Friday, May 30, 2014

સિંહના મોતના મામલે રેલવેનાં અધિકારી પીપાવાવ દોડી આવ્યા.

સિંહના મોતના મામલે રેલવેનાં અધિકારી પીપાવાવ દોડી આવ્યા
Bhaskar News, Rajula | May 15, 2014, 01:13AM IST
- સિંહના મોતના મામલે રેલવેનાં અધિકારી પીપાવાવ દોડી આવ્યા
- પોર્ટ અને વન અધિકારીઓ સાથે ચર્ચા, મિડીયાથી પણ માહિ‌તી છૂપાવવાનો પ્રયાસ

રાજુલા તાલુકાના ભેરાઇ ગામ નજીક ત્રણ દિવસ પહેલા માલગાડી હડફેટે સિંહબાળના મોતની ઘટના બાદ રેલવે તંત્ર અને પીપાવાવ પોર્ટ સામે સિંહપ્રેમીઓમાં ભારોભાર રોષ ભભુકી ઉઠયો છે ત્યારે આજે મુંબઇથી રેલવેના ઉચ્ચ અધિકારીઓ રાજુલા દોડી આવ્યા હતાં અને પોર્ટ સતાધિશો સાથે બેઠક કરી હતી. લાજવાને બદલે ગાજતા રેલવે તંત્ર અને પોર્ટ દ્વારા સ્થાનીક તંત્રને મીડીયા સુધી માહિ‌તી ન પહોંચાડવા કડક સુચના આપી હતી. રેલવે અધિકારી દ્વારા અહિં કેટલાક પગલાઓ પણ સુચવાયા હતાં.

રેલવે, વનતંત્ર અને પીપાવાવ પોર્ટની ઘોર બેદરકારીના કારણે ટ્રેઇન હડફેટે ચડી જવાથી સાવજોના મોતની ઘટનાઓ વધી પડી છે. માત્ર પીપાવાવ પોર્ટ માટે દોડતી માલગાડીઓએ જ અત્યાર સુધીમાં ચાર સિંહોના ભોગ લઇ લીધા છે અને આ મુદે ચારેય તરફ ઉહાપોહ મચ્યો છે. ત્યારે આજે મુંબઇથી રેલવેના ડેપ્યુટી સીઇઓ તાબડતોબ પીપાવાવ દોડી આવ્યા હતાં.

સિંહોના મોતનો મામલો ગંભીર સ્વરૂપ લઇ રહ્યો હોય રેલો આવતા રેલવે અધિકારીએ આજે પીપાવાવ પોર્ટ અને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે ખાસ બેઠક યોજી હતી.
આ બેઠકથી મીડીયાકર્મીઓને તો દુર રખાયા જ હતાં. પરંતુ મીડીયા સુધી માહિ‌તી ન પહોંચે તે માટે સ્થાનીક તંત્રને કડકમાં કડક સુચના પણ આપવામાં આવી હતી. બેઠકમાં ત્રણેય વિભાગના અધિકારીઓએ ચર્ચા કરી હતી અને માલગાડીની ગતિ મર્યાદા અંગે પણ વિસ્તૃત ચર્ચા કરી હતી.

રેલવે સામે ગુનો નોંધો

પીપાવાવ પોર્ટમાં જતી-આવતી માલગાડીઓ દ્વારા સાવજોને હડફેટે લેવાની ત્રણ ઘટના અત્યાર સુધીમાં બની ચુકી છે. આમ છતાં એકપણ ઘટનામાં રેલવે તંત્રના જવાબદારો સામે હજુ સુધી ગુનો નોંધાયો નથી ત્યારે સ્થાનીક સિંહપ્રેમીઓ દ્વારા આવા કિસ્સાઓ નિવારવા માટે માલગાડીના ડ્રાઇવર સહિ‌તના જવાબદારો સામે ગુનો નોંધવા માંગ ઉગ્ર બની રહી છે.

No comments: