Bhaskar News, Rajula | May 12, 2014, 01:33AM IST
- સાવજોના કમોતનો માર્ગ 'રેલ ટ્રેક'
- રોષ : રોજની ૧૦ થી ૧પ માલગાડીઓની અવર-જવર છતાં તંત્ર ઘોર નિદ્રામાં
- વન વિભાગની ઘોર બેદરકારી અને રેલ્વે તંત્રને જાણે પડી ન હોય તેવી સ્થિતિ
રાજુલા શહેર ઔદ્યોગિક રીતે વિકાસ સાધી રહ્યું છે અહી અનેક નાના મોટા
ઉદ્યોગો કાર્યરત છે. તો બીજી તરફ અહીના રેવન્યુ વિસ્તારમાં હાલ અનેક સાવજો
પણ વસવાટ કરી રહ્યાં છે. અહીથી પસાર થતી માલગાડી હડફેટે સાવજોના મોતની
ઘટનાઓ વધી રહી છે. જેને પગલે સિંહપ્રેમીઓમા ચિંતાની લાગણી જન્મી છે. ત્યારે
આજે ભેરાઇ ઉચૈયા વચ્ચે માલગાડી હડફેટે આવી જતા એક સિંહબાળનુ ઘટના સ્થળે જ
મોત નિપજતા સિંહપ્રેમીઓમા દુખ સાથે રોષ પણ ફેલાયો છે. રાજુલા પંથકમાં
કાળમુખી માલગાડી હડફેટે અનેક સાવજો મોતને ભેટયા છે ત્યારે ફરી એક વખત આજે
સવારના છએક વાગ્યા આસપાસ અહીના ભેરાઇ ઉચૈયા વચ્ચે આવેલ રેલ્વે ટ્રેક પર
માલગાડી હડફેટે એક સિંહબાળનુ મોત નિપજયુ હતુ.
સવારના સુમારે અહીથી એક સિંહ, સિંહણ અને તેના બે બચ્ચા પસાર થઇ રહ્યાં હતા
ત્યારે સામેથી પુરપાટ આવી રહેલી માલગાડી હડફેટે એક સિંહબાળ આવી ગયુ હતુ.
ઘટનાને પગલે વનવિભાગ દ્વારા આગળની કાર્યવાહી શરૂ કરી દેવામા આવી હતી. એક
પછી એક માલગાડી હડફેટે સાવજોના મોતથી સિંહપ્રેમીઓમા રોષ જોવા મળી રહ્યો છે.
વનવિભાગની ઘોર બેદરકારીના કારણે સાવજો મોતને ભેટી રહ્યાં હોવાનુ
સિંહપ્રેમીઓ જણાવી રહ્યાં છે. દોઢેક માસ પહેલા પણ નાગેશ્રી ઉના હાઇવે પર
હેમાળ નજીક હાઇવે પર એક અજાણ્યા વાહન હડફેટે બે સિંહબાળ મોતને ભેટયા હતા
છતા હજુ સુધી વનવિભાગ વાહન ચાલક સામે કાર્યવાહી કરવામા નિષ્ફળ રહ્યું છે.
ત્રણેક માસ પહેલા પણ લીલીયાના આંબાની સીમમાંથી એક સિંહબાળનો કોહવાઇ ગયેલો
મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહના ચાર પગ અને નખ ગાયબ થઇ ગયા હતા જેને
શોધવા વનતંત્ર ઉંધેમાથે થયુ હતુ. તો ખાંભાના પીપળવા રાઉન્ડમા પણ કુવામાથી
એક સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. જેના નખ ગાયબ હતા. સાવરકુંડલાના ભમ્મર ગામ
નજીક પણ માલગાડી હડફેટે એક સિંહબાળનુ મોત નિપજયુ હતુ. વનવિભાગ અને રેલ્વે
તંત્રના અધિકારીઓ દ્વારા મિટીંગો પણ કરવામા આવી હતી પરંતુ હજુ સુધી
માલગાડીની ગતિ મર્યાદા બાબતે કોઇ નિર્ણય લેવામા આવ્યો નથી. રાજુલા પંથકમા
હાલ અનેક સાવજો રેવન્યુ વિસ્તારમાં વસવાટ કરી રહ્યાં છે પરંતુ વનવિભાગ
દ્વારા અહીના રેલ્વે ટ્રેક આસપાસ કે હાઇવે પર જરૂરી પેટ્રોલીંગ વધારવામા
આવતુ નથી.
સાવજો કિડી મકોડાની જેમ મોતને ભેટી રહ્યાં છે-ધારાસભ્ય સોલંકી
ધારાસભ્ય હિરાભાઇ સોલંકીએ જણાવ્યુ હતુ કે સૌરાષ્ટ્રના ઘરેણારૂપ સાવજોના
કિડી મકોડાની જેમ મોત થઇ રહ્યાં છે. અગાઉ પણ માલગાડી હડફેટે બે સિંહણ મોતને
ભેટી હતી. પીપાવાવ પોર્ટ દ્વારા નકકર આયોજન કરવામા નથી આવતુ. ત્યારે પોર્ટ
દ્વારા કોઇ પગલા લેવામા નહી આવે તો જયાં સુધી સાવજો સુરક્ષિત ન થાય ત્યાં
સુધી માલગાડી બંધ કરી અને વેસ્ટ જગ્યાઓમા રેલ્વે ટ્રેક ફેરવી બાઉન્ડ્રી કે
દિવાલ ઉભી કરવી તેમજ ટ્રેનને સંપુર્ણ ગતિ મર્યાદામા દોડાવવા જણાવ્યુ હતુ
અને જો કોઇ પરિણામ નહી આવે તો સુપ્રિમ કોર્ટમા જવાનુ પણ જણાવાયુ હતુ.
વનતંત્રની નોર્મલ કચેરી ખોલવી જોઇએ-શશીભાઇ રાજયગુરૂ
રાજુલાના ચિંતક શશીભાઇ રાજયગુરૂ ઘટના અંગે ખેદ વ્યકત કરતા જણાવ્યુ હતુ કે
સમગ્ર વિશ્વ જયારે સિંહોને બચાવવાના અભિયાનમા વ્યસ્ત છે ત્યારે રાજુલામા
માલગાડી હડફેટે સિંહોના કમોતની ઘટના વધી રહી છે જે ખુબ ગંભીર બાબત છે.
ત્યારે સમાજે, જાગૃત સરકારે અને સંલગ્ન ખાતાઓએ સામુહિક રીતે સિંહોની
સુરક્ષા બાબતે વિચારવાની જરૂર છે. રાજુલા વિસ્તારમાં વનવિભાગની એક નોર્મલ
કચેરી ખોલવામા આવે તેવી પણ માંગ કરવામા આવી છે.
તંત્ર ગંભીરતા નથી લેતુ- અશોક સાંખટ
પર્યાવરણ અને સિંહપ્રેમી અશોક સાંખટે જણાવ્યુ હતુ . રાજુલાથી ૧પ કિમી
પોર્ટની રેંજમા પોર્ટ તરફથી સિંહોની સુરક્ષા માટે સિકયુરીટી મુકવા તેમણે
માંગ કરી છે.
ટ્રેક પર પેટ્રોલીંગ જરૂરી- વિપુલ લહેરી
વર્લ્ડ વાઇલ્ડ લાઇફના સભ્ય વિપુલભાઇ લહેરીએ જણાવ્યુ હતુ કે સાવજો ઔદ્યોગિક
ઝોનમા આંટાફેરા મારે છે ત્યારે તેની સુરક્ષા માટે વનવિભાગ દ્વારા ઘનિષ્ઠ
પેટ્રોલીંગ કરવામાં આવે તેવી માંગ કરી હતી.