Sunday, November 30, 2014

ગિરનાર સ્પર્ધાનું ગિનિસ બૂકમાં નોમિનેશન, પાંચ હજાર સ્પર્ધકો એકી સાથે ભાગ લેશે !!


  • Nov 26, 2014 00:05
  • કેમેરા, વાઈફાઈ, ઈન્ટરનેટ, વાયરલેસ, વોકીટોકી જેવા આધૂનિક ઉપકરણોનો ઉપયોગ થશે
જૂનાગઢ : સાહસ અને શૈર્યના પ્રતિક સમાન ગિરનારની આરોહણ-અવરોહણ સ્પર્ધાને ગીનીશ બુકમાં સ્થાન અપાવવા માટે વહીવટી તંત્રએ કમ્મર કસી છે. જેની તૈયારી માટે આજે મળેલી બેઠકમાં આગામી ૪ જાન્યુઆરીના રોજ યોજાનારી આ સ્પર્ધામાં એકી સાથે પ હજાર સ્પર્ધકો ભાગ લે તેવું આયોજન ગોઠવવામાં આવી રહ્યું છે. આ ઈવેન્ટને ગીનીશ બુક દ્વારા 'મોસ્ટ પીપલ પાર્ટીસીપેટીંગ એટ એ સીંગલ ટાઈમ માઉન્ટેઈન એસેન્ટ/ક્લાઈમ્બીગ' એવું નામ આપી સ્પર્ધાનું નોમીનેશન પણ કરવામાં આવ્યું છે.
જિલ્લા કલેક્ટર આલોકકુમારના માર્ગદર્શન હેઠળ શરૃ કરાયેલી તૈયારીઓ વિશે વિગતો આપતા જિલ્લા રમત-ગમત અધિકારી નયન થોરાટે જણાવ્યું છે કે, ભાઈઓ માટે પ હજાર પગથિયા અને બહેનો માટે રર૦૦ પગથિયા ચડીને ઉતરવાની આવી સ્પર્ધા સમગ્ર વિશ્વમાં ક્યાંય યોજાતી નથી. નોર્વેમાં એકી સાથે ૯૭ર લોકોએ પર્વતારોહણ કર્યું હોવાનો રેકોર્ડ નોંધાયેલો છે. જેની સામે ગિરનાર સ્પર્ધામાં આમ પણ વધુ સ્પર્ધકો ભાગ લેતા હોય છે.
પરંતુ આગામી ૪ જાન્યુઆરીના રોજ યોજાનારી સ્પર્ધામાં એકી સાથે પ હજાર સ્પર્ધકો ભાગ લઈને નવો વિક્રમ રચે તેવું આયોજન વહીવટી તંત્રએ કર્યું છે. ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્ઝ દ્વારા સ્પર્ધાનું નોમીનેશન પણ થઈ ગયું છે. તથા આ ઈવેન્ટને 'મોસ્ટ પીપલ પાર્ટીસીપેટીંગ એટ એ સીંગલ ટાઈમ માઉન્ટેઈન એસેન્ટ/ ક્લાઈમ્બીગ' એવું નામ આપ્યું છે. સ્પર્ધાના દિવસે ગીનીશ બુકની ટીમ હાજર રહીને ચકાસણી કરશે.
ગીનીશ બુકના રેકોર્ડને લઈને વિશેષ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. સ્પર્ધાના સંચાલનમાં ૧૦ સી.સી.ટી.વી. કેમેરા, વાઈફાઈ સિસ્ટમ, ઈન્ટરનેટ કનેક્ટીવીટી, એલઈડી, લાઈવ કવરેજ, ડિઝીટલ ક્લોક, વિડિયો કેમેરા તથા પોલીસ વાયરલેસ અને ફોરેસ્ટ વોકીટોકી સેટનો ઉપયોગ થશે. ૧૧ જેટલી વિવિધ સંચાલન સમિતિઓની રચના કરવામાં આવી છે.

No comments: