Divyabhaskar.com | Updated - Sep 22, 2018, 02:24 AM
અહીં વન્યપ્રાણીની સારવાર માટે આધુનિક હોસ્પિટલની સુવિધા, એક વેટરનરી તબીબ, 6 ટ્રેકર્સની ઉપસ્થિતી
ઉના: ગિરજંગલ પૂર્વની દલખાણીયા રેન્જમાં 11 દિવસમાં 11 સિંહોના મૃતદેહ મળી આવ્યા. આ 11 સિંહના મોત કુદરતી રીતે થયા હોવાનું પણ બહાર આવ્યું છે. સિંહોના મોતને પગલે વનવિભાગનાં ઉચ્ચ અધિકારીઓ અને સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. આ ઘટનાથી સિંહ પ્રેમીઓમાં પણ ભારે દુઃખની લાગણી જોવા મળી રહી છે.જશાધાર રેન્જમાં સાત નેસ વિસ્તાર તેમજ બે સેટલમેન્ટનાં ગામો આવે છે. જશાધાર રેન્જમાં સિંહની વસ્તી 11 નર, 35 માદા અને 9 સિંહબાળ મળી કુલ 55 ની છે. અને આ તમામ 55 સિંહ સલામત હોવાનું આરએફઓ પંડ્યાએ જણાવ્યું છે. વર્ષ 2002 માં જશાધાર ખાતે વન્યપ્રાણીની સારવાર માટે આધુનિક હોસ્પીટલ બની છે. અહીં એક વેટરનરી તબીબ અને 6 ટ્રેકર્સ સિંહની સારવાર માટે ખડેપગે હોય છે. છેલ્લા 11 દિવસમાં 11 સિંહના મોતની ઘટના સામે આવતાં જશાધાર રેન્જનાં સ્ટાફ દ્વારા જંગલમાં સતત સિંહોનું મોનેટરીંગ કરાઇ રહ્યું છે. આ રેન્જ હેઠળ કુલ 41 નો સ્ટાફ છ.
સામાન્ય રીતે દર બુધવાર તેમજ અમાસનાં દિવસે રેન્જનાં અલગ અલગ વિસ્તારોમાં સિંહોનું લોકેશન મેળવી મોનીટરીંગ કરાતું હોય છે. પરંતુ સિંહના મોતની ઘટનાથી હાલ જશાધાર રેન્જનાં એસીએફ, આરએફઓ સહિતનો સ્ટાફ સવારથી જ વન્યપ્રાણીઓ અને ખાસ સિંહનું નિરીક્ષણ કરી તેનું અવલોકન કરી રહ્યો છે. વેટરનરી તબીબ દ્વારા પણ વન કર્મચારીઓને વિવિધ પ્રકારની સુચના અપાઇ રહી છે. સિંહની હિલચાલ પર જરાપણ શંકા જણાય તો તાત્કાલીક વેટરનરી તબીબ દ્વારા પૂરતી ચકાસણી કરાઇ રહી છે. જરૂર પડ્યે સિંહને એનિમલકેર સેન્ટરમાં સારવાર પણ અપાય છે. સિંહની જાળવણી વધુ સુરક્ષીત રીતે કરી જંગલમાં વનવિભાગના કર્મચારીઓ પગપાળા 24 કલાક સિંહો કે સિંહબાળનું મોત ન થાય તે માટે પ્રયત્નશીલ છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-jasadhara-range-monitoring-lions-doctor-standing-gujarati-news-5960427-NOR.html
No comments:
Post a Comment