Friday, April 9, 2010

આજથી સિંહની પ્રાથમિક ગણતરી.

Friday, Apr 9th, 2010, 12:29 am [IST]
Jayesh Gondhiya, Una

સમગ્ર દુનિયામાં ગુજરાતની ઓળખ ગીરમાં વસવાટ કરતા સિંહોથી થાય છે. સોરઠનાં સિંહોને જોવા એક લ્હાવો છે. આ વર્ષે ગીરના સિંહની વસ્તી ગણતરી થનાર છે. તેના માટે આવતીકાલથી તા.૯ થી સિંહની પ્રાથમિક ગણતરીનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે ઉનાના રેવન્યુ વિસ્તારમાં સિંહની ગણતરી માટે વનતંત્રએ દોડધામ શરૂ કરી છે. છ માસ પહેલા જશાધાર વિસ્તારમાં સિંહોની સંખ્યા આંગળીના વેઢે ગણાય તેટલી હતી. પરંતુ આ ગણતરીમાં સિંહોની સંખ્યા વધશે એવી વનતંત્ર આશા સેવી રહ્યું છે.

આવતીકાલથી ગીર જંગલ તથા રેવન્યુ વિસ્તારમાં વસવાટ કરતા સિંહોની પ્રાથમિક ગણતરીનો પ્રારંભ થઈ રહ્યો છે. સિંહોની વસ્તી ગણતરી માટે ચિંતાનો કોઈ વિષય હોય તો તે છે રેવન્યુ વિસ્તારમાં વસવાટ કરતા સિંહોની ગણતરી કરવાનો વનતંત્રના સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ વનકમીર્ઓ છેલ્લા ૧૫ દિવસથી રેવન્યુ વિસ્તારમાં કેટલા સિંહો છે તેનો આંકડો મેળવવા પ્રયત્ન કરી રહ્યાં છે. આ માટે જંગલ વિસ્તારના સરહદી ગામડાઓનાં લોકોના સતત સપંર્કમાં રહી સિંહોનું લોકેશન મેળવવા પ્રયત્નશીલ હતા.

ઉના પંથકનાં રેવન્યુ વિસ્તારમાં સિંહોની સંખ્યા નહિવત હતી. પરંતુ વર્ષ ૨૦૦૫ થી ૨૦૧૦ દરમ્યાન રેવન્યુ વિસ્તારમાં સિંહોની સંખ્યા વધુ જોવા મળી રહી છે. તેમાંય ઉના વિસ્તારની દરિયાઈ પટ્ટી પર સિંહોએ પોતાનો વસવાટ કરી દીધો છે. ત્યારે આ પ્રાથમિક ગણતરીનો તા.૯ થી સૂર્યોદય થી સૂર્યાસ્ત સુધીનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે જંગલ વિસ્તારમાં ઝોન અને સબઝોન એવી રીતે કાર્યક્ષેત્ર નક્કી કરવામાં આવેલું છે. તાલુકાના દરેક ગ્રામ્ય પંથકમાં પણ કેટલા સિંહોનો વસવાટ છે તે તથા રેવન્યુ વિસ્તારમાં કેટલા સિંહ છે તેનો આંકડો બહાર આવશે.

વર્ષ ૨૦૦૫માં જ્યારે સિંહોની ગણતરી હાથ ધરાઈ હતી ત્યારે રેવન્યુ વિસ્તારમાં સિંહોની સંખ્યા આંગળીના વેઢે ગણાય એટલી નહિવત હતી. જ્યારે આ વખતની ગણતરીમાં રેવન્યુ વિસ્તારમાં આ આંકડો કદાચ અચંબામાં પાડી દે તો પણ નવાઈ નહી કહેવાય અત્રે ઉલ્લેખનીય છે કે, છ માસ પહેલા જશાધાર રેન્જમાં સિંહોની પ્રાથમિક ગણતરી કરાઈ હતી.

ત્યારે તેમાં સિંહની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો. પરંતુ ત્યારે શિયાળાનો સમય હોવાથી સિંહો બહાર દેખાતા ન હોવાથી સ્વાભાવિક રીતે તેમાં ઘટાડો નોંધાયો હોય પરંતુ વનતંત્રના સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ આ વખતે સિંહની ગણતરીમાં ચોક્કસ વધારો થશે.
Source: http://www.divyabhaskar.co.in/2010/04/09/lion-on-junagadh-853515.html

No comments: