Wednesday, April 21, 2010

ર૪મીથી ગિર-જંગલમાં સિંહોની વસતી ગણતરી.

જુનાગઢ, તા.૨૦ :

એશિયાટીક લાયન (સિંહ)નાં એક માત્ર નિવાસ સ્થાન ગિર અભયારણ્ય ખાતે આગામી તા. ર૪ થી સિંહોની વસ્તી ગણતરી કાર્યનો પ્રાથમિક તબકકો યોજાશે. તેમજ તા. ર૬ ના રોજ આખરી તબકકો યોજાશે. આ વખતની ગણતરીમાં સૌ પ્રથમ વખત ગ્લોબલ પોઝીશનીંગ સીસ્ટમ (જી.પી.એસ.)નો ઉપયોગ કરાશે. જેનાથી સિંહો ચોકકસ કયા વિસ્તારમાં છે ? તેની ખરી વિગત મળશે તેમ જ સિંહોનું ડુપ્લિકેશન થતુ અટકશે. અને ગણતરી એકદમ ચોકસાઈપૂર્વક થઈ શકશે. તેમ, વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ જણાવી રહ્યા છે.

આગામી શનિવાર સવારથી શરૃ થનાર સિંહોની વસ્તી ગણતરીમાં વનતંત્રએ સૌ પ્રથમ વખત હાઈટેક સીસ્ટમના ઉપયોગ સાથે ૪૦૦ જેટલા ગણતરીકારો, ૯૦૦ મદદનીશ, ૧૦૦ સબ ઝોનલ ઓફિસરો સહિત ૧૩૮ અધિકારીઓ તેમજ, ૧પ૦ કેમેરા સહિતના ૪૦ જેટલા વાહનોનો કાફલો એશિયાટીક લાયનોના નિવાસ સ્થાન ગિર વનવિસ્તારમાં ગણતરી કાર્ય હાથ ધરશે. આ સંદર્ભે મુખ્યવન સંરક્ષક સુધીર ચુર્વેદીના જણાવ્યા અનુસાર આ વખતની ગણતરીમાં જી.પી.એસ.નો ઉપયોગ કરવામાં આવતા ગણતરી કરનારે ચોકકસ કઈ જગ્યાએ, કયા સમયે સિંહને જોયા સાથે જે તે વખતે તેનું (સિંહોનું) કેટલા અક્ષાંશ અને રેખાંશ ઉપર લોકેશન (હાજરી) હતી. તેની સચોટ માહિતી નોંધશે.

ગિર જંગલ વિસ્તારમાં થયેલી છેલ્લી ગણતરીમાં સિંહોની સંખ્યા ૩પ૯ જેટલી નોંધાઈ હતી. જે આ ગણતરી બાદ વધીને આશરે ૪રપ થી ૪પ૦ સુધી પહોંચી જશે. તેમ, વન સુત્રો તેમ જ વનપ્રેમીઓ જણાવી રહ્યા છે. આગામી દિવસોમાં યોજાનાર ગણતરી સંદર્ભે મુખ્ય વન સંરક્ષક સુધિર ચતુર્વેદી, સાસણ-ગીર ડી.સી.એફ. ડો. સંદિપકુમાર ના માર્ગદર્શન હેઠળ આશરે કુલ ૧૬૦૦ જેટલા કર્મચારીઓ, સિંહ ગણતરી નિષ્ણાંતો તેમજ એન.જી.ઓ. કાર્યકર્તાઓ ગિર વન વિસ્તારમાં દિશા નિર્દેશો મૂજબ ગોઠવાઈ સિંહ ગણતરી કરશે. જે તા. ર૬ ના રોજ આખરી તબકકા બાદ પૂર્ણ થશે. ત્યાર બાદ એશિયાટીક ગૌરવ એવા ગિર-સિંહોની વસ્તી અંગે માહિતી મળશે.
Source: http://sandesh.com/sandesh_article.aspx?newsid=179968

No comments: