Wednesday, April 21, 2010

પંદર દિવસ પહેલા પકડાયેલા દીપડાની પ્રિયતમા પાંજરે પૂરાઈ.

વેરાવળ :

૧પ દિવસ પહેલા વાવડી આદ્રીમાં પકડાયેલા દીપડાને બચાવવા માટે જે દીપડીએ પોતાનું માથુ પાંજરામાં અથડાવ્યું હતું. આજે સવારે ૪ કલાકે પાંજરે પૂરાતા વાવડી અને ચમોરડાના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ચમોરડાની સીમ પાસે આવેલી વાવડી આદ્રીની સીમમાં લખ મણભાઇ વેજાણંદભાઇ જોટવાની વાડીમાં આજે વન વિભાગ દ્વારા ગોઠવાયેલા પાંજરામાં બકરાનું મારણ જોઈ આવેલી સાત વર્ષની દીપડી પાંજરે પૂરાઇ ગઇ હતી. આ દીપડી સાત ફૂટ લાંબી, ૩ ફૂટ ઉંચી હતી. આ અંગે જાણ થતા વન વિભાગના આરએફઓ જોખીયા તથા ફોરેસ્ટર નાનજીભાઇ કોઠીવાલ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો.

આ દીપડીને સાસણ એનિમલ હેલ્થ કેરમાં મોકલી આપવાની વ્યવસ્થા કરી હતી. ઉલ્લેખનિય છે કે, આ દીપડી પંદર દિવસ પહેલા પકડાયેલા દીપડાની જ પ્રિયતમા છે. તે વખતે પકડાયેલા દીપડાને બચાવવા દીપડીએ પાંજરામાં માથુ અથડાવી તોડવાની કોશીષ કરી હતી. તેમ જ પાંજરાની બાજુમાં જ બેસી ગઇ હતી. બાદમાં મહામહેનતે વનવિભાગ ટ્રેકટરથી અવાજ કરી અને હાકલા પડકારા કરી આ દીપડીને ભગાડી હતી. આજે તે જ વાડીમાં આ દીપડી પકડાઇ હતી.
Source: http://sandesh.com/sandesh_article.aspx?newsid=179973

No comments: