Thursday, November 8, 2007

વન વિભાગના પંદરથી વધુ અધિકારી સામે આચારસંહિતા ભંગની ફરિયાદ

Bhaskar News, Baroda
Thursday, November 08, 2007 03:27 [IST]

વિધાનસભાની ચૂંટણીના પગલે કડક આચારસંહિતાના થઇ રહેલા પાલન વરચે વન વિભાગમાં એક જ જિલ્લામાં ચાર વર્ષથી વધુ નોકરી કરી રહ્યા હોય તેવા પંદરથી વધુ અધિકારીઓની સામે આચારસંહિતા ભંગની ફરિયાદ થતાં ભારે હોબાળો મચી ગયો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર રાજય સરકારના વન વિભાગમાં એક જિલ્લામાં ચાર વર્ષથી વધુ નોકરી કરતા હોવાની ફરિયાદ ચૂંટણી પંચ સમક્ષ થઇ છે. પંચમહાલ જિલ્લામાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર કક્ષાના પંદરથી વધુ અધિકારીઓ ચાર વર્ષથી વધુ સમય સુધી નોકરી કરતા હોવાની ફરિયાદ થઇ હતી.

તેમાંના કેટલાક અધિકારીઓ તો રાજકીય પક્ષની સાથે સીધા સંકળાયેલા હોવાના પણ આક્ષેપો થયેલા છે. તેમાંના કેટલાક તો વીસ વર્ષથી વધુ સમયથી એક જ સ્થળે નોકરી કરી રહ્યા છે, તેમજ કોઇ પણ ચૂંટણી હોય, તેમાં તેમની ભૂમિકા રહેલી હોવાનો પણ ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આચારસંહિતાનો અમલ થયો હોવા છતાં આ અધિકારીઓના આશીર્વાદથી વન વિભાગની કચેરીઓ તથા ગેસ્ટ હાઉસની રૂમોનો રાજકીય પક્ષોની બેઠક માટે ઉપયોગ થતો હોવાની પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ ફરિયાદના આધારે વનવિભાગમાં ભારે હોબાળો મચી ગયો છે. તેમાં ખાસ કરીને વડોદરા, નર્મદા, પંચમહાલ તથા દાહોદ જિલ્લાની વનવિભાગની કચેરીમાં ચીટકી રહેલા અધિકારીઓની યાદી પણ ચૂંટણી પંચ તરફથી મંગાવવામાં આવી હોવાની વિગતો બહાર આવી છે.

ગોધરા ખાતેથી મળતાં અહેવાલ મુજબ કલેકટર મિલિન્દ તોરવણેએ જણાવ્યું હતું કે, ચાર વર્ષથી વધુ સમય સુધી એક જ જિલ્લામાં નોકરી કરી હોવાની વિગતો ચૂંટણી પંચ તરફથી મંગાવવામાં આવી હતી. પરંતુ આવા અધિકારીઓની સામે કોઇ પગલાં લેવામાં આવ્યા હોય કે તેમની સામે કોઇ કાર્યવાહી કરવામાં આવી હોય તે અંગેની કોઇ જ જાણકારી નથી. જયારે ડીએફઓ એસ.પી.જાનીએ આ બાબતે તદૃન અજાણ હોવાનો એકરાર કર્યોહતો.

દાહોદ ખાતેથી મળેલા અહેવાલ મુજબ જિલ્લાના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર વનવિભાગના એક અધિકારી, ૧૨થી ૧૩ શિક્ષકો તથા બે તલાટી સામે આચારસંહિતા અંગેની ફરિયાદ મળેલી છે. જે અંગે કાયદેસરની કાર્યવાહી ચાલુ છે.જયારે ડીએફઓ આર કે સુગુરે જણાવ્યું હતું કે, મને સોંપવામાં આવેલી તપાસના આધારે માહિતી જિલ્લા કલેકટરને સુપરત કરી દીધી છે.

Source:

No comments: