Thursday, April 8, 2010

સાત વર્ષની બાળકીને ફાડી ખાનાર દીપડો અંતે પકડાયો.

Thursday, Apr 8th, 2010, 12:31 am [IST]
Bhaskar News, Amreli

આખરે માનવભક્ષી દીપડો પાંજરે પૂરાયો છે. ખાંભાના ભાડ ગામની સીમમાં એક અઠવાડિયા પહેલાં રાજસ્થાની મજૂર પરિવારની બાળાને ફાડી ખાનાર દિપડાને પકડવા માટે જંગલખાતા દ્વારા પાંચ-પાંચ પાંજરા ગોઠવાયા હતા અને લાંબા ઇંતજાર બાદ દીપડો પાંજરામાં સપડાતા તેને નિહાળવા લોકોની મોટી ભીડ અહીં ઊમટી હતી.

ખાંભા તાલુકાના ભાડ તથા આજુબાજુના ગામડાંઓની જનતાની ઊઘ હરામ કરી નાખનાર દીપડો આખરે જંગલખાતાના સાણસામાં આવ્યો છે. અઠવાડિયા પહેલાં અહીં ભાડ ગામની સીમમાં મજૂરીકામ અર્થે વસવાટ કરતા રાજસ્થાની પરિવારની સાત વર્ષની બાળકી લહેરી ભૈરવસિંહ રાજસ્થાનીને રાત્રિના સમયે દીપડો ગળામાંથી દબાવી ઉપાડી ગયો હતો અને દૂરની આંબાવાડીમાં લઇ જઇ ફાડી ખાધી હતી.

માણસનું લોહી ચાખી ગયેલા આ દિપડાને તાત્કાલીક પકડવા માગણી ઊઠતા જંગલખાતા દ્વારા ગામની સીમમાં પાંચ પાંજરા ગોઠવવામાં આવ્યા હતા. ઉપરાંત, સાસણથી નિષ્ણાતોની ટીમ બોલાવી તેમનો અભિપ્રાય પણ લેવામાં આવ્યો હતો. જોકે, આઠ દિવસથી દીપડો જંગલખાતાને હાથતાળી આપતો હતો. એક વખત તો પાંજરામાં દિપડાને બદલે સિંહ ઝડપાયો હતો.

દરમિયાન, આજે વહેલી સવારે શિકારની શોધમાં નીકળેલ દીપડો પાંજરામાં સપડાઇ જતાં હવે તેનું મેડિકલ ચેકઅપ કરી સક્કરબાગ મોકલી આપવામાં આવશે. આ દીપડો જિંદગીભર ઝૂમાં રહેશે. જોકે, પાંજરામાં સપડાયેલો દીપડો બાળાને ફાડી ખાનાર દીપડો જ છે તે નક્કી કરવું મુશ્કેલ છે.
Source: http://www.divyabhaskar.co.in/2010/04/08/leopard-arrest-849897.html

No comments: