Thursday, December 23, 2010

ગીર પંથકમાં છ લાખ ડબ્બા ગોળના ઉત્પાદનનો અંદાજ.

Dec 17,2010
તાલાલા, તા.૧
તાલાલા પંથકમાં દેશી ખૂશ્બુદાર ગોળ બનાવવાની સીઝન શરૃ થઈ છે. બોરવાવ ગીર સહિતના અમુક ગામડાઓમાં ગોળના રાબડા શરૃ થઈ ગયા છે. આ વર્ષે માવઠાનાં કારણે સીઝન થોડી મોડી શરૃ થઈ છે. ગોળ બનાવવાના રાબડાની સંખ્યા ઘટવા સાથે ગોળનાં ઉત્પાદનમાં પણ ઘટાડો થવાનો અંદાજ છે. આ વર્ષે ૧ર૦ દિવસની સીઝનમાં છ લાખ ડબ્બા ગોળનું ઉત્પાદન થવાનો અંદાજ છે. ગત વર્ષે દસ લાખ ડબ્બાનું ઉત્પાદન થયું હતું. શેરડી કટાઈ અને ગોળના રાબડા પર કામ કરી શકે તેવા અનુભવી શ્રમજીવીઓ આ વર્ષે પૂરતા પ્રમાણમાં આવ્યા ન હોવાનાં કારણે ગોળના રાબડાના સંચાલકો મુશ્કેલીમાં છે.

  • માવઠાનાં કારણે મોડા શરૃ થતાં રાબડા
  • ગત વર્ષની સરખામણીમાં ઉત્પાદન ઘટશે : અનુભવી શ્રમિકોની અછત
ગત વર્ષે બોરવાવમાં ર૮ રાબડા હતા. તેની સામે આ વર્ષે ર૦ રાબડા ચાલુ થશે. સુરવામાં રપની સામે ર૦ રાબડા શરૃ થઈ રહ્યાં છે. માધુપુરમાં ૧ર સામે ૯, પીપળવા ર, ઘુંસીયા ર, ઉમરેઠી ર, જસાધાર ૩, ભીમદેવળ ૩, સેમરવાવ ર, વાડલા ૧ મળી કુલ ૭૦ થી ૮૦ રાબડા શરૃ થઈ રહ્યાં છે.ગોળના રાબડાના સંચાલકોના જણાવ્યા પ્રમાણે આ વર્ષે શ્રમિકોની ખેંચના કારણે રાબડા ચોવીસ કલાક ચાલુ રાખવા કઠીન હોય એક રાબડામાં રોજના ૧૦૦ થી ૧૧૦ ડબ્બા ઉત્પાદન થતુ હતું. તેની સામે આ વર્ષે એક રાબડામાં માંડ માંડ ૭૦ ડબ્બા ગોળનું ઉત્પાદન થશે. આ ઉપરાંત શેરડીના પાકમાં શરૃઆતમાં ભીંગડી નામના રોગના કારણે શેરડીના ઉતારામાં આવતા ઘટાડાના કારણે ગોળની રિકવરીમાં ઘટાડો થવાની શકયતા છે.
શેરડીના ભાવમાં ઘટાડો થયોઃ તાલાલા : ગત વર્ષે ગોળના રાબડાના સંચાલકોએ સીઝનની શરૃઆતમાં એક ટન શેરડી રૃ.૧૮૦૦થી ખરીદી શરૃ કરી આખરમાં ર૭૦૦ સુધી પહોંચ્યો હતો. આ વર્ષે સંચાલકોએ રૃ.૧૧૦૦ થી ૧૩૦૦માં શેરડીની ખરીદી શરૃ કરી છે. આ વર્ષે શેરડીના પાકમાં આવેલ રોગના કારણે કવોલીટી નબળી હોય ભાવમાં ઘટાડો થયો હોવાનું જાણવા મળ્યું છે.

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=247280

No comments: