Thursday, April 22, 2010

સિંહ ગણના માટે ગીરમાં પર્વ જેવો માહોલ.

Thursday, Apr 22nd, 2010, 12:19 am [IST]  
Bhaskar News, Talala
First Published:  00:09[IST](22/04/2010)
Last Updated :  00:19[IST](22/04/2010)
lo_288ગીર જંગલમાં વસવાટ કરતા વિશ્વ પ્રસીઘ્ધ એશીયાટીક સાવજને ગીરપંથકની પ્રજા પોતાના ગૌરવ સમાન ગણે છે. આગામી ૨૪ એપ્રિલથી શરૂ થનારી સિંહની વસતી ગણતરીનાં ચાર દિવસને પર્વ સમાન ઉજવવા ગીરના પ્રવેશદ્વાર સાસણ(ગીર)ના પ્રજાજનોમાં જબરો ઉત્સાહ જોવાઈ રહ્યો છે.

સિંહને પોતાના સ્વમાન સમાન ગણતા સાસણ વાસીઓએ સિંહ ગણતરીનાં ભગીરથ કાર્યમાં વનવિભાગને ઉપયોગી થવા તમામ પ્રકારની સેવા માટે તૈયારી દર્શાવી છે. સાસણ અને ગીર અભ્યારણની નજીકનાં હોટલ સંચાલકોએ પોતપોતાની આખી હોટલો વનવિભાગને આપી છે. તેમજ સાસણનાં જીપ્સી ચાલકોએ જીપ્સીવાહનો વનવિભાગને ગણતરીનાં કામ માટે આપી દીધા છે.

આગામી ૨૪ થી ૨૭ એપ્રિલ ચાર દિવસ શરૂ થનારી ૧૩મી સિંહ ગણતરીમાં કાર્યમાં સાસણ(ગીર)નાં લોકોએ પોતાની નૈતીક જવાબદારી સમજી સિંહ ગણતરીનાં કાર્યમાં વનવિભાગને તમામ પ્રકારની સેવા આપવા તત્પરતા બતાવી છે.

સાસણ અને ગીર અભ્યારણની આસપાસ આવેલી હોટલો રીસોર્ટ ટેન્ટનાં માલિકોએ ગણતરી માટે બહારથી મોટી સંખ્યામાં આવનારા વનવિભાગના અધિકારીઓ અને ગણતરીકારોને પોતાના મહેમાન ગણી તેમનાં ઉતારાની વ્યવસ્થા માટે હોટલ સંચાલકોએ આખે આખી હોટલો સાસણ વનવિભાગને આઠ દિવસ માટે સોપી દીધી છે. તો ગીર અભ્યારણમાં સિંહ દર્શન માટે ટુરીસ્ટોને લઈ જતા જીપ્સીવાહનના માલિકોએ ગણતરીનાં કામમાં ફીલ્ડમાં જવા વનવિભાગને વાહનોની ઘટ ન પડે તે માટે ૬૦ જીપ્સી વનવિભાગને સોપી દીધી છે.

સાસણ નજીક હોટલ બનાવી રહેતા બિલ્ડરે ગણતરીકારોને ઉપયોગી વસ્તુઓ બેગ, ટોર્ચ, દવા સહીતની કીટો તૈયારી કરી વનવિભાગને આપી છે તો રાજકોટનાં સાવજ પ્રેમી અને પ્રખ્યાત મીનરલ વોટરનાં ડીલરે એક ટ્રક મીનરલ વોટર સાસણ મોકલી આપેલી છે. આ પ્રકારની નાની મોટી જરૂરી ચીજ વસ્તુની સેવા અને સહયોગ વન્યપ્રેમીઓ અને સાસણ (ગીર)ની પ્રજા તરફથી વનવિભાગને વણમાંગ્યે મળવા લાગ્યો છે. જંગલ અને સાવજ પ્રત્યે સંવેદના અને લાગણી ગીરની પ્રજામાં અદ્ભુત હોવાની પ્રતીતી થઈ રહી છે. આગામી સિંહ ગણતરી પર્વ સાથે લોકભાગીદારીથી થનારી બની જશે તેમજ ગણતરીનું જટીલ કાર્ય લોક સહયોગથી વનવિભાગ સફળતાપૂર્વક પુરૂ કરી શકશે તેમ જણાઈ રહ્યું છે.

જંગલખાતાની જડતા અદ્રશ્ય થતાં જ લોક સહયોગ ઊભો થયો

ગીરની પ્રજા સાવજ પત્યે લાગણીશીલ છે પણ સાવજની રખેવાળી કરનાર જંગલ ખાતાની જડતાનાં લીધે સ્થાનિક લોકો સાથે વનવિભાગને છાશવારે ઘર્ષણ થતું રહ્યું છે. પણ જ્યારે જંગલખાતુ જડતા છોડે તો લોકો તન-મન-ધનથી સહયોગ આપવા આપોઆપ આગળ આવે છે.

હાલના ગીર અભ્યારણ વન્યપ્રામીનાં ડી.એફ.ઓ.સંદીપકુમાર અને સેન્ચુવીનાં આર.એફ.ઓ.જોષીએ સાસણનાં લોકો સાથે સુમેળભર્યા સંબંધોથી સહયોગી વાતાવરણ પ્રસ્થાપીત કર્યુ હોય જંગલ સાથે સંકળાયેલા નાના મોટા દરેક લોકોની તકલીફ કે રજૂઆતને ઉકેલવા અધિકારીઓનાં વ્યાવહારીક અભિગમનાં લીધે સાસણનાં હોટલ સંચાલકો જીપ્સી માલીકો અને ગ્રામજનો સિંહ ગણતરીનાં કાર્યમાં વનવિભાગને તન-મન-ધનથી સહયોગ આપવા આગળ આવ્યા છે.
Source: http://www.divyabhaskar.co.in/2010/04/22/festival-like-atmosphere-in-gir-on-the-occassion-of-population-counting-of-lion-896645.html

No comments: