Sunday, November 30, 2014

દીપડાનું બચ્ચું ઘરમાં ઘૂસી ગયું, આસપાસનાં રહીશોનાં ટોળા ઉમટ્યાં.

Sarman Ram, Junagadh | Nov 28, 2014, 11:13AM IST
Live તસવીરો: દીપડાનું બચ્ચું ઘરમાં ઘૂસી ગયું, આસપાસનાં રહીશોનાં ટોળા ઉમટ્યાં
(તસવીર: કેદ થયેલું દીપડાનું બચ્ચું)
 
- જૂનાગઢ હાઉસીંગ બોર્ડ કોલોનીમાં દીપડાનું બચ્ચું ઘરમાં ઘૂસી ગયું
- ટેરર ઇન સિટી : સવારનાં પ્હોરમાંજ ભરચક્ક રહેણાંક વિસ્તાર
- વન વિભાગની ટીમે ટ્રાન્ક્વીલાઇઝર ગનથી બચ્ચાને બેભાન બનાવી પાંજરે પૂર્યું
- માતાથી વિખૂટું પડ્યા બાદ માનવ વસાહતમાં આવી ચઢ્યું
- થરથર ધ્રૂજતું 3 કલાક સુધી પટારા નીચે બેસી રહ્યું
- દીપડાનું બચ્ચુ ઘરમાં, આસપાસનાં રહીશોનાં ટોળા ઉમટ્યાં

જૂનાગઢ: કૃષિ યુનિવર્સિટીની નજીક આવેલા હાઉસિંગ બોર્ડનાં એક રહેણાક મકાનનાં ફળિયામાં આજે માતાથી વિખૂટું પડેલું દિપડાનું 9 માસનું બચ્ચું આવી ચઢ્યું હતું. આ અંગેની જાણ થતાં વન વિભાગનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી બેભાન કરી બચ્ચાંને પાંજરે પૂર્યું હતું. 3 કલાક સુધી દિપડાનું બચ્ચું થરથર કાંપતું પટારા નીચે બેઠું રહ્યું હતું. ઘરમાં દિપડાનું બચ્ચું આવી ચઢ્યાનાં સમાચાર આખા વિસ્તારમાં વાયુવેગે ફેલાઇ જતાં લોકોનાં ટોળા એકઠા થઇ ગયા હતા અને ભારે અફડાતફડીનો માહોલ છવાઇ ગયો હતો.

જંગલ નજીકનાં વિસ્તારમાં અવારનવાર વન્ય પ્રાણીઓ આવી ચઢતા હોવાની ઘટનાઓ બનતી રહે છે. પરંતુ રહેણાંક વિસ્તારમાં વન્ય પ્રાણીઓ આવી જવાની ઘટનાઓ પણ એકાદ બે વર્ષનાં અંતરે વનવિભાગનાં ચોપડે નોંધાય છે ખરી. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં બીડીએસ અથવા તો પશુપાલન વિભાગમાંથી દીપડીથી વિખૂટું પડેલું 9 માસનું બચ્ચું છેક હાઉસીંગ બોર્ડનાં બ્લોક નં. 23 સુધી પહોંચી ગયું હતું. હાઉસીંગ બોર્ડમાં અશોકભાઇ ગોંવિદભાઇ ગઢવીએ ભાડે આપેલા મકાનનાં ફળિયામાં દિપડીનું બચ્ચું જઇ પહોંચ્યું હતું. મકાન જોકે બંધ હતું. પરંતુ લોકોનાં ટોળા એકઠા થઇ જતા બચ્ચું ગભરાઇને ફળિયામાં રાખેલા એક પટારા નીચે ઘૂસી ગયું હતું.

દિપડાનું બચ્ચું આવ્યાની જાણ લોકોએ સૌપ્રથમ પોલીસ કંટ્રોલને કરી હતી. અને પોલીસે વન વિભાગને જાણ કરતાં દક્ષિણ ડુંગર રેન્જનાં આરએફઓ પી. જે. મારૂ ઘટનાસ્થળે દોડી ગયા હતા. ખરાઇ કરતાં દિપડાનું બચ્ચું હોવાનું માલુમ પડતાં સક્કરબાગમાંથી વેટરનરી તબીબ અને રેસ્કયુ ટીમને બોલાવી હતી. બનાવને લઇને સી-ડિવીઝનનાં પીએસઆઇ એચ. પી. પાલીયા અને સ્ટાફ, ફાયર બ્રિગેડનાં કમલેશ પુરોહિત  પણ પહોંચી ગયા હતા. અને એકઠા થયેલા ટોળાને દૂર કર્યા હતા.

બાદમાં વન વિભાગની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. પ્રથમ તો ફળિયામાં ફરતે જાળ બાંધી દીધી હતી. બાદમાં બચ્ચાંને ઇંજેકશન મારી બેભાન કરવામાં આવ્યું હતું. બેભાન થયા બાદ તેને જાળમાં લઇને પાંજરે પૂરી સક્કરબાગ મોકલી દેવાયું હતું. આ ઘટનાને લઇને લોકોનાં ટોળા એકઠા થઇ ગયા હતા. દિપડાનાં બચ્ચાને બહાર લઇ જવામાં પણ વન વિભાગને મુશ્કેલી પડી હતી. તેમજ આખા ઓપરેશન દરમીયાન દિપડાનું બચ્ચું પટારા નીચે 3 કલાક કરતાં વધુ સમય સુધી થરથર કાંપતું બેસી રહ્યું હતું.
બચ્ચું ભયથી અઢી કલાક પટારા નીચે જ પડ્યું રહ્યું

હાઉસીંગ બોર્ડનાં રહેણાંક મકાનમાં ઘૂસી ગયેલુ દિપડાનું બચ્ચુ આસપાસમાં એકઠા થઇ ગયેલા ટોળાથી રીતસર ગભરાય ગયું હતું. અને ઘરમાં રહેલા પટારા નીચે અઢી કલાક છૂપાઇ રહ્યું હતું. દિપડાનું બચ્ચુ જ્યાં છૂપાયું હતું. તેની આસપાસ અગાસી અને ચારેબાજુ લોકોનાં ટોળા એકઠા થઇ ગયા હતા. એક સાથે આટલા મોટા પ્રમાણમાં લોકોને જોઇને બચ્ચામાં પણ ભયનું લખલખુ પ્રસરી ગયું હતું. વનવિભાગે પકડી લેતા લોકોએ તાળીઓ પાડી હતી.

બચ્ચાને જોવા લોકોએ ગાડીને રોકી લીધી હતી

દિપડાનાં બચ્ચાને જાળમાં લઇને પાંજરે પૂરવામાં આવ્યું હતું. ત્યારે લોકોએ દિપડાને જોવા માટે પડાપડી કરી મૂકી હતી. અને વન વિભાગની ગાડીને પણ આગળ જવા દીધી ન હતી. મહામહેનતે ગાડી શેરીમાંથી બહાર કાઢી હતી. સવારનાં 10 વાગ્યાથી શરૂ થયેલી આ બાબત છેક બપોરનાં 1 વાગ્યા સુધી ચાલુ રહી હતી. અને લોકોએ પણ ત્યાંથી હટવાનું નામ લીધુ ન હતું.

ફર્સ્ટ પર્સન

સવારે અગાશીનાં ખૂણામાં દિપડાનું બચ્ચું બેઠું હતું. એક છોકરી તેને જોઇ જતાં તેણે રાડારાડી કરી. આથી બચ્ચું અગાશી પરથી કૂદીને નીચે આવી ગયું હતું. અને ગઢવીભાઇનાં મકાનનાં ફળિયામાં રાખેલા પટારા નીચે લપાઇ ગયું હતું. લોકોનાં ટોળાં એકઠા થઇ ગયા હતા. પછી મેં પોલીસ કંટ્રોલમાં ફોન કર્યો હતો. બાદમાં પોલીસ અને વન વિભાગની ટીમ આવી ગઇ હતી.
વિજયભાઇ રૂડકીયા

No comments: