Divyabhaskar.com | Updated - Sep 22, 2018, 01:36 AM
દલખાણીયા રેંજમાં છેલ્લા દસ દિવસમાં 11 સાવજોના મોતની જવાબદારી ખંખેરવા વનતંત્રના હવાતીયાં
અમરેલી: ગીરપુર્વની દલખાણીયા રેંજમા છેલ્લા દસ દિવસમા 11 સાવજોના મોતની વિગતો બહાર આવ્યા બાદ ગાંધીનગરમા સુતેલા વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ આજે તાબડતોબ ધારી દોડી આવ્યા હતા અને ઘટના સ્થળોથી મુલાકાત લીધી હતી. નવાઇની વાત એ છે કે સિંહોની રક્ષામા નિષ્ફળ નિવડેલા વનતંત્રએ હવે ગઇકાલ કરતા આજે વિરોધાભાસી નિવેદનો આપી મોટાભાગના મોતને ઇનફાઇટમા ખપાવવા પ્રયાસ કર્યો હતો. નિંભર વનતંત્રએ સાવજોમા કોઇ ભેદી રોગચાળો છે કે નહી તે દિશામા તપાસ કરવાના બદલે જવાબદારી ખંખેરવા પ્રયાસ હાથ ધર્યો હતો.11 સાવજોના મોત થયા ત્યાં સુધી દલખાણીયા રેંજના વન અધિકારીઓ અને કર્મચારીઓ સુતા રહ્યાં. ગાંધીનગરના અધિકારીઓને પણ આ દિશામા ધ્યાન દેવાનો સમય ન હતો. પરંતુ આ અંગે અખબારી અહેવાલ પ્રસિધ્ધ થયા બાદ આખુ વનતંત્ર હડીયાપાટીએ ચડયુ છે. આજે ગાંધીનગરથી એપીસીસીએફ સકસેના, પીસીસીએફ મીના, રાજકોટના સીસીએફ પટેલ, સાસણના ડીએફઓ વિગેરે અહી દોડી આવ્યા હતા અને દલખાણીયા રેંજમા જુદાજુદા સ્થળોની મુલાકાત લીધી હતી.
જો કે આ અધિકારીઓએ અહી ખાસ કંઇ ઉકાળ્યું ન હતુ. ન તો કોઇની સામે પગલા લેવાયા હતા કે ન તો સાવજોમા કોઇ ગંભીર બિમારી છે કે નહી તે જાણવા વિશેષ પગલા લેવાયા હતા. બલકે તેના બદલે ગાંધીનગરથી એવી જાહેરાત કરી દેવાઇ હતી કે 11 પૈકી 8 સાવજોના મોત ઇનફાઇટમા થયા છે. જયારે 3 સાવજોના મોતનુ કારણ સ્પષ્ટ નથી. ગઇકાલે વનવિભાગના એસીએફે જાહેર કર્યુ હતુ કે ત્રણ નર અને એક માદાનુ બિમારીથી મોત થયુ છે જેના ફેફસા અને લીવરમા અમુક લક્ષણો જોવા મળ્યાં છે.
જયારે વણ ઓળખાયેલા એક સિંહનુ મોત કઇ રીતે થયુ તે પણ સ્પષ્ટ નથી. આમ હવે ગાંધીનગર લેવલેથી પણ સિંહોના મોતને ગંભીરતાથી લેવાને બદલે મામલો પતાવવા તરફ ધ્યાન દેવાયું છે. તંત્ર તેની ભુલ નહી સુધારે તો ટુંકાગાળામા આવી રીતે વધુ સાવજોનો ભોગ લેવાશે તે નક્કી છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-11-lion-deadh-last-11-day-in-gir-forest-and-all-death-natural-gujarati-news-5960227-PHO.html
No comments:
Post a Comment