Saturday, February 29, 2020

ઉચેંયા ગામના ઝુપડામાંથી સિંહણે 5 વર્ષના બાળકને બોચીથી ઉપાડી એક પગ ખાય ગઇ અને સિંહબાળે મોઢુ કરડી ખાધું

  • બાળકના મોત બાદ સિંહબાળ બાળક સાથે મસ્તી કરતા જોવા મળ્યું હતું
  • સિંહણ અને 2 સિંહબાળને પાંજરે પુરવા મોટુ રિંગ પાંજરુ મુકવામાં આવ્યું છે 

Divyabhaskar.Com

Feb 04, 2020, 05:04 PM IST
અમરેલી: રાજુલા તાલુકાના ઉચેંયા નજીક ખેતમજુર પરિવાર ઝૂંપડામાં રહે છે. ગત રાત્રે માતા-પિતા સાથે કિશોર સાદુળભાઈ (ઉં.વ. 5) સુતો હતો. રાત્રે સિંહણ આવી ચડી બાળકને પકડી ભાગી ગઇ હતી. પરિવારજનો જાગી જતા હાકલા પડકારા કર્યા તેમ છતાં સિંહણ બાળકને ઉંચકી પકડી ભાગી ગઇ હતી. બાદમાં બાળકનો એક પગ સિંહણ ખાય ગઇ હતી અને સિંહબાળે બાળકનું મોઢુ કરડી ખાધું હતું,
સિહબાળ કોઇને નજીક આવવા દેતું નહોતું
ભચાદર ઉચેંયા ગામના સરપંચ પ્રતાપભાઈ બેપારીયા, તખુભાઇ ધાખડા સહિત યુવાનોએ અહીં શોધખોળ શરૂ કરી અને આખી રાત દોડધામ કરી રાજુલા વનવિભાગને જાણ કરી હતી. વનવિભાગના RFO ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ભેરાઇ વીડીમાં દોડી જતા સિંહબાળના કબ્જામાં મૃતદેહ જોવા મળ્યો હતો. ત્યારબાદ સિંહબાળ પણ કોઈ માણસને નજીક ન આવવા દે અને સિંહણ પણ બાજુમાં હતી. જો કે પગ સિંહણ ખાય ગઈ અને સિંહબાળ બાળકનું મોઢું કરડી ખાય ગયું હતું. ત્યારબાદ તેમના કબ્જામાંથી બાળકના મૃતદેહને છોડાવી અને રાજુલા હોસ્પિટલમાં પી.એમ માટે ખસેડ્યું હતું.
પરિવારનો માત્ર એકનો એક દીકરો હતો
પરિવારનો માત્ર એકનો એક દીકરો હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે ઘટનાને લઇને પીપાવાવ મરીન પોલીસ પણ દોડી આવી હતી. રાજુલા વનવિભાગનો કાફલો પણ મોટી સંખ્યામાં દોડી આવ્યો હતો. જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરી હતી. સિંહણ માનવભક્ષી થયાનું સ્થાનિક લોકો માની રહ્યા છે. જો કે રાજુલા ઘટનાને લઇને શેત્રુંજી ડિવીઝનના ડીસીએફ ભારદ્વાજ, રાજુલા આરએફઓ હિતેન્દ્રસિંહ વાઘેલા સહિત ફોરેસ્ટ સ્ટાફ દોડી ગયો હતો અને રાજુલા આરએફઓ હિતેન્દ્ર સિંહ વાઘેલા દ્વારા રાજુલા જાફરાબાદ પંથકની બંને રેન્જનો સ્ટાફ બોલાવી અલગ અલગ ટીમો બનાવી સિંહણને પકડવા માટે કવાયત હાથ ધરી છે. રાત્રીના સમયે બાળકના મોત બાદ સિંહબાળ બાળક સાથે મસ્તી કરતા જોવા મળ્યું હતું. જો કે બાળકની ઉંમર ખુબ નાની હોવાને કારણે સિંહબાળ મસ્તીએ ચડ્યું હતું.

સિંહબાળ સાથે સિંહણ પાંજરે પુરાશે: RFO
રાજુલા RFO હિતેન્દ્ર સિંહ વાઘેલાનો સંપર્ક કરતા જણાવ્યું હતું કે, અમારી ટીમો સ્થળ આસપાસ છે, સિંહણ અને 2 સિંહબાળને પાંજરે પુરાશે. મોટું રિંગ પાંજરું મૂકી દેવાયું છે, મૃતક પરિવારને ઝડપથી સહાય મળે તેની વનવિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરી છે.
બાળકને ઉપાડી જનારી સિંહણ ભેરાઇ વીડીમાં રહે છે
વનિવભાગના સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ આ સિંહણ ભેરાઇ વીડી અને દિવલો વીડીમાં વધુ પડતી સિંહણ
રહે છે. અન્ય કોઈ વિસ્તારમાં જતી નથી. પરંતુ ખુલ્લા વિસ્તારમાં હોવાને કારણે સિંહણે બાળકને પકડી શિકારની મિજબાની માણી હતી.

રાતના સાડા ત્રણ વાગે અમને સિંહનું બચ્ચુ મળ્યું: મૃતક બાળકના કાકા
મૃતક બાળકના કાકા રમેશભાઇએ જણાવ્યું હતું કે, રાતે મારો ભાઇ અને ભાભી સૂતા હતા ત્યારે મારો ભત્રીજો પણ સાથે સુતો હતો. તેની માતાના ખોળામાં સુતેલા મારા ભત્રીજાને સિંહણ ઉઠાવી ગઇ હતી. બાદમાં બાળકના રડવાનો અવાજ આવતા જ અમે પરિવારજનો જાગી જતા પાછળ દોડ્યા હતા. સિંહણ સાથે તેનું બચ્ચુ પણ હતું. રાત્રે સાડા ત્રણ વાગે અમને સિંહબાળ મળ્યું હતું પણ સિંહણ મળી નહોતી. બાળકનો મૃતદેહ અમારા ઝુપડાથી દૂર મળી આવ્યો હતો.
(જયદેવ વરૂ, અમરેલી)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/lioness-hunt-5-year-old-children-near-rajula-126670854.html

No comments: