Thursday, April 8, 2010

અભયારણ્યમાં કાળિયારને પીવાના પાણીની ભારે મુશ્કેલી.

ભાવનગર, તા.૫

ભાવનગર જિલ્લાના વેળાવદર ભાલમાં આવેલા નેશનલ પાર્કમાં હાલમાં છેલ્લી ગણતરી મુજબના ૩,૯૫૦ જેટલા કાળિયાર વિહાર કરી રહ્યા છે. જેના માટે પીવાના પાણીનો વિકટ પ્રશ્ન ઊભો થયો છે. ગત વર્ષના નબળા ચોમાસાના કારણે અભયારણ્યમાંના પાણીના મોટાભાગના પોઈન્ટ ખાલી રહ્યા છે. ત્યારે અત્યારે ઊનાળાની મોસમમાં કાળિયારને પીવાનું પાણી ટેન્કર મારફતે પુરૃ પાડવામાં આવી રહ્યાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, પાર્કમાં રહેલા પાણીના પોઈન્ટ ભરવા પાછળ દૈનિક અંદાજે રૃ.ર૦૦૦ જેટલો ખર્ચ વન ખાતાએ વેંઢારવો પડતો હોય છે.

વેળાવદર કાળિયાર અભયારણ્યમાં હાલમાં ૩,૯૫૦ જેટલા કાળિયાર સહિત અન્ય પશુ-પંખીઓનો વસવાટ છે. ગત વરસના ચોમાસામાં વરસાદ ઓછો પડતાં સામાન્ય જનજીવન માટે પીવાના પાણીની કટોકટી સર્જાવાની સાથે વેળાવદર નેશનલ પાર્કમાં વિહરતા કાળિયાર સહિતના પ્રાણીઓ માટે પણ પાણીની ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે.

અહિના અભયારણ્યમાં કૂદાકૂદ કરતાં કાળિયારના ટોળાને પીવાના પાણીની વ્યવસ્થા આશરે રપ જેટલા પોઈન્ટથી કરવામાં આવી છે. આ પોઈન્ટ-ટાંકા પાણી વગર સાવ ખાલીખમ રહ્યા છે.

દરમિયાનમાં રક્ષિત પ્રાણી કાળિયારને પાણી વિના તરસે મરવાનો વારો આવે નહિ તે માટે ભાવનગર વન વિભાગ દ્વારા ટેન્કર દ્વારા પોઈન્ટમાં પાણી ઠાલવવામાં આવે છે. જેમાં સરકારી ટ્રક ટેન્કર તથા ખાનગી ટેન્કર દ્વારા આજુબાજુના ગ્રામ્યપંથકમાંથી મીઠુ પાણી નેશનલ પાર્કના પોઈન્ટ-ટાંકામાં ભરવામાં આવે છે. રોજના ત્રણેક ફેરા ટેન્કરના મારવામાં આવે છે. જેમાં ટેન્કર દીઠ અંદાજે રૃ.૮૦૦ ની આસપાસ ચુકવવાની સાથે દૈનિક બે હજારથી અઢી હજારની રકમ વનખાતાએ ચુકવવી પડતી હોવાનું અંતરંગ સૂત્રોએ જણાવ્યું હતુ.

ઉલ્લેખનીય છે કે, નેશનલ પાર્કમાં અલંગ નદીના મીઠા પાણીનો પણ લાભ વન્યપ્રાણીઓને મળે છે. તેમજ અહિ બાંધવામાં આવેલા ચેકડેમથી પણ પાણીની સમસ્યામાં રાહત થાય છે. પરંતુ ગત વર્ષે ચોમાસામાં પુરતો વરસાદ નહિ પડતાં આ વરસના ઊનાળામાં વન્યજીવોએ પાણીની અછતનો સામનો કરવો પડે તેવી કફોડી સ્થિતિ સર્જાઈ છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=176066

No comments: