Wednesday, February 15, 2012

ન્યુ ડેસ્ટિનેશનઃગીરના સિંહ પરિવારને મળ્યુ નવું ઘર.


Source: Bhaskar News, Amreli   |   Last Updated 2:35 AM [IST](08/02/2012)
તાલુકાનો ખારાપાટ વિસ્તાર શેત્રુંજી અને ગાગડીયો નદીની ભેખડો બાવળના જંગલ સાવજો માટે સ્વર્ગથી કમ નથી
ગીરનાં સાવજોએ વધતી વસતિનાં પગલે પોતાનાં નવા નવા અનેક રહેઠાણો શોધ્યા. ગીર બહાર રેવન્યુ વિસ્તારમાં અનેક સ્થળે સાવજોનો વસવાટ થયો પરંતુ આ નવા વસવાટોમાં સાવજોને જો કોઇ સ્થળ વધુ માફક આવ્યુ હોય તો તે છે લીલીયા તાલુકામાં ક્રાંકચનો બીડ વિસ્તાર, શેત્રુજી નદીનાં કાંઠે બાવળનું આ જંગલ સાવજોએ એવું તો ભાવી ગયુ છે કે તેમના આ ઘરમાં સાવજોનાં પરિવાર ફુલીફાલી રહ્યા છે. હાલમાં આ વિસ્તારમાં ૨૮ સાવજો છે. ખૂબ જ ટુંકાગાળામાં અહિંના કેટલાક સાવજોને પોતાના માટે નવું ઘર શોધવુ પડશે.
લીલીયા તાલુકાનાં ખારાપાટ વિસ્તાર શેત્રુજી અને ગાગડીયો નદીની ભેખડો અને બાવળનાં જંગલને કારણે સાવજો માટે જાણે સ્વર્ગથી કમ નથી. કારણ કે આજુબાજુનાં આઠ-દસ ગામડાનાં માલધારીઓનાં માલઢોર પણ આ સાવજો માટે મારણ માટે સદાય હાથવગા રહે છે. પીવાના પાણીની પણ કોઇ તંગી નથી. લોકોની થોડી કનડગત છે પરંતુ અહિંના સાવજો હવે લોકોની હાજરીથી ટેવાઇ ગયા છે.
આશરે એકાદ દાયકા પહેલા આ વિસ્તારમાં સૌ પ્રથમ એક સિંહણ આવી હતી ત્યારે લોકોને ઘણુ આશ્ચર્ય થયુ હતુ કે ગીરથી આટલે દૂર છેક સાવજ કઇ રીતે આવી શકે ? પરંતુ પાછળથી આ વિસ્તારમાં સિંહની વસતી વધતી ચાલી અને પરિવારમાં નવા બચ્ચાનો જન્મ થતો ગયો તેમ પરિવાર મોટો થતો ગયો.
હાલમાં ક્રાંકચ, બવાડી, બવાડા, શેઢાવદરથી લઇને સાવરકુંડલા તાલુકાની હદ સુધીનાં આશરે ૨૫ કી.મી.ના વિસ્તારમાં આ સાવજ પરિવારનું રાજ છે. પોતાનાં ઇલાકા અહિંના સાવજો સતત સિમાડાઓની ર-ાા કરતા રહે છે. અન્ય વિસ્તારના કોઇ સાવજને આ પરિવાર પોતાના વિસ્તારમાં ઘુસવા દેતો નથી. પરંતુ નવા નવા સિંહબાળનાં જન્મ સાથે આ પરિવારની સભ્યસંખ્યા છેક ૨૮ સુધી પહોંચી ગઇ છે. સિંહ-સિંહણ અને બચ્ચા જુદા જુદા જૂથમાં આમથી તેમ ફરતા રહે છે. પરંતુ એક જ પરિવાર હોવાની આ જુથ સામસામા અથડાતા નથી.
સાવજ માટે અહિં મારણની ભરમાર છે. નિલગાય, હરણ અને ભૂંડની સંખ્યા તો પુષ્કળ છે જ સાથે સાથે આજુબાજુનાં ગામડાઓનાં માલધારીઓ અને ખેડૂતોનાં પશુઓ પણ આ સાવજો માટે હાથવગા છે. ચેકડેમનાં કારણે શેત્રુંજી નદીમાં પાણી ભરાયેલા રહેતા હોય સાવજો માટે પીવાના પાણીની પણ કોઇ તંગી નથી.
સાવજો માટે અહિં સૌથી મોટી મુશ્કેલી માણસો દ્વારા થતી કનડગત છે. સાવજ દ્વારા જ્યારે પણ પશુનું મારણ કરવામાં આવે ત્યારે લોકોથી તે છાનુ રહેતું નથી.
મોબાઇલનાં આ યુગમાં તુરંત સંદેશાઓની આપ-લે થઇ જાય છે અને જોતજોતામાં મારણનાં સ્થળે સિંહદર્શન માટે લોકોનો કાફલો ઉમટી પડે છે.

No comments: