Wednesday, April 7, 2010

ઉનાળામાં તરસથી વ્યાકૂળ પશુ, પક્ષીઓની કોઈને ચિંતા નથી

સૌરાષ્ટ્ર સમાચાર
આના લેખક છે GSNEWS
સોમવાર, 05 એપ્રિલ 2010

નેતાઓ અને અધિકારીઓ એ.સી. વગર રહી શકતા નથી

રાજકોટ,
ઉનાળાની શરૂઆત થતાં જ ગરમી પડવાની શરૂ થઈ ગયેલ છે, પાણી માટે બધાને ખૂબ જ ચિંતા છે. આપણા માટે પાણીની વ્યવસ્થા થઈ રહી છે, પરંતુ અબોલ પશુઓ પોતાની તરસ છીપાવવા આકુળ વ્યાકુળ હોય છે. તેઓને પણ પોતાનું જીવન ટકાવવા આપણા જેવી જ પાણીની જરૂરીયાત હોય છે. પાણી વગર આ જીવો પણ ઉનાળામાં તરફડતા હોય છે. ક્યાંય પણ ગમે તેવું ગંદુ, સાબુ, કેમિકલ્સવાળુ પાણી પણ શોધવા બિચારા ભટકતા હોય છે અને આવા ન પીવા લાયક પાણીથી પણ પોતાની પેટની તરસ છીપાવવા પ્રયત્નો કરે છે.

રાજાશાહીમાં પક્ષીઓ માટે ઠેર-ઠેર કુંડા અને અબોલ પશુઓ માટે અવેડા બનાવાતા હતા, આજે કોઈને પરવા નથી

આવા પશુપક્ષીઓને માટે આપણા પૂર્વજોના સમયમાં જળાશયો, અવેડા, કુંડીઓ અને પક્ષીઓ માટે પાણીના કુંડાઓની વ્યવસ્થાઓ હતી, પરંતુ આજે આ વાત માનવીના ભૌતિક સુખો પાછળ ભૂલાય ગયેલ છે. રાજવીઓના શાસનકાળમાં અબોલ પશુ-પક્ષીઓના ખોરાક પાણી, રક્ષણની વ્યવસ્થાઓ અને જવાબદારી ખૂબ જ ગંભીરતા સાથે સખ્તાઈથી નિભાવવામાં આવતી હતી. તેમજ પશુઓને પીવાના પાણી માટે શહેરમાં ઘણી જગ્યાએ અવેડાઓ બાંધેલ હતા. જેનું આજે નામ નિશાન રહેલ નથી, કારણ કે આજના શાસકોને પશુ-પક્ષીના રક્ષણ બાબતે કોઈ ચિંતા હોય તેવું લાગતું નથી, જે દુઃખની વાત છે. કરોડો રૂપિયાના મ્યુનિસિપલ કોર્પોરેશનના અને સરકારના બજેટોમાં પણ આ બાબતે કોઈ વિચાર કરતું નથી. એક લીટર પાણીમાં અનેક પક્ષીઓ અને એક કુંડી પાણીમાં ઘણાં પશુઓ પોતાની તરસ છીપાવી શકે છે. આટલી નાની જરૂરિયાતનુ કામ દરેક લોકો કરી શકે તેમ છે. તેમજ આવા કાર્ય કરી પશુ-પક્ષીઓની આંતરડી ઠારી તેના આર્શિવાદ મેળવી શકાય છે.

એક લીટર પાણી ભરેલું કુંડુ અનેક પક્ષીઓની તરસ છીપાવી શકેઃ આપણે આટલુ તો કરી જ શકીએ

રાજકોટ મહાજન પાંજરાપોળે છેલ્લા દસ વર્ષમાં આશરે ૨૦,૦૦૦ કુંડાઓનું તેમજ ૨૦૦૦ ઉપરાંત કુંડીઓનું મફત વિતરણ કરી પશુ-પક્ષીઓની સંભાળ લેવામાં આવેલ છે. પક્ષીઓ માટે ચણ અને પાણીના બે કુંડાઓ તેને લટકાવી શકાય તેવા સ્ટેન્ડ સાથે વિનામૂલ્યે આપવામાં આવશે. અબોલ પશુઓ માટે પોતાના ઘર-ફ્લેટની આજુબાજુમાં મુકવા માટે ૨ બાય ૧ાા સાઈઝની કુંડીઓ વિનામૂલ્યે આપવામાં આવશે. જીવ માત્ર પ્રત્યે દયા, કરૂણા, અનુકંપા દાખવવી તે જ આર્ય દેશની અને આપણી મહાનતા છે. આપણી દયા કરૂણા અને પરોપકાર એ જ નિર્દોષ પશુ પક્ષીઓના જીવનનો આધાર છે.
Source: http://www.gujaratsamachar.com/beta/content/view/60267/149/

No comments: