Wednesday, July 13, 2016

ગીર પંથકનાં નેસડાનું સમાજ જીવન હજુ પણ 18 મી સદીનું, માત્ર 54 નેસ બચ્યા

માલધારીઓ પોતાના માલઢોર સાથે વસવાટ કરી રહ્યા છે
    એક સમયે જ્યાં 500થી વધુ નેસડાઓ હતાં તે ગીરમાં હવે માત્ર 54 નેસ રહ્યા છે
  • Bhaskar News, Amreli
  • Jul 10, 2016, 04:19 AM IST
    એક સમયે જ્યાં 500થી વધુ નેસડાઓ હતાં તે ગીરમાં હવે માત્ર 54 નેસ રહ્યા છે
    અમરેલી: તપોભુમી ગીરમાં હજારો વર્ષથી માલધારીઓ પોતાના માલઢોર સાથે વસવાટ કરી રહ્યા છે. માલધારીઓ પોતાના પરિવારની સાથે સાથે માલઢોરનું પણ લાલન પાલન કરે છે અને પ્રકૃતિ તથા સાવજોની રક્ષા પણ કરે છે. એક સમયે જ્યાં 500થી વધુ નેસડાઓ હતાં તે ગીરમાં હવે માત્ર 54 નેસ રહ્યા છે. તેમની રહેણી કરણી પણ અનોખી છે. નેસનું જીવન સામાન્ય શહેરી માણસને આશ્ચર્ય પમાડે તેવુ છે. વિજળી કે નળમાં નિયમીત આવતુ પાણી અહિં નથી. સારા રસ્તા પણ નથી અને મોબાઇલ, ટીવી જેવી સુવિધા પણ નથી. બલ્કે તેઓ જે ઘરમાં રહે છે તે ઘરને બારી-બારણા પણ નથી હોતા.
     
    માલધારીઓને માળખાકીય સુવિધાઓ પણ નથી, જંગલ બહાર કાઢશે તો પ્રકૃતિનું ચક્ર ખોરવાશે

    મધ્ય જંગલમાં લાકડીઓની આડશ વડે બનેલી દિવાલો, છતમાં ઘાસ અને નાળીયેરીના તાલા નાખેલા હોય છે. જેને ઝુંપડુ પણ ન કહી શકાય અને મકાન પણ ન કહી શકાય તેવી સ્થિતીના આ ઘરોમાં બારી-બારણા પણ નથી હોતા. ખોરડા ફરતે કાંટાળીવાડ કે લાકડીઓની વાડ બનાવાય છે. જેને આ માલધારીઓ જોક કહે છે. આ જોકમાં માલધારીઓ તેના માલ-ઢોર રાખે છે. જોકમાં પશુઓ ખુલ્લામાં જ રહેતા હોવા છતાં ભાગ્યે જ કોઇ સિંહ-દિપડો તેમાં મારણ માટે પડે છે અને જ્યારે સિંહ આવુ મારણ કરે ત્યારે માલધારીઓ મારણના બદલામાં સરકાર દ્વારા અપાતા વળતરમાં જીવ નથી નાખતા. કારણ કે માલધારીઓ સમજે છે સિંહ જોકમાં પડતો નથી. જો બહુ દાડાનો ભુખ્યો હોય અને શિકાર મળ્યો ન હોય તો જ જોકમાં કુદે છે. વિશ્વમાં  બીજે ક્યાય પણ માણસ અને જંગલી પ્રાણીઓ આટલા નજીકથી સહજીવન ગાળતા નહી હોય.
     
    સાવજોના ખોરાકનો 35 થી 40 ટકા જેટલો હિસ્સો પાલતુ પશુઓ પર આધારીત

    અહિં નેસડામાં જીવાતુ જીવન બિલકુલ પ્રકૃતિ પર આધારીત છે. ઘરની દિવાલો પણ એવી છે કે જેમાં સાપ અને ઘો જેવા સરીસૃપો આરામથી તેમા અવર જવર કરી શકે છે. અત્યાર સુધીમાં સિંહ પર થયેલા સંશોધનોમાં એક વાત ચોખ્ખી બહાર આવી છે કે સાવજોના ખોરાકનો 35 થી 40 ટકા જેટલો હિસ્સો પાલતુ પશુઓ પર આધારીત છે. 2015માં થયેલી વસ્તી ગણતરી મુજબ 523માંથી બહુ મોટાભાગના સિંહો રેવન્યુ વિસ્તારમાં વિચરણ કરી રહ્યા છે. 1975માં ગીરને નેશનલ પાર્કનો દરજ્જો અપાયા બાદ જંગલખાતાનો જંગલ પરનો અધિકાર વધુ મજબુત બન્યો છે.
     
    માલઢોર ચરાવવા તેઓ દરરોજ ગીરમાં દસ-પંદર કીમી ફરે છે

    અહિં 500 જેટલા નેસથી સમૃધ્ધ ગીરને લગભગ ખાલી કરી નાખવામાં આવ્યુ છે. હવે માત્ર 54 નેસ બાકી છે. આ માલધારીઓને પણ બહાર ખસેડવામાં વનતંત્ર અવઢવની સ્થિતીમાં હોય તેવું લાગી રહ્યુ છે. ગીરના માલધારીઓ સપૂર્ણપણે શાકાહારી છે. જેથી ખોરાક બાબતે તેનો અને સિંહ વચ્ચે કોઇ સંઘર્ષ નથી. માલઢોર ચરાવવા તેઓ દરરોજ ગીરમાં દસ-પંદર કીમી ફરે છે. વન વિભાગનું ફેરણુ જ્યાં ન પહોંચી શકે ત્યાંની સિંહો અંગેની માહિતી તેઓ પુરી પાડે છે. આ માલધારીઓને સંપૂર્ણપણે જંગલ બહાર ખસેડવાનુ કામ જોખમભર્યુ છે.
માલધારીઓ પોતાના માલઢોર સાથે વસવાટ કરી રહ્યા છે
 
અહિંની પ્રજા સાચા અર્થમાં સિંહ સહિષ્ણુ છે

ગુજરાતી ભાષાના સાહિત્યમાં પણ માલધારીઓ અને સાવજોના સહજીવનના ઉત્તમ દ્રષ્ટાંતો મોજુદ છે. પછી તે ઝવેરચંદ મેઘાણીએ નઝરે જોયેલી ઘટનામાંથી નિપજેલી કવિતા ચારણ કન્યા હોય કે સૌરાષ્ટ્રની રસધારમાં આલેખાયેલી કથા સાવજની ભાઇબંધી હોય. લોક સાહિત્યમાં પણ કવિ રાજભા ગઢવી જેવા અનેક કવિઓએ સિંહ – ગીર અને માલધારીઓના સગપણને બખુબી બિરદાવ્યુ છે. અહિંની પ્રજા સાચા અર્થમાં સિંહ સહિષ્ણુ છે. માલધારીઓને જંગલ બહાર કાઢી પ્રકૃતિનુ ચક્ર ખોરવવાનું કામ કરવા જેવુ નથી.

માલધારીઓને સરકાર પાસ કાઢી આપે છે

ગીરમાં હવે જે નેસ બચ્યા છે તેના માલધારીઓને સરકાર દ્વારા પાસ કાઢી આપવામાં આવ્યા છે. જેમાં માલઢોરની સંખ્યા અને કુટુંબીઓની વિગત વિગેરે હોય છે. આ પાસ પર નિયમીત મસવાળી વસુલ કરવામાં આવે છે. જો ત્રણ મહિનાથી વધુ સમય માટે કોઇ માલધારી જંગલ બહાર રહે તો તેનો પાસ રદ કરી દેવામાં આવે છે.
 
માલધારીઓને બહાર ખસેડવાની  છે યોજના

સાડા ચારસો જેટલા નેસના માલધારીઓને ગીર બહાર ખસેડી દેવામાં આવ્યા છે. હવે બાકી બચેલા નેસને પણ ગીરમાંથી બહાર ખસેડવા માટે યોજના બની છે. જેમાં કુટુંબ દીઠ 20 વિઘા જમીન અને રૂા. 10 લાખની રોકડ આપવાની વાત છે. જો કે સરકાર સફળ થાય છે કે કેમ ? તે તો સમય જ કહેશે.

તંત્ર પણ સિંહની માહિતી માલધારી પાસેથી મેળવે છે

કઇ બીટમાં કયો સાવજ કેટલા દિવસથી છે. કયો સાવજ બિમાર છે કે ઘાયલ છે. કયા સાવજો ઘણા દિવસથી દેખાયા નથી કયુ યુગલ મેટીંગ પીરીયડમાં છે. કઇ સિંહણ સુવાવડી છે. તેને કેટલા બચ્ચા છે. વિગેરેની સચોટ જાણકારી વનકર્મીઓ કરતા પણ માલધારીઓ પાસે વધુ પ્રમાણમાં હોય છે. વનકર્મીઓ પણ માલધારીઓ પાસેથી આ માહિતી મેળવતા રહે છે.

1965 માં ગીર ક્ષેત્ર અભ્યારણ્ય જાહેર થયુ

આઝાદીકાળમાં ગીર જંગલ રેઢા પડ જેવુ હતું. 1965માં ગીર ક્ષેત્રને અભ્યારણ્ય જાહેર કરાયુ હતું. સાથે જ 1970 આસપાસ માલધારીઓને અન્યત્ર ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી. 1975માં ગીરના એક ક્ષેત્રને નેશનલ પાર્કનો દરજ્જો અપાયો, ત્યારથી લઇ અત્યાર સુધીમાં જંગલની સ્થિતી ઘણી બદલાઇ ગઇ છે.

No comments: