Saturday, September 29, 2018

દર વર્ષે 210 જેટલા સિંહબાળ જન્મે છે પરંતુ જીવિત રહે છે માત્ર 70

Divyabhaskar.com | Updated - Sep 24, 2018, 02:01 AM

અમરેલીમા રેવન્યુ વિસ્તારમાં વસતા સિંહબાળ પર જોખમ વધુ : ખુલ્લા કુવા, પુરપાટ દોડતા વાહનો અને ટ્રેન પણ ગમે ત્યારે...


જંગલનો રાજા ગણાતો સાવજ બાલ્ય અવસ્થામા હોય ત્યારે તેના જીવ પર સૌથી વધુ જોખમ હોય છે. સિંહબાળ માતાથી વિખુટુ પડે કે સિંહણનુ મોત થાય તો સિંહબાળ મોતને ભેટે છે. તે બિમારીનો પણ ઝડપથી ભોગ બને છે અને બીજા સિંહ દ્વારા તેને મારી નાખવાની ઘટનાઓ પણ સૌથી વધુ બને છે. જેના કારણે સિંહબાળ પર સૌથી વધુ જોખમ રહે છે. એક વખત પુખ્ત થઇ ગયા બાદ તેના પરનુ જોખમ ઘટી જાય છે. અમરેલી જિલ્લામા તો રેવન્યુ વિસ્તારમા પણ આવા સિંહબાળની વસતિ વધારે છે.

વનતંત્ર સિંહબાળની સુરક્ષા કરવામા સદંતર નિષ્ફળ નિવડી રહ્યું છે. બિમાર કે ઘાયલ સિંહબાળ વિશે વહેલી જાણ થાય તો તેના બચવાની સંભાવના વધી જાય છે. પરંતુ વનવિભાગના કામ ચોર કર્મચારીઓ નિયમીત ફેરણુ કરતા નથી. જેને પગલે કા તો સિંહબાળનુ મોત થયા બાદ તેની જાણ થાય છે અથવા બિમારી કે ઇજા એટલી વકરી ગઇ હોય છે કે તેને બચાવી શકાતુ નથી.

ગીરનાં અણમોલ રતન એવા સાવજોનાં મોતનાં મુખ્ય કારણો

ટ્રેન કે વાહન હડફેટે મોત ઉપરાંત સિંહોનો શિકાર, મારણમા ઝેર ભેળવી દેવુ, વિજશોક, યુરીયાયુકત પાણી, ખુલ્લા કુવા ઉપરાંત વૃધ્ધાવસ્થા, બિમારી, ઇજા, ટેરેટરી પર કબજા બાદ સિંહ દ્વારા સિંહબાળની હત્યા, ટેરેટરીની લડાઇ વિગેરે સાવજોના મોતના મુખ્ય કારણો છે.

1 થી 4 બચ્ચાને જન્મ આપે છે સિંહણ

એક સિંહની ટેરેટરીમા એકથી ત્રણ સિંહણ હોય છે. ગર્ભ ધારણ કર્યા બાદ સિંહણ એકથી ચાર સિંહબાળને જન્મ આપતી હોય છે. ગીરની સિંહણોની ગર્ભાવસ્થા 110 દિવસની છે. 20 થી 24 માસના ગાળા પછી સિંહણ ફરી ગર્ભ ધારણ કરે છે. 70 થી 75 ટકા બચ્ચા જન્મના ત્રણ વર્ષમા જ મૃત્યુ પામતા હોવાનુ તારણ છે.

2015ની ગણતરી દરમિયાન કેટલા સાવજ નોંધાયા હતા ?

સાવજોની કુલ વસતિ 523

નર 109

માદા 201

☻પાઠડા 73

સિંહબાળ 140
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020107-2800280-NOR.html

No comments: