જૂનાગઢ:ગીરના
જંગલમાં નેસમાં મારણ પર બેસેલા સિંહની નજીક બે મીટર દુર ઘોડીયામાં નાનું
બાળક સૂતું હોય કોઇની પણ ત્યાં જવાની હિંમત ચાલતી ન હતી પરંતુ માતા મલીબાઇએ
કંઇ પણ વિચાર કર્યાં વગર દોટ મુકીને ઘોડીયામાં રહેલા વ્હાલસોયા પુત્રને
સહી સલામત લઇ આવી હતી. મલીબાઇની હિંમતની સૌકોઇએ પ્રશંસા કરી હતી.
સિંહે વાછરડાનું મારણ કરીને ભૂખ મિટાવી
ગીરના જંગલમાં વન અને વન્યજીવોની સાથે જ વસ્તા માલધારીઓની વસાહત એટલે કે નેસમાં જાનવરોથી રોજનો પનારો રહેતો હોઈ સિંહનું આવી ચડવું બહું અસામાન્ય ગણાતું નથી પરંતુ રવિવારે સાંજે પાંચ વાગ્યાની આસપાસ જે ઘટના બની તે બિલકુલ અસામાન્ય હતી. જંગલમાં માલ ઢોર નિરાંતે નેસથી દૂર ચરતા હોય અને નાના વાછરડા નેસમાં હોય આવા સમયે અચાનક એક સિંહ ઝૂંપડાના પાછળના ભાગેથી આવી પહોંચ્યો ત્યારે નેસમાં બે વાછરડાં બાંધેલા હતાં જ્યાં સિંહે મારણ કરીને ભૂખ મિટાવતો હતો.
સિંહથી માત્ર બે જ મીટર દૂર ઘોડિયામાં સૂતું હતું બાળક
આ વાતની જાણ થતાં જ માલધારીઓનું ટોળુ વળી ગયું હતું. આવીને જોયું તો સિંહ જ્યાં બેઠો હતો તેનાથી માત્ર બે જ મીટર દૂર એક ઘોડિયામાં બાળક સૂતું હતું. સિંહ સામાન્ય રીતે માનવી ઉપર હુમલો નથી કરતો પરંતુ ભૂખ્યો સિંહ અને તે પણ આટલું નજીક બાળક સૂતું હોય. આ જોઈને બાળકની માતા મલીબાઈએ મદદ માટે નેસમાં નજર કરી પરંતુ સિંહ બહું ઉગ્ર મિજાજ દર્શાવતો હતો.
(આગળની સ્લાઈડ્સમાં વાંચો, માતા દોટ મૂકીને ઘોડિયામાં સુઈ રહેલા બાળકને બચાવ્યું)
તસવીરો - રવિ ખખ્ખર, વેરાવળ
માતા દોટ મૂકીને ઘોડિયામાં સુઈ રહેલા બાળકને બચાવ્યું
એક યુવાને સિંહની નજીક જઈ તેને ઊભો કરવાની કોશીશ કરી તો સિંહ તેના પર હુમલો કરીને સાથળ પર પંજો માર્યો હતો. જ્યારે બીજા યુવાને હિંમત બતાવીને સિંહને લાકડી મારી પરંતુ સિંહ મિજબાની માણી રહ્યો હતો માટે ત્યાંથી હટ્યો નહીં. જ્યારે સિંહની બે મીટર દૂર બાળક સૂતું હતું ત્યારે તેની માતાને લાગ્યું કે મારે જ કંઈક કરવું પડશે. માતા બાળકને બચાવવા માટે ઘોડિયા સુધી દોટ મૂકી, માતાએ બાળકને ઘોડિયામાંથી લઈને સિંહની નજર સામેથી જ નીકળી ગઈ. માલધારીઓએ વનવિભાગને જાણ કરતા ટીમ નેસ આવી પહોંચી હતી અને સિંહને ઈંન્જેકશન વડે બેહોશ કરી સાસણ લઈ જવાયો હતો.
માતાની હિંમત જોઈ સૌ કોઈએ કરી પ્રશંસા
મલીબાઈની આ હિંમત જોઈને સૌ કોઈ ચોંકી ગયા હતાં જ્યારે માલધારીઓ અને વનખાતાના કર્મચારીઓએ ઘોડિયામાંથી સુઈ રહેલા બાળકને દોટ મૂકીને લાવવાની હિંમતની પ્રશંસા કરી હતી.
સિંહે બે વાછરડના કર્યા મારણ, એક યુવાનના સાથળ પર માર્યો પંજો
ગીરપશ્ચિમ વનતંત્રનાં ગંગાજળીયા નેસમાં રવિવારનાં સાંજે સિંહએ એક ઝુંપડામાં ઘુસી જઇ બે વાછરડાનાં મારણ કર્યા હતા. તેમજ એક યુવાન પર હુમલો કરી ઘાયલ કર્યો હતો. ઘાયલ યુવાન રાજાને મેંદરડા હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો. ગંગાજળીયા નેસમાં એક ઝુપડામાં સાવજ આવી ચઢ્યા બાદ મારણ પર બેસી ત્યાંથી જવાનું નામ લેતો હતો. તંત્રને તેને ઘાયલ કરીને પકડવો પડ્યો હતો.