Source: Bhaskar News, Amreli | Last Updated 12:04 AM [IST](25/02/2012)
અમરેલી જીલ્લામાં ઓણ સાલ કેસર કેરીનો મબલખ પાક ઉતરશે તેવી ખેડૂતોને આશા છે. કારણ કે આંબાવાડીમાં દરેક આંબા પર પોષ્કળ પ્રમાણમાં મોર આવ્યો છે અને ખુબ મોટી સંખ્યામાં ખાખડીઓ બંધાયેલો જોઇ શકાય છે. વળી જ્યાં આગોતરો પાક બેઠો છે ત્યાં તો કેરી ઘણી મોટી થઇ ગઇ છે. સૌથી મહત્વની વાત એ છે કે ગત વર્ષે મોર બેઠા બાદ બે વખત માવઠુ થયુ હતુ પરંતુ ઓણ સાલ આ વિસ્તારમાં કેસર કેરી માટે ખુબ જ સાનુકુળ વાતાવરણ જોઇ શકાય છે. તેના કારણે જ ખાખડીઓ મોટી થવા લાગી હોવા છતાં હજુ સુધી બજારમાં દેખાતી નથી. કારણ કે સાનુકુળ વાતાવરણના કારણે ખાખડીઓ આંબા પરથી ખરી જ નથી.
અમરેલી જીલ્લામાં ધારી તાલુકામાં ધારગણી દીતલા, ઝર, મોરઝર, માલસીકા, છતડીયા, દડવા, ઢોલરવા, સાવરકુંડલા તાલુકામાં સેંજળમેવાસા, પીઠવડી, પીયાવા, વંડા, ભમોદરા, નેસડી, કાત્રોડી, ખાંભા તાલુકામાં તાતણીયા, ગીદરડી વગેરે ગામોમાં કેસર કેરીની મોટા પ્રમાણમાં ખેતી કરવામાં આવે છે. અહિંના ખેડૂતો મોટી સંખ્યામાં આંબાવાડીઓ ધરાવે છે. આ ઉપરાંત અમરેલી તાલુકામાં પણ અનેક ગામોમાં કેસર કેરીની ખેતી થાય છે.
જીલ્લાના દરેક વિસ્તારમાં આંબાવાડીઓમાં લુમેઝુમે ખાખડીઓ લટકી રહી છે. જો આગામી એકાદ મહિના સુધી વાતાવરણ આ રીતે સાનુકુળ રહેશે તો આ ખાખડીઓ મોટી કેરી બની જશે. કદાચ પ્રતિકુળ હવામાનમાં ખાખડીઓ ખરી પડે તો પણ પાક એટલો મોટા પ્રમાણમાં આવ્યો છે કે મોટા જથ્થામાં કેસર કેરી ઉનાળામાં બજારમાં જોવા મળશે. સાવરકુંડલા અને ધારી પંથકમાં તો કેટલાક આંબાઓ ૪૦ થી ૫૦ વર્ષ જુના છે.
No comments:
Post a Comment