Friday, November 16, 2007

તાલાલામાં બે આંચકા : હિરણવેલમાં વધુ ૨૬ કંપનો : ગ્રામજનો ભયભીત

Bhaskar News, Talal Gir
Wednesday, November 14, 2007 00:44 [IST]

ડિઝાસ્ટર ટીમ તપાસ પડતી મૂકી દિવાળી કરવા ભાગી ગઈ !

તાલાલા પંથકને ભૂકંપના આંચકાઓએ સતત ડરાવવાનું ચાલુ રાખતા આજે વહેલી સવારે તાલાલામાં વધુ બે આંચકા અનુભવાયા હતા. સવારે ૬ વાગ્યે એક હળવો આંચકો આવ્યાનાં અડધો કલાક બાદ ૬-૩૦ કલાકે વધુ તીવ્રતાવાળો આંચકો આવતાં ધરતી ધણધણી હતી.

ઠામ-વાસણો ખખડતાં લોકો ભયનાં માર્યા નીંદરમાંથી ઊઠી બહાર નીકળી ગયા હતા. આંચકો માત્ર ત્રણથી ચાર સેકન્ડ જ અનુભવાયેલ પણ બીજૉ આંચકો ભારે હોય લોકોએ પુન: ભૂકંપની અનુભૂતિ કરી હતી. આજે આવેલ બે ભૂકંપી આંચકાથી તાલાલામાં કોઈ નુકસાની થયાના અહેવાલ નથી.

તાલાલાના હિરણવેલ ગામને તો હવે ભૂકંપવેલ ગામ તરીકે ઓળખ આપવી પડે તેવી સ્થિતિ બનતી જાય છે. સતત આઠ દિવસથી આવી રહેલા આંચકાથી ગામ તો લગભગ ધરાશાયી બન્યું છે, પરંતુ ગઈકાલે બપોરથી આજ બપોર સુધીમાં ગામમાં વધુ ૨૬ આંચકા આવ્યા હોવાનું ગ્રામજનોએ અનુભવ્યું છે. રજિસ્ટરમાં નોંધ કરવાનું શરૂ કરતાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૬ આંચકા નોંધાયા છે.

હિરણવેલ ગામની તો આઠ દિવસ પહેલાં આવેલા ભારે આંચકામાં ખુવારી સર્જાઈ ગઈ હોય, હાલ મોટાભાગના ગ્રામજનો ટેન્ટમાં રહે છે. હવે આવતાં આંચકાથી ખંઢેર બની ઊભેલા મકાનોનો કાટમાળ વધુ ખરવા સિવાય વધુ કંઈ નુકસાની થતી નથી.

ગીર પંથકમાં તા.૬/૧૧નાં રોજ આવેલા વિનાશક ભૂકંપનો બાદ રાજયની ડીઝાસ્ટર ટીમ તાલાલા દોડી આવેલ. તે ટીમે તાલાલા મામલતદારનાં કવાર્ટરમાં સીસ્મોગ્રાફી યંત્ર ફીટ કરેલ છે. તે યંત્રથી આ વિસ્તારમાં આવતા આંચકા અને તેની તીવ્રતા કેટલી છે ?

તે ખબર પડશે તેમ જણાવેલ. પરંતુ આજે ફરીથી તાલાલામાં આવેલા ભૂકંપી ઝાટકા અને હિરણવેલમાં સર્જાયેલ આંચકાની હારમાળાની સંખ્યા કેટલી અને તીવ્રતા કેટલી તે જાણવા તાલાલા મામલતદારનો સંપર્ક કરતા તેમની પાસે કોઈ માહિતી ઉપલબ્ધ નથી.

યંત્ર માત્ર નામનું, દેખાવનું !

ડીઝાસ્ટર ટીમે જે સીસ્મોગ્રાફ ગોઠવ્યું છે તે માત્ર દેખાવનું હોય તેવું ફલિત થઈ રહ્યું છે. યંત્રમાં સચવાયેલી પ્રિન્ટ ગાંધીનગર મોકલાય પછી ખ્યાલ આવે કે આંચકાની તીવ્રતા કેટલી ? ગાંધીનગરથી આવેલી ટીમ પણ રજાના બહાને ગઈ તે ગઈ, પરત આવી જ નથી. લોકોમાં વધી રહેલા ભયને ઘ્યાને લઈ તંત્રે તાકીદે આંચકાની વિગતો રજૂ કરવી જૉઈએ તેને બદલે સ્થાનિક અધિકારીઓ પાસે પણ પૂરતી વિગતો હોતી નથી.

Source: http://www.divyabhaskar.co.in/2007/11/14/0711140052_hiranvel_village.html

No comments: