Thursday, November 29, 2007

આંતરિક લડાઈમાં ઘવાયેલા ૧૧ વર્ષીય સિંહનું બાબરાવીડીમાં દોઢ કલાક સુધી ઓપરેશન કરાયું

જૂનાગઢ,તા.૨૮ : વેરાવળની બાબરાવીડી ખાતે ઘવાયેલ ૧૧ વર્ષીય સિંહનું વનખાતાએ ઓપરેશન કરી પરત જંગલમાં છોડી મૂકેલ છે આશરે દોઢેક કલાક ચાલેલા આ ઓપરેશનમાં સિંહને જમણી આંખ નીચે પડી ગયેલ પાંચેક ઈંચના ચેકા સહીતની ઈજાઓની સારવાર આપવામાં આવી હતી. જો કે વનવિભાગ અઠવાડીયા પછી ફરી વખત આ સિંહને ચેક કરશે.

જૂનાગઢ વન વિભાગની વેરાવળ નોર્મલ રેન્જની બાબરા વીડીમાં એક સિંહ ઈજાગ્રસ્ત થયો હોવાની આર.એફ.ઓ. કે.આર.વઘાસીયાને જાણ થતા તેઓએ ડી.એફ.ઓ. બી.ટી.ચઢાસણીયાના માર્ગદર્શન હેઠળ સાસણના વેટરનરી તબીબને આ વિશે જાણ કરી બોલાવી લીધા હતા.

બાદમાં સિંહને લોકેટ કરી ગન થી ટ્રાન્કયુલાઈઝડ કરી તપાસ કરતાં આશરે ૧૧ વર્ષીય એવા આ ૧પ૦ કિલો જેટલા વજન ધરાવતા સિંહને અંદરોઅંદરની લડાઈને લીધે જમણી આંખની નીચે પાંચેક ઈંચ જેટલો ચેકો પડી ગયો હોવાનું અને બન્ને પગ વચ્ચે સામાન્ય ઈજાઓ થવા પામી હોવાનું જણાવતા વેટરનરી તબીબ ડો.હીરપરા અને આર.એફ.ઓ. કે.આર.વઘાસીયાએ તાત્કાલીક ઓપરેશનની કાર્યવાહી હાથ ધરી હતી.

વન વિભાગના વ જય યોગાનંદીએ આ વિશે વધુમાં જણાવ્યુ છે કે ફોરેસ્ટર એમ.બી.કાંબલીયા, સી.ટી.લોઢીયા, ગાર્ડ નંદાણીયા, ચોટલીયા સહીતનાઓએ આ ઓપરેશનમાં જોડાઈ આશરે દોઢેક કલાકના ઓપરેશનમાં સિંહને સારવાર આપી ફરી પાછો જંગલમાં છોડી મૂકેલ છે.

ગઈકાલે જંગલમાં છોડી મુકાયેલ આ સિંહને એકાદ અઢવાડીયા પછી ફરી વખત બાયનોકયુલરથી ચેક કરવામાં આવશે અને જરૂર જણાયે વધુ સારવાર પણ આપવામાં આવશે.

Source: http://www.sandesh.com/articlewoImage.aspx?NewsID=38021&Keywords=Sorath%20Gujarati%20News

No comments: