Thursday, April 1, 2010

ઝાલાવાડના જંગલોમાં સિંહની ડણકો સંભળાશે.

Thursday, Apr 1st, 2010, 3:05 am [IST]
Bhaskar News, Zalawad

૧ એપ્રિલે સિંહની પ્રથમ જોડ બાંડિયાબેલીના જંગલમાં લવાશે: જૂનાગઢના સિંહને ઝાલાવાડમાં સ્થળાંતર કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો

ડાલામથ્થા સિંહો ગુજરાતની શાન છે. જૂનાગઢના કેસરી સિંહોને મઘ્યપ્રદેશમાં સ્થળાંતર કરવાની હિલચાલ સામે ગુજરાત સરકારે વિરોધ કર્યોહતો. આજે પણ સિંહના સ્થળાંતરનો મામલો વિવાદમાં છે ત્યારે તાજેતરમાં જ જૂનાગઢના સાવજોને સુરેન્દ્રનગર જિલ્લાના જંગલોમાં સ્થળાંતર કરવાની મંજૂરી આપવામાં આવી છે. આથી હવે ઝાલાવાડના જંગલોમાં પણ ડાલામથ્થા સિંહોની ડણક ગુંજી ઉઠશે.

કેસરી સિંહની એક ડણક સાંભળવા માટે ઝાલાવાડના લોકો છેક જૂનાગઢના જંગલોમાં જાય છે. જંગલમાં છૂટા ફરતા આ કેસરીને જોવો એ એક લ્હાવો છે. આ સિંહોને મઘ્યપ્રદેશના જંગલોમાં સ્થળાંતર કરવાની કેન્દ્ર સરકારની યોજના હજુ લટકતી છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા હાલના સમયે જુનાગઢના ગામોમાં સિંહોની વધતી વસતી અને ગામડાઓ પરના હુમલાઓને ઘ્યાને રાખી ને સિહોને સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થળાંતર કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. જેમાં સુરેન્દ્રનગરમાં ખાસ કરીને ચોટીલાના બાંડિયાબેલી, ધ્રાંગધ્રાના કુડા અને પાટડીના જંગલ વિસ્તારોમાં આ સિહોને છૂટા મુકવામાં આવશે. તા.૧ એપ્રિલના રોજ સિંહનું એક યુગલ સૌપ્રથમ ચોટીલાના બાંડિયાબેલીના જંગલમાં લાવવામાં આવશે.

આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા, પ્રભારી મંત્રી રમણલાલ વોરા, સ્વર્ણિમ જયંતી ઉજવણી સમિતિના કાર્યકારી અઘ્યક્ષ આઇ.કે.જાડેજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે. રાજય સરકાર દ્વારા પસંદ કરવામાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લાના આ જંગલોમાં નીલગાય અને ઘુડખરની મોટી વસાહત છે. અને આ જંગલી પ્રાણીઓ ખેતરોમાં જે નુકસાન કરે છે. તેનાથી ખેડૂતો પણ પરેશાન થઇ ઉઠયા છે ત્યારે આ સાવજો નીલગાય અને ઘુડખરોનો શિકાર કરશે. જેથી ખેડૂતોને રંજાડતા ઘુડખર અને નીલગાયનો ત્રાસ ઓછો થશે. અને પ્રવાસનને પ્રોત્સાહન મળશે.
Source: http://www.divyabhaskar.co.in/2010/04/01/lion-will-take-place-at-zalawad.html

No comments: