Thursday, November 8, 2007

તાલાલાનું હિરણવેલ ભૂકંપથી ખંઢેર બન્યું

તાલાલા, તા. ૭
તાલાલા ગિર : તાલાલા પંથકમાં મંગળવારે આવેલ ભારે ભૂકંપે તાલાળા પંથકનાં છેવાડાના હિરણવેલ ગીર ગામને સાવ ભાંગીને ભુકો કરી નાખ્યું છે, તાલાલા પંથકના સૌથી વધારે અસર પામેલ તાલાળા પંથકના છેવાડાના ગિરની બોર્ડર ઉપરના હિરણવેલ, ચિત્રાવડ અને હરીપુર ગીર ગામે રાજ્યા જળસંપતી મંત્રી રતિભાઇ સુરેજાએ મુલાકાત લીધી હતી, હિરણવેલ ગામે થયેલ ભારે તારાજી નિહાળી વ્યથીત થયેલા મંત્રીએ જણાવ્યું હતું કે, હિરણવેલ ગામમાં મોટાભાગના મકાનો ધરાશાયી થયા છે, જે મકાનો ભૂકંપથી બચી ગયા છે, તે રહેવાલાયક પણ રહ્યા નથી, તે માટે હિરણવેલ ગામ આખાનો જીર્ણોદ્ધાર કરવા સરકારમાં રજૂઆત કરી છે.

ગિર પંથકના ધારાસભ્ય ગોવિંદભાઇ પરમારે પણ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી તે દરમિયાન ભૂકંપનો ભોગ બનેલ પ્રજાએ ગામમાં રહેવા માટે તાકીદે તંબુની વ્યવસ્થા ઉભી કરવા તથા તંબુમાં લાઇટ પાણીની સુવિધા કરવા તેમજ ગિરની બોર્ડર ઉરરનો આ વિસ્તાર હોય વન્ય પ્રાણીઓથી પ્રજાનું તથા માલઢોરનું રક્ષણ કરવા વન વિભાગ દ્વારા ખાસ વ્યવસ્થા કરી આપવા માંગણી કરી હતી.

દરમયાન પ્રચંડ ભૂકંપે હિરણવેલ સહિતના વિસ્તારોના ભારે તારાજી સર્જી હોવાના અહેવાલો ઉચ્ચકક્ષા સુધી પહોંચી ગયા હોવા છતાં બુધવારે બપોર પછી પણ એટલે કે ૩૬ કલાક પછી પણ વહીવટી તંત્ર દ્વારા હિરણવેલ તથા આસપાસના ગામોમાં લોકોને રહેવા માટે તંબુ સહિતની કોઇ વ્યવસ્થા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી ન હોય હિરણવેલ સહિતના આજુબાજુના ગામના લોકોએ ટેકરા ઉપર ખુલ્લામાં બેસીને રાત ગુજારવી પડી હતી.

૯૪૦ની માનવ વસ્તી ધરાવતું સાવ પછાત હિરણવેલ ગામમાં ૧૭૫ પરિવાર રહે છે. બધા જ પરિવારો બક્ષીપંચના છે, પ્રચંડ ભૂકંપનો ભોગ બનેલા આ ગામમાં ૮૦ થી ૧૦૦ પરીવારોના મકાનો પડી ગયા છે. વહીવટી તંત્ર ગમે તેટલું દોડાદોડી કરે છતાં પણ આ ગામાં પરિવારોએ તંબુમાં લાંબો સમય રહેવું પડશે તેવું માનવામાં આવે છે.

હજી પણ અવિરત ભૂકંપના આંચકાઓ ચાલુ જ છે. આખું ગામ ભયથી થરથરે છે, ગામના મોટા ભાગના પરિવારો કે જેને વાડીમાં મકાનો છે અને વાડીએ મકાનો જેના બચી ગયા તે લોકો સરસામાન લઇ વાડીએ રહેવા લાગ્યા છે.

જ્યારે હિરણવેલ - હરીપુર- ચિત્રાવડ અને લાલછેલ સહિતના ગામોની કલેકટર અશ્વિનીકુમાર જીલ્લા વિકાસ અધિકારી જયપ્રકાશ શીવહરેએ આજે બપોરબાદ મુલાકાત લીધી હતી, અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને હિંમત આપતા બંને અધિકારીઓએ આજ રાત સુધીમાં રહેવા માટે તંબુ સહિતની સઘળી સુવિધા થઇ જશે તેવી ખાતરી આપી હતી અને તમામ આશ્વાસનો આપ્યા હતા.

ભૂકંપને પગલે - પગલે ઉભી થયેલી પરિસ્થિતિને થાળ પાડવા સ્થાનિક વહીવટી તંત્ર કામે લાગ્યું છે, ભૂકંપથી થયેલ નુકસાનનો સર્વે કરવા ટેકનિકલ માણસો સાથેની ટીમો બનાવી તાલાળા પંથકના ભૂકંપગ્રસ્ત ગામોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા ભૂકંપનો સૌથી વધારે ભોગ બનેલ ગામોમાં અધિકારીઓની છાવણી શરૂ કરી છે. આ ઉપરાંત એમ્બ્યુલન્સ તથા મેડિકલ ટીમ તથા ફરતા દવાખાના સહિતની સુવિધા શરૂ કરી છે. અસરગ્રસ્ત વિસ્તાર જંગલની બોર્ડર ઉપર આવેલ હોય વન્ય પ્રાણીઓથી ગ્રામ્ય પ્રજા તથા પશુઓેને રક્ષીત રાખવા જંગલ ખાતા દ્વારા ખાસ પેટ્રોલીંગની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

જ્યારે બીજી બાજુ લોકોને રહેવા માટે ૨૫ તંબુ સહિતની સુવિધાઓ આગાખાન સંસ્થા દ્વારા કરવામાં આવી છે. આ સંસ્થાએ પ્રથમ ભૂકંપનો સૌથી વધારે ભોગ બનેલ હિરણવેલ ગામમાં લોકોને રહેવા માટે ૨૫ મોટા તંબુ ઉભા કર્યા છે.

મંગળવારના પ્રચંડ ભૂકંપ પછી પણ ધરતીકંપના આંચકા અવિરત ચાલુ રહ્યા છે, હિરણવેલ, હરીપુર, ચિત્રાવડ ગામના લોકોના જણાવ્યા પ્રમાણે પ્રચંડ ભૂકંપ બાદ શરૂ થયેલા ભૂકંપના ભારે આંચકા હજુ પણ અવિરત ચાલુ છે, મંગળવારે બપોર બાદ તેમજ બુધવારે દિવસ દરમિયાન અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે આવેલા ઉચ્ચ અધિકારીઓને આ વિસ્તારમાં ચાલુ રહેલા અસંખ્ય ભારે આંચકાની અનુભુતી થઇ હતી.

Source: http://www.sandesh.com/articlewoImage.aspx?NewsID=33987&Keywords=earthquake%20Sorath%20gujarati%20news

No comments: