Thursday, November 8, 2007

ભૂકંપ સાથે ગીરની જમીનમાંથી ભેદી અવાજ આવતાં લોકોમાં ભય

Bhaskar News, Rajkot
Wednesday, November 07, 2007 01:57 [IST]

ખાંભા, લીમધ્રા, સતાધાર સહિતના ગામોમાં ગડગડાટી

આજે વહેલી સવારથી સાસણ-તાલાળા પંથકને ભૂકંપે હચમચાવ્યા બાદ આખો દિવસ નાના મોટા આંચકાઓ આવતા રહ્યા હતા. પરંતુ બપોરે ૩-૦૮ વાગ્યે આવેલા આંચકાએ ગીર જંગલ કાંઠાના ગામોના રહેવાસીઓને ગભરાવી દીધા હતા. આંચકા સમયે ગીરના જંગલમાંથી આવતા પ્રચંડ અવાજથી લોકો ગભરાઈ ગયા હતા અને ઘર બહાર દોડી આવ્યા હતા.

આજે બપોરે ૩-૦૮ વાગ્યે જયારે નોંધપાત્ર રીકટર સ્કેલનો આંચકો આવ્યો ત્યારે ગીરના જંગલમાંથી ભૂગર્ભીય હિલચાલનો બહુજ પ્રચંડ અવાજ આવવાનું શરૂ થયું હતું. ગીર કાંઠાના ગામોના લોકોએ કદી આવો અનુભવ કર્યોન હોવાથી તમામ લોકો ઘર બહાર દોડી આવ્યા હતા.

સાસણ પાસે આવેલા રતાંગ ગામના રહીશ ભૂપતભાઈ પાઠક અને તેના પુત્ર નીતિન પાઠકે જણાવ્યું હતું કે, બપોરે ત્રણ વાગ્યે જયારે આંચકો આવ્યો ત્યારે એક બાજુ ગામના મકાન ધણધણવા માંડયા હતા અને બીજી બાજુ ગીરના જંગલમાંથી ભૂગર્ભીય હિલચાલની બહુ જ મોટી ગડગડાટી સંભળાવા માંડતા અમે ગભરાઈ ગયા હતા. કારણ કે ભૂકંપ સમયે અમે આવો અવાજ કદી સાંભળ્યો નથી.

આ જ ગામના ૭૦ વર્ષીય છગનભાઈ કોળીએ કહ્યું હતું કે આટલા વર્ષમાં ભૂકંપ ઘણા જૉયા પરંતુ ગીરના જંગલમાંથી આજે આવેલી ભેદી ગડગડાટી જિંદગીમાં કયારેય સાંભળીનથી, થોડીવાર માટે તો ચિંતામાં મુકાઈ ગયા હતા કે શું થઈ રહ્યું છે ?

આ ઉપરાંત લીમધ્રા, ખાંભા, હરિપુર, લીલિયા, સાસણ, સતાધાર, પીયાવા સહિતના કેટલાય ગામોમાં આ ભેદી ગડગડાટી સંભળાઈ હતી.આ ભયાનક અવાજ સાંભળીને લોકોના જીવ તાળવે ચોંટયા હતા.

Source: http://www.divyabhaskar.co.in/2007/11/07/0711070159_earthquake_gir.html

No comments: