Dec 23,2010 |
પોણા ચાર વર્ષ પહેલા ગિર અભયારણ્યના જે વિસ્તારમાં છ સિંહોનો શિકાર થયો હતો તે વિસ્તારમાંથી ગઈ કાલે રાત્રીનાં કોઈ વન્ય પ્રાણીનો શિકાર કરીને તેનું માંસ પોટલામાં ભરીને જતા બે શખ્શો મળી આવતા વન વિભાગમાં દોડધામ મચી છે. જો કે, હાથમાં કૂહાડી અને બંદુક જેવા હથિયારો લઈને જઈ રહેલા આ શખ્સોને બીટ ગાર્ડે પડકારતા બન્ને શખ્સો માંસ ભરેલું પોટલુ ફેંકીને નાસી છૂટયા છે. વનવિભાગે ગિર જંગલને નાકાબંધી કરીને આ શખ્સોને ઝડપી લેવા માટે કવાયત હાથ ધરી છે. તેમજ માંસને વૈજ્ઞાાનિક ઢબે પરીક્ષણ માટે મોકલવામાં આવ્યું છે. બનાવ વિશે ડોગ સ્ક્વોર્ડની પણ મદદ લેવામાં આવી છે.
- ગીર અભયારણ્યમાં
- સિંહ શિકારકાંડથી કૂખ્યાત બાબરિયા રેન્જમાં પોપટડી નેસની ઘટના
વનવિભાગના સ્ટાફે જઈને પોટલું ખોલીને તપાસ કરતા અને તેમાથી પ્રાણીનું માંસ મળી આવતા આ વિશે તાત્કાલીક ગિર પશ્ચિમ વિભાગના ડી.સી.એફ. આર.ડી. કટારાને જાણ કરવામાં આવી હતી.
બનાવને પગલે વનવિભાગના કાફલાએ દોડી જઈને પ્રાણીના આ માંસને વૈજ્ઞાાનિક ઢબે પરિક્ષણ માટે એફ.એસ. એલ.માં મોકલ્યું છે. તેમજ ગિર અભયારણ્યને નાકાબંધી કરીને નાસી છૂટેલા બન્ને શખ્સોને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે. હાલમાં તાલાળા એ.સી. એફ.એ જંગલ વિસ્તારમાં છાવણી નાખીને બન્ને શખ્સોને ઝડપી લેવા દોડધામ આદરી છે.
વનવિભાગના સુત્રોના જણાવ્યા પ્રમાણે આ બન્ને શખ્સોએ કોઈ પ્રાણીનો શિકાર કરીને તેનું માંસ લઈને જઈ રહ્યા હતાં. જો કે આ માંસ કોઈ તૃણભક્ષી પ્રાણીનું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. તેમજ વનવિભાગે નાસી છૂટેલા શખ્સોને ઝડપી લેવા માટે ડોગસ્ક્વોર્ડની પણ મદદ લઈને તપાસ હાથ ધરી છે. અત્રે એ ઉલ્લેખનિય છે કે, આ વિસ્તારમાં ગત તા. ૨૮/૩/૦૭ના રોજ એક સાથે છ સિંહોના શીકારની ઘટના બની હતી. તે સ્થળે વન્ય પ્રાણીના શીકારની ઘટના બનવા વનખાતાની ઘોર બેદરકારી બહાર આવી છે. આ શીકારીઓ જંગલમાં પ્રવેશ્યા કેવી રીતે ? આ શીકારીઓ કયા ઈરાદે અને કેટલા સમયથી જંગલમાં આંફેરા મારતા હશે ? શું તેઓ સ્થાનિક છે કે, પરપ્રાંતિય સહિતના આ બનાવથી અસંખ્ય સવાલો વનખાતા તરફ ઉઠયા છે. સિંહની શીકારી ગેંગ હોય અને આ શીકારીઓ તેમનાં ખોરાક માટે કે, મારણની લાલચ આપવા આ ચિતલનો શીકાર કર્યો હશે ? તેમ જ અગાઉ આ શીકારીઓ કેટલી વખત જંગલમાં પ્રવેશ્યા હશે ? તેવા સવાલો ઉઠયા છે.
ફાયરિંગ કરી ચિતલનો શિકાર કર્યાનું તારણ- ઉનાઃ બાબરીયા રેન્જમાં આવેલ જાળીયા રાઉન્ડ વિસ્તારમાં મોરસુવડા બીટમાં થયેલાં શિકારમાં વન્ય પ્રાણી ચિતલ હોવાનું અને તેની ફાયરિંગથી હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક તારણ નિકળ્યું છે. બે શિકારીઓમાં એક શિકારી મોટી મૂછોવાળો લાંબો હતો. તેણે ચોરણી અને ખમીસ પહેર્યા હતાં. ખંભે બંદુક રાખી હતી. વન વિભાગે શિકારીઓ સુધી પહાંેંચવા કવાયત હાથ ધરી છે. આ કોઈ સિંહનો શિકાર કરતી ગેંગ હોય અને આ શિકારીઓ સિંહના ખોરાક માટે કે મારણની લાલચ આપવા માટે આ ચિતલનો શિકાર કર્યો હશે ? અગાઉ આ શિકારી ગેંગ કેટલી વખત શિકાર કરી ગઈ ? તે બધી બાબતો તપાસનો વિષય છે. આ વિસ્તારમાં સિંહના શિકારની ઘટના બને તે પહેલા જંગલખાતાના અધિકારીઓ સઘન પગલા લે તેવી વન્યપ્રાણીપ્રેમીઓની માગણી છે.
બોર્ડર વિસ્તારના ગામડાઓમાં તપાસ, શોધખોળ- જૂનાગઢઃ ગિર અભયારણ્યમાંથી ગઈકાલે રાત્રે વન્યપ્રાણીનો શિકાર કરીને માંસનું પોટલુ લઈને જઈ રહેલા બે શખ્સો નાસી છૂટયા બાદ તેને ઝડપી લેવા માટે વનવિભાગે જંગલની બોર્ડર વિસ્તારના ગામડાઓમાં તપાસ શરૃ કરી છે. બોર્ડર વિસ્તારમાં આવતા ગામડાઓમાં ખુંદીને વનવિભાગની ટીમો એ બન્ને શખ્સોની શોધખોળ હાથ ધરી રહી છે. તેમજ ટૂંક સમયમાં બન્ને શખ્સો ઝડપાઈ જશે તેવી આશા પણ ડી.સી.એફ. આર.ડી. કટારાએ વ્યક્ત કરી છે.
વન વિભાગની ચેકપોસ્ટ શોભાના ગાંઠિયા સમાન- ઉના તા.૨૨: માર્ચ ૨૦૦૭માં એક સાથે છ સિંહોના શિકાર માટે કુખ્યાત બનેલી બાબરિયા રેન્જમાં વન્યપ્રાણીનાં રક્ષણમાં કોઈ ગંભીરતા દાખવવામાં આવતી નથી. સિંહોનાં શિકારની ઘટના બાદ એક ચેક પોસ્ટ ઉભી કરાઈ છે. વનવિભાગ દ્વારા કર્મચારીઓને પણ તહેનાત કરાયા છે. પણ તે સાવ નામની જ છે. અહીંથી અનેક વાહનો બેરોકટોક પસાર થઈ જાય છે. પસાર થતાં વાહનોને અટકાવાતા નથી. અવારનવાર ગેરકાયદે લાયન શો પણ યોજાઈ જાય છે. ચેક પોસ્ટ વિસ્તારમાં કેટલાય નામાંકિત વ્યકિતઓના ફાર્મ હાઉસ પણ આવેલા છે. અવારનવાર મદહોશ પાર્ટીઓ પણ યોજાતી રહે છે. સરકાર એક બાજુ સિહને બચાવવા કરોડો રૃપિયાનું બજેટ ફાળવે છે. બીજી તરફ વન્યપ્રાણીઓની સુરક્ષામાં સાવ લાપરવાહી ચાલે છે.
બાબરીયા રેન્જ વિસ્તારમાં જ છ સિંહોનો શિકાર થયો હતો- જૂનાગઢઃ ગિર અભયારણ્યની બાબરીયા રેન્જમાં ગઈકાલે રાત્રે બનેલી ઘટનાએ ફરી એક વખત પોણા ચાર વર્ષ પહેલા બનેલી સિંહોના શિકારની ઘટનાની યાદ તાજી કરાવી દીધી છે. તા.૩ માર્ચ અને ૩૦ માર્ચ, ર૦૦૭ ના રોજ આ વિસ્તારમાંથી ત્રણ અને ત્રણ મળી કુલ છ સિંહોના અવશેષો મળી આવ્યા હતાં. આ પ્રકરણ બાદ સિંહોના રક્ષણ માટે ખુદ મુખ્યમંત્રીએ ગિર જંગલમાં બેઠક યોજી હતી. અને ત્યાર બાદ કેટલાક પગલા પણ લેવામાં આવ્યા છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=248855
No comments:
Post a Comment