Divyabhaskar.com | Updated - Sep 26, 2018, 11:37 AM
22 સિંહોનું ટોળુ હતું તેમાં 14 મોતને ભેટ્યા, 8 સિંહ પર તોળાતું જોખમ
અમરેલી: એક સમય હતો કે જ્યારે ગીરના માલધારીઓ અને સાવજો પરસ્પર એકબીજાના પૂરક હતા. એક એક સાવજની જાણકારી તંત્રને માલધારીઓ અને ગીરકાંઠાના લોકો દ્વારા મળી જતી. પરંતુ હવે તંત્ર જાણે માલધારીઓ અને ગીરકાંઠાના લોકો જંગલના દુશ્મન હોય તેમ વર્તી રહ્યું છે. ગીરની જરા પણ જાણકારી ન હોય તેવા અધિકારીઓ વહિવટ કરી રહ્યાં છે. તંત્ર અને લોકો વચ્ચેનો સેતુ તૂટ્યો છે. માલધારીઓનો આક્રોશ છે કે અમે જેની વર્ષો સુધી રક્ષા કરી તે સાવજોને આ તંત્ર મારી નાખશે.22 સિંહોનું ટોળુ હતું તેમાં 14 મોતને ભેટ્યા, 8 સિંહ પર તોળાતું જોખમ
ગીરપૂર્વની દલખાણીયા રેંજમાં 22 પૈકી 14 સાવજો કાળના ગર્તામા સમાઇ ગયા છે. જ્યારે આઠ સિંહો પર જોખમ તોળાઇ રહ્યું છે. અહીં કેટલાક લોકોને લાગી રહ્યું છે કે બિમાર પશુનું માંસ આરોગવાથી સાવજોમાં રોગચાળો ફેલાઇ રહ્યો છે. ગીરના સાવજો પર ગંભીર ખતરો ઝળુંબી રહ્યો છે ત્યારે ગીરકાંઠાના લોકો અને ગીરને પ્રેમ કરનારા વનતંત્રના જ નિવૃત કર્મચારીઓ આક્રોશ કરી રહ્યાં છે કે જો તમારાથી સાવજોની રક્ષા થઇ શકતી ન હોય તો તેની રક્ષા માટે પોતાના ખર્ચે અમે આગળ આવીએ. જો કે તંત્ર લોકોનો આવો અવાજ સાંભળવા પણ તૈયાર નથી. સિંહોની રક્ષા એ ગુજરાતના ગૌરવની રક્ષા છે. કરોડોનો ખર્ચ કર્યા બાદ પણ આ તંત્ર ગૌરવની રક્ષા કરી શકતું નથી. આફતના સંજોગોમા તંત્ર વિવેક ગુમાવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે પુરા ભારતમાં એશિયાટીક સિંહ માત્ર આપણા ગરવા ગીરમાં જ જોવા મળે છે જે આપણા માટે ગૌરવની બાબત છે પરંતુ કામચોર વનવિભાગને જાણે કોઇ કદર નથી તેવું લાગી રહ્યું છે.
મુર્ખ તંત્ર હવે અગત્યની બાતમી પણ સાંભળતું નથી
જ્યારે સાવજો પર ગંભીર ખતરો ઝળુંબી રહ્યો છે ત્યારે બિમાર અને ઘાયલ સાવજો અંગે ઝડપી બાતમી મળે તે અગત્યનું છે. આડા દિવસે ગીરકાંઠાના લોકો કોઇ આવા સાવજો નજરે પડે તો વનતંત્રને ફોન કરીને બાતમી આપતા હતા જેથી સમયસર સાવજોને બચાવી શકાતા હતા. પરંતુ આટલા સાવજોના મોત પછી અધિકારીઓ અને કર્મચારીઓએ ફોન ઉપાડવાના જ બંધ કર્યા છે જેથી હવે લોકો અગત્યની બાતમી પણ આપી શકતા નથી.
મદદ લેવાને બદલે નિવૃત કર્મીને અપમાનિત કર્યા
આફતના સમયે વર્ષોના અનુભવી નિવૃત કર્મચારીઓ ઉપયોગી થઇ પડે તે સૌ કોઇ સમજી શકે તેમ છે. પરંતુ અહીંના નિવૃત ફોરેસ્ટર આર.એલ.દવેએ દહેરાદુનથી આવેલી વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યુટની ટીમને મળવાનો પ્રયાસ કરતા ડીએફઓએ તેમને અપમાનિત કરી મળવા દીધા ન હતા. તેમણે આ અંગે ઉચ્ચકક્ષાએ પણ રજૂઆત કરી છે.
ગ્રાઉન્ડ રિપોર્ટ 4: સિંહને મારણના ફાંફાં, પુખ્ત સિંહને 8 દિવસે જોઇએ 20 કિલો ખોરાક
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-14-lion-death-in-gir-forest-maladhari-samaj-angree-behind-lion-death-gujarati-news-5962139-NOR.html
No comments:
Post a Comment