Friday, January 24, 2014

વિદ્યાર્થીઓએ જંગલમાંથી કરી પ્લાસ્ટીકના કચરાની સફાઇ.


Bhaskar News, Junagadh | Jan 20, 2014, 23:53PM IST
- ચલાલા ગુરૂકુળના છાત્રોએ પતંગ ઉડાડવાના બદલે સફાઇ અભિયાન દ્વારા પ્રેરણા આપી

ચલાલામાં આવેલ પૂજય દાનમહારાજની જગ્યામાં ચાલતી સંસ્થા દાનેવ ગુરૂકુળમાં ભણતા વિદ્યાર્થીઓએ એક નવતર નિર્ણય લઇ મકરસંક્રાતિના દિવસે પતંગ ઉડાડવાને બદલે તુલશીશ્યામના જંગલમાં પહોંચી જઇ પ્રકૃતિ માટે હાનીકારક પ્લાસ્ટીકના કચરાની સફાઇ કરી નવો રાહ ચિંધ્યો હતો. નાના બાળકોના આ નવતર પગલાને લોકોએ વધાવ્યુ હતું.

મકરસંક્રાતિ પર પતંગ ઉડાડવાનો સૌથી વધુ ઉત્સાહ નાના બાળકોને હોય છે. પરંતુ ચલાલા દાનેવ ગુરૂકુળમાં ભણતા વિદ્યાર્થીઓએ ઓણ સાલ પતંગ ઉડાડવાને બદલે પ્રકૃતિની મદદે દોડવાનો ઉમદા નિર્ણય કર્યો હતો. અહિં દાન મહારાજની જગ્યામાં ૧૬ વર્ષથી છાત્રાલય ચાલે છે અને ૨પ૦ જેટલા વિદ્યાર્થીઓ અહિં રહી અભ્યાસ કરે છે. ઓણ સાલ મકરસંક્રાતિ પર શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ આ નૂતન અભિગમ અપનાવ્યો હતો.

મકરસંક્રાતિ પર અહિંના વિદ્યાર્થીઓએ પતંગ ઉડાડવાની અને શેરડી, ખજુર ખાવાની મજા છોડવાનો નિર્ણય કર્યો હતો. જગ્યાના મહંત વલકુબાપુના માર્ગદર્શન નીચે અહિંના વિદ્યાર્થીઓ મકરસંક્રાતિના દિને તુલશીશ્યામ યાત્રાધામ ખાતે પહોંચી ગયા હતાં. આ વિદ્યાર્થીઓએ અહિં છ કલાક સુધી મંદિર આસપાસ અને જંગલ વિસ્તારમાં પ્લાસ્ટીકનો કચરો વિણી દુર કરવાનું અભિયાન ચલાવ્યુ હતું અને આ રીતે જાહેરમાં કચરો ન ફેકવા લોકોને પ્રેરણા પુરી પાડી હતી.

No comments: