Bhaskar News, Amreli
|
Jan 25, 2014, 00:29AM IST
-વનમિત્ર તેમજ વનવિભાગના સ્ટાફે અજગર સલામત રીતે પકડી જંગલમા મુકત કર્યોખાંભા તાલુકાના ડેડાણ ગામે માલકનેશ રોડ મઢી વિસ્તારમાં આવેલ એક વાડીમાં દસ ફુટ લાંબો અજગર ચડી આવ્યો હતો. આ અંગે વાડી માલિકને જાણ થતા તેઓએ તુરત વનમિત્રને જાણ કરતા વનમિત્ર સહિત વનવિભાગનો સ્ટાફ અહી દોડી આવ્યો હતો. અને આ મહાકાય અજગરને પકડી જંગલમા મુકત કરી દીધો હતો.
ખાંભા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં અવારનવાર વાડી ખેતરોમાં અજગર ચડી આવવાની ઘટનાઓ વધી રહી છે. અહીના ડેડાણ ગામે માલકનેશ રોડ પર આવેલ ચેતનભાઇ જાનીની વાડીમાં દસ ફુટ લાંબો અજગર જોવા મળતા તેમણે તુરત વનમિત્ર સાહિદખાન પઠાણને જાણ કરતા તેઓ અહી દોડી આવ્યા હતા. બાદમાં ફોરેસ્ટર બી.બી.વાળા, મુકેશભાઇ પલાસ, મયુરભાઇ પરમાર સહિત પણ અહી દોડી આવ્યા હતા. બાદમાં આ મહાકાય અજગરને સલામત રીતે પકડી પાડવામા આવ્યો હતો. દસ ફુટ લાંબા અજગરે વાડીમા દેખાદેતા મજુરોમાં થોડીવાર માટે ફફડાટ વ્યાપી ઉઠયો હતો. બાદમાં આ અજગરને જંગલ વિસ્તારમાં મુકત કરી દેવામા આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે રાજુલા, સાવરકુંડલા પંથકમાં પણ અવારનવાર મહાકાય અજગરો વાડી ખેતરોમાં ચડી આવે છે.
No comments:
Post a Comment