંને સિંહણોના
મૃતદેહનુ ડો. વામજા દ્વારા ધારેશ્વર ડેમ સાઇટ ખાતે પોસ્ટમોર્ટમ કરવામા
આવ્યુ હતુ. બંને સિંહણોના મૃતદેહને પીએમ બાદ અગ્નિદાહ આપવામા આવ્યો હતો. આ
ઘટનાથી હાલ સિંહપ્રેમીઓમાં દુખની લાગણી ફેલાઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે
રાજુલા જાફરાબાદના દરિયાકાંઠા વિસ્તારોમાં હાલમાં અનેક સિંહ પરિવારો વસવાટ
કરે છે. ત્યારે વનવિભાગ દ્વારા પેટ્રોલીંગ વધારવામા આવે તે જરૂરી બન્યું
છે.
અમરેલી જિલ્લો ગીરકાંઠાનો જીલ્લો છે અને સાવજોની વસતી વધતા ગીર જંગલ
ટુંકુ પડવાથી જંગલ બહાર નિકળી ગયેલા સાવજો સૌથી વધુ અમરેલી જીલ્લાના
રેવન્યુ વિસ્તારમાં વસવાટ કરી રહ્યા છે અને અવાર નવાર વાહન કે ટ્રેઇન
હડફેટે સાવજ સહિતના વન્ય પ્રાણીઓના મોતની ઘટના બની રહી છે ત્યારે આજે
રાજુલાના ભેરાઇ નજીક બનેલી ઘટના બાદ આ પ્રકારના અકસ્માતો નિવારવા યોગ્ય
પગલા લેવા સિંહ પ્રેમીઓમાંથી ઉગ્ર માંગ ઉઠી છે. સિંહોના રહેઠાણ
વિસ્તારમાંથી પસાર થતી ટ્રેઇનો માટે નવી માર્ગદર્શીકા ઘડાઇ અને રસ્તા પરના
અકસ્માતો નિવારવા સ્પીડબ્રેકર મુકવા સહિતના પગલા લેવાય તેવી માંગ ઉઠી છે.
અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં વસતા સાવજોએ જીલ્લાનો લગભગ મોટાભાગનો
વિસ્તાર સર કરી લીધો છે. બલ્કે જીલ્લાનો એકપણ તાલુકો એવો નથી કે જે
તાલુકામાં સાવજોનો વસવાટ ન હોય કે અહિં સાવજો દેખાયા ન હોય. રેવન્યુ
વિસ્તારમાં વસતા આ સાવજો માટે ભેરાઇની આજની ઘટના બાદ સુરક્ષાના વિશેષ
પગલાની જરૂરીયાત ઉભી થઇ છે .રાજુલા પંથકમાં મોટી સંખ્યામાં સાવજો વસે છે
અને આ વિસ્તારમાં પીપાવાવ પોર્ટના કારણે માલગાડીઓની અવર જવર પણ વધારે રહે
છે. ત્યારે આજે રાજુલાના ભેરાઇ નજીક એક માલગાડી હડફેટે ચડી જતા બે સિંહણના
મોત થયા હતાં. જે પૈકી એક સિંહણ તો ગર્ભવતી હતી અને તેના પેટમાં રહેલા ત્રણ
બચ્ચા પણ મોતને ભેટયા હતાં.
અમરેલી જિલ્લામાં ભુતકાળમાં પણ અકસ્માતોમાં સિંહ-દિપડા જેવા
વન્યપ્રાણીઓના મોતની અનેક ઘટના બની ચુકી છે. સાવરકુંડલા નજીક માર્ગ
અકસ્માતમાં દિપડા, જરખના મોતની ઘટના તાજેતરમાં જ બની હતી. રેવન્યુ
વિસ્તારના કારણે સાવજો રસ્તા પર પણ આવી જાય છે અને અડીંગો જમાવીને પણ બેસે
છે. આવી જ રીતે સાવજો રેલવે ટ્રેક પર પણ ચડે છે. જેને પગલે અવાર નવાર
અકસ્માતોની ઘટના થાય છે. રસ્તા પર તો સાવજોને વાહન ચાલકો દ્વારા પરેશાન
કરાતા હોવાની પણ ઘટનાઓ અનેક બને છે.
હવે આજની ઘટના બાદ સિંહપ્રેમીઓમાંથી આ પ્રકારના અકસ્માતો નિવારવા વિશેષ
પગલા લેવાની માંગ ઉગ્ર બની છે. ગીર જંગલ તથા આસપાસના વિસ્તારમાંથી પસાર થતી
પેસેન્જર ટ્રેઇન તથા માલગાડી માટે વિશેષ માર્ગદર્શીકા ઘડાય તથા વન્ય
પ્રાણીઓને લઇને થતા માર્ગ અકસ્માતોની ઘટનામાં પણ કડક કાયદાકીય કાર્યવાહી
થાય તેવી માંગ ઉઠી છે.
ભવિષ્યમાં દુર્ઘટના ન થાય તે માટે પગલા લેવાશે-ડીએફઓ મકવાણા
અમરેલીના વન વિસ્તરણ વિભાગના ડીએફઓ જે.કે. મકવાણાએ જણાવ્યુ હતું કે બે
સિંહણોના આ રીતે મોત એ વનતંત્ર માટે પણ દુ:ખની વાત છે. ભવિષ્યમાં આ
પ્રકારની દુર્ઘટના ફરી ન સર્જાય તે માટે જરૂરી તમામ પગલા લેવામાં આવશે.
સિંહોની સલામતી માટે કાર્યવાહી કરો-ઉપસરપંચ
રાજુલા તાલુકાના ભેરાઇ ગામના ઉપસરપંચ શીવાભાઇ રામે આજની ઘટના અંગે જણાવ્યુ
હતું કે રાજુલા તાલુકામાં સાવજોની વસતી વધતી જાય છે. આ સાવજો ગમે ત્યારે
ગમે તે વિસ્તારમાં જતા હોય છે ત્યારે આજની ઘટનામાંથી બોઘપાઠ લઇ વન વિભાગ
દ્વારા સાવજોની સલામતી માટે જરૂરી તમામ કાર્યવાહી થવી જોઇએ.
લીલીયા પંથકમાં રસ્તાઓ પર સ્પીડ બ્રેકર મૂકો
રાજુલા તાલુકામાં જે રીતે સાવજોની વસતી વધારે છે એવી જ રીતે લીલીયા
તાલુકામાં પણ સાવજોની વસતી વધારે છે. અહિંના ક્રાંકચ તથા આસપાસના
વિસ્તારોમાં તો દિવસ દરમીયાન અવાર નવાર સાવજો જાહેર રસ્તા પર આવી જાય છે.
આવી જ રીતે વાઘણીયાથી ભોરીંગડા ચોકડી સુધીના માર્ગ પર પણ સાવજોની સતત અવર
જવર રહે છે. લીલીયા-ગારીયાધાર માર્ગ પર લીલીયા ચોકડીથી લઇ બવાડી ચોકડી
સુધીના માર્ગ પર પણ સાવજોની સતત અવર જવર રહે છે. આ ત્રણેય રસ્તા પર
વન્યપ્રાણીઓના અકસ્માતો નિવારવા માટે સ્પીડબ્રેકરો મુકવામાં આવે તેવી
પ્રકૃતિપ્રેમીઓમાંથી માંગ ઉઠી છે.
.
વિસ્તરણ વન વિભાગની ઓફિસ ખોલો-ધારાસભ્ય
રાજુલા વિસ્તારના ધારાસભ્ય હિરાભાઇ સોલંકીએ જણાવ્યુ હતું કે આ વિસ્તારમાં
દિપડા-દિપડી અને સાવજોના મોતની ઘટનાઓ અવાર નવાર બની રહી છે. આ વિસ્તારમાં
સાવજો અને અન્ય વન્ય પ્રાણીઓની વસતી વધારે છે. ત્યારે વન્ય પ્રાણીઓની
સુરક્ષા માટે વિશેષ ધ્યાન દઇ શકાય તે માટે અહિં વિસ્તરણ વન વિભાગની કચેરી
ખોલી વધારાના સ્ટાફની નિમણુંક થવી જોઇએ.
જવાબદારો સામે પગલા લો-વિપુલ લહેરી
રાજુલાના પ્રકૃતિપ્રેમી વિપુલભાઇ લહેરીએ જણાવ્યુ હતું કે બે સિંહણોના આ
રીતે કમોતની ઘટના ભારે દુ:ખ દેનારી છે. તેમણે વન વિભાગના અધિકારીઓને એવી પણ
રજુઆત કરી હતી કે આ ઘટના અંગે તપાસ કરી જવાબદારો સામે પગલા લેવામાં આવે.
ઘટનાની તપાસ શરૂ કરાઇ છે-ડીએફઓ
ડીએફઓ અંશુમન શર્માએ જણાવ્યુ હતુ કે સ્થળ નિરીક્ષણ કરી આ સિંહનુ ટોળુ કઇ
દિશામાંથી આવતુ હતુ તેમજ ટ્રેનના ડ્રાઇવરનુ નિવેદન લેવાની કામગીરી હાથ
ધરવામા આવી છે. અને કસુરવાર સામે યોગ્ય કાર્યવાહી કરવામા આવશે.
સાવજનુ ટોળુ ટ્રેક પરથી પસાર થતુ હતુ
વનવિભાગના સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર વહેલી સવારે સાવજોનુ એક ટોળુ
લટાર મારવા નીકળ્યુ હતુ. અને રેલવે ટ્રેક ક્રોસ કરી રહ્યું હતુ ત્યારે
માલગાડી આવી ચડતા બે સિંહણ તેની ઝપટે ચડી ગઇ હતી.
સિંહણનાં ત્રણ બચ્ચાં પણ મોતને ભેટયાં
દરમિયાન મૃત્યુ પામનાર બે સિંહણ પૈકી એક સિંહણ ગર્ભવતી હતી અને તેના પેટમાં
ત્રણ બચ્ચાં હતાં પરંતુ સિંહણનું મોત થતા તેના પેટમા રહેલાં ત્રણ બચ્ચાં
પણ મોતને ભેટયાં હતાં.
http://www.divyabhaskar.co.in/article/SAU-AMR-two-lioness-died-by-train-accident-near-rajula-4500140-PHO.html