Wednesday, April 7, 2010

તાલાલા યાર્ડમાં હરાજીના પ્રથમ દિવસે ૮૪૦૦ બોક્સની આવક.

Wednesday, Apr 7th, 2010, 1:35 am [IST]
Bhaskar News, Talala

ગત વર્ષ કરતા હરાજીના પ્રથમ દિવસે ૨૦૦ બોક્સની વધુ આવક, ૧૦ કિગ્રાના બોક્સના ૧૫૦ થી ૩૦૦નો ભાવ

ગીર પંથકની શાન વિશ્વ પ્રસીઘ્ધ કેસરકેરીની સીઝનનો આજે વિધિવત પ્રારંભ થયો હતો. તાલાલા માર્કેટીંગ યાર્ડમાં આજથી ચાલુ સાલની કેસર કેરીની હરાજીના પ્રથમ દિવસે ૮૪૦૦ બોકસની આવક થઈ હતી અને ૧૫૦ થી ૩૦૦ રૂપિયા સુધી કેરીનાં ૧૦ કિલોનાં બોકસ હરાજીમાં વેંચાયા હતા. ચાલુ સાલ હરાજી ગત વર્ષ કરતા એક મહીનો વહેલી શરૂ થઈ છે અને આ વર્ષે કેરીનો પાક વધુ હોવાથી સીઝન લાંબી ચાલવાની ધારણા છે.

તાલાલા માર્કેટીંગ યાર્ડમાં આજથી કેસરકેરીની હરાજી શરૂ કરવામાં આવી હતી. હરાજીની બોણી પૂર્વ સાંસદ જશુભાઈ બારડે કરાવી હતી.

બોણીમાં વેંચાતા બોકસની થતી આવક ગૌ માતાની સેવાનાં કામમાં ઉપયોગ થતી હોય મોટી સંખ્યામાં ઉપસ્થિત કેરીનાં વેપારીઓ અને ખેડૂતોની હાજરીમાં પ્રથમ બોક્સનું ૧૧૦૦૦ રૂપિયામાં વેંચાણ થયું હતું. ગત વર્ષની તુલનાએ પ્રથમ દિવસે ૨૦૦ બોકસની વધુ આવક સાથે કુલ ૮૪૦૦ બોકસની થઈ હતી. ગીર ગીરપંથકમાં કેસરકેરીનો પાક ચાલુ સાલ વહેલો અને વધુ હોય સીઝન એક માસ વહેલી શરૂ થઈ છે.

અને કેરીનો પાક ત્રણ તબક્કામાં હોવાથી સીઝન જૂન મહીનાનાં અંત સુધી ચાલવાની સંભાવના છે. માર્કેટીંગ યાર્ડમાં હરાજી શરૂ થઈ તે પહેલા પંદર દિવસથી રોજના ૨૦ હજારથી વધુ કેરાનાં બોકસ સૌરાષ્ટ અને ગુજરાતમાં વેંચાણ માટે જાય છે. કેસર કેરીની સીઝનનો સમય એપ્રિલનાં અંતમાં શરૂ થતો હોય છે. પરંતુ આગોતરા પાકનાં લીધે કેસરકેરીની સીઝન હાફુસની સીઝન સાથે થઈ ગઈ છે.

આજ થી શરૂ થયેલી હરાજીમાં ફૂટનાં વેપારીઓ ખરીદદાર હતા. એપ્રિલનાં અંતમાં કેરીની વધુ આવક થશે. ત્યારે કેનીંગ પ્લાન માટે કેરી ખરીદવા વેપારીઓ અને એજન્ટો હરાજીમાં આવશે કેનીંગ માટેની કેરીનાં વાડીએ બેઠા ૨૦૦ રૂપિયાથી વધુનાં ભાવે સોદા પડી રહ્યાં છે. ખેડૂતો કાચુ ફળ ઉતારી વેંચાણમાં ન મુકે અને કેરી પાક ઉપર આવે ત્યારે વેચાણ માટે લઈ આવેતો વધુ સારા ભાવ ઉપજે તેમ વેપારીઓ જણાવી રહ્યાં હતા.
Source: http://www.divyabhaskar.co.in/2010/04/07/talala-yard-acution-mango-847295.html

No comments: