Thursday, November 29, 2007

સિંહ, વાઘ અને દીપડાને પણ શિયાળામાં વધુ ભૂખ લાગે છે.

Bhaskar news, Surat
Tuesday, November 27, 2007 23:37 [IST]

ઋતુઓમાં રાજા એવી આરોગ્યવર્ધક ઋતુ શિયાળાનો પ્રારંભ થઇ ગયો છે. એટલે કે હાલ સુુધી કહેવાતી ગુલાબી ઠંડી હવે થથરાવી રહી છે. આ ઋતુમાં શહેરીજનો આરોગ્યની કાળજી માટે તથા તંદુરસ્તી વધારવા માટે જાગૃત થયા છે.

શિયાળામાં ખોરાક વધી જવાની વાત માત્ર માણસોને જ લાગુ પડતી નથી તે જંગલના રાજા સિંહને પણ લાગુ પડે છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્કનાં માંસાહારી પ્રાણીઓ સિંહ, વાઘ તથા દીપડાનો ખોરાક આ ઋતુમાં સારો એવી વધી ગયો છે. તેઓ પણ આ આરોગ્યવર્ધક ઋતુમાં તબિયત બનાવતા હોય તેવું લાગી રહ્યું છે.

માંસાહારી પ્રાણીઓના વધી ગયેલા ખોરાક અંગે નેચર પાર્કના ડો. પટેલે જણાવ્યું હતું કે, શિયાળામાં માણસની જેમ પ્રાણીઓનો જઠરાગ્િન પણ વધુ તેજ થઇ જતો હોવાથી તેમને ભૂખ વધુ લાગે છે, સાથે સાથે શિયાળામાં લેવાતા વધારે ખોરાકથી શરીરને જરૂરી પોષક તત્ત્વો મળી જવા ઉપરાંત તેમાંથી તૈયાર થતી ચરબીનું ચામડીની નીચે આવરણ બંધાઇ જતું હોવાથી તે ઠંડી સામે રક્ષણ આપે છે.

નેચર પાર્કનાં પ્રાણીઓમાં સિંહને નિયમિત રીતે ૬ થી ૭ કિ.ગ્રા. માંસ પિરસવામાં આવે છે. પરંતુ શિયાળામાં તેના ખોરાકમાં વધારો થતાં તેને દોઢ થી બે કિલો વધુ માંસ પીરસવું પડે છે. તેવી જ રીતે રોજનું પ થી ૬ કિલો માંસ આરોગતી વાઘણોને પણ શિયાળામાં એકથી દોઢ કિલો વધુ માંસ પીરસવું પડે છે. જયારે રોજ ૩થી ૪ કિલો માંસ ખાતા દીપડાનો પણ ખોરાક એકાદ કિલો જેટલો વધી જાય છે.

સરિસૃપનો ખોરાક ઘટે છે

સામાન્ય રીતે શિયાળામાં દરેક પ્રાણીઓના ખોરાકમાં થોડો ઘણો વધારો થતો હોય છે. પરંતુ પૃથ્વી પરના સરિસૃપ પ્રકારના પ્રાણીઓમાં બધાંથી ઊલટું તેમના ખોરાકમાં ઘટાડો થતો હોય છે, તેમ નેચરપાર્કના ડો. પટેલે જણાવ્યું હતું. સરિસૃપ પ્રકારનાં એટલે કે દરેક પ્રકારના સાપ, અજગર, મગર, ઘો, કાચબા, ગરોડી, નોળિયા જેવાં પ્રાણીઓને ‘કોલ્ડ બ્લડેડ’ પ્રાણીઓ કહેવામાં આવે છે.

એટલે કે આવા પ્રાણીઓને પોતાનાં શરીરનું તાપમાન મેઇન્ટેઇન કરવામાં તકલીફ પડતી હોય છે. માટે જ તેમને ઉનાળામાં ઠંડક તથા શિયાળામાં હૂંફની જરૂર હોય છે. જેને કારણે તેઓ શિયાળામાં પોતાના દરમાં લપાઇ રહે છે, સાથે સાથે જો તે શિયાળામાં હલનચલન કરે તો તેમનાં શરીરમાં સંગ્રહાયેલી ગરમી ગુમાવવી પડે માટે તેઓ શિયાળામાં નિષ્ક્રિય થઇ જતાં હોય છે.

Source: http://www.divyabhaskar.co.in/2007/11/27/0711272340_hunger.html

No comments: