Wednesday, February 15, 2012

શિવરાત્રિનાં મેળામાં ૨૪ કલાક ચોકી કરશે ૧૪ કેમેરા.


Source: Bhaskar News, Junagadh   |   Last Updated 2:35 AM [IST](14/02/2012)
- શહેરનાં આગેવાનો સાથે પોલીસે શાંતિ સમિતીની બેઠક યોજી
ગરવા ગઢ ગિરનારની ગોદમાં યોજાતા મહાશિવરાત્રિનાં મેળામાં આ વખતે અસામાજીક તત્વો તેમજ ભીડ વખતે અસરકારક પગલાં લેવાનો ખ્યાલ આવે તે માટે ૧૪ સીસી ટીવી કેમેરા લગાવાશે. એમ આજે પોલીસે શહેરનાં રાજકીય અને સામાજીક આગેવાનો સાથે એ ડીવીઝન પોલીસ સ્ટેશને યોજેલી શાંતિ સમિતીની બેઠકમાં જણાવ્યું હતું.
આ અંગેની વીગતો આપતાં જૂનાગઢ વિભાગનાં ડીવાયએસપી પી. પી. ભટ્ટે જણાવ્યું હતું કે, તા. ૧૫ થી ૨૧ દરમ્યાન ભવનાથમાં યોજાનાર મહાશિવરાત્રિનાં મેળામાં અંદાજે ૧૪ સીસી ટીવી કેમેરા લગાવાશે. જોકે, એક કેમેરાનો ખર્ચ R ૪૫ હજાર જેવો થતો હોઇ તેમાં લોકભાગીદારી આવશ્યક બની રહે છે. જેમાં હાલ પાંચ થી છ કેમેરાનું આયોજન તો ફાઇનલ જ છે. બાકીનાં કેમેરા માટે મનપા, અન્ય સંસ્થા કે લોકોનો સહયોગ અનિવાર્ય બની રહેશે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, મેળાને ૩ વિભાગ (સેક્ટર) માં વ્હેંચી દેવાયો છે. અને પ્રત્યેક સેક્ટરનાં ઇન્ચાર્જ ડીવાયએસપી કક્ષાનાં અધિકારી રહેશે. મેળા માટે પોલીસ, એસઆરપી, હોમગાર્ડ સહિત ૧૫૦૦ જવાનોનો બંદોબસ્ત કરાયો છે. મેળામાં લાખ્ખો લોકો ભવનાથ મહાદેવનાં દર્શનાર્થે આવે છે ત્યારે ભાવિકોને દર્શનમાં તેમજ મેળામાં તકલીફ ન પડે, તેઓનાં વાહનોને પાકિઁગની તકલીફ ન પડે કે તેઓનો સામાન ચોરાય નહીં તે માટે પોલીસ અને આગેવાનો ખભેખભા મિલાવીને કામ કરે તે માટે આજની આ બેઠક બોલાવાઇ હતી. જેમાં શહેરનાં આગેવાનોનો સારો સહકાર મળ્યો છે.

બેઠકમાં ડીવાયએસપી ભટ્ટે ઉપસ્થિત આગેવાનો પાસે પોલીસની કામગીરીને લગતાં સુચનો માંગ્યા હતા. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, અમુક અસામાજીક તત્વો જાહેરમાં સ્વચ્છંદી વર્તન કરી સામાન્ય નાગરિકોને પરેશાન કરતા હોય છે. આવા લોકોને રાજકીય આગેવાનોનો મોરલ સપોર્ટ હોય છે. ત્યારે જો આગેવાનો તેમને સપોર્ટ ન આપે તો મેળા દરમ્યાન યુવતીઓ-મહિલાઓની થતી છેડતીનાં બનાવો રોકી શકાય.
બેઠકમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લીલાભાઇ ખુંટી, ભાજપનાં અગ્રણી પ્રદિપ ખીમાણી, નિર્ભય પુરોહિત, અમૃત દેસાઇ, કોર્પોરેટરો કાળુભાઇ સુખવાણી, ચંદ્રિકા રાખશીયા, કોંગ્રેસ શાસક પક્ષનાં નેતા હુસેન હાલા, કિશોર અજવાણી, લઘુમતી આગેવાન ઇકબાલ મોટનવાલા, એડવોકેટ-નોટરી ભરત રાવલ, અમુભાઇ પાનસુરિયા, મનહર સુચક, યોગી પિઢયાર, દાતારનાં સેવક બટુક બાપુ, વગેરે આગેવાનો તેમજ એ ડીવીઝનનાં પીઆઇ એન. બી. ચુડાસમા અને બી ડીવીઝનનાં પીઆઇ એ. આર. ઝણકાટ ઉપસ્થિત રહ્યા હતા.
ડીવાયએસપીએ માંગ્યો લોકોનો સહયોગ -
ડીવાયએસપીએ આગેવાનો સમક્ષ વિનંતી કરી હતી કે, મેળા દરમ્યાન શહેરમાં નાઇટ પેટ્રોલિંગ માટે જુદા જુદા વિસ્તારોમાં સ્થાનિક યુવાનોની ટુકડી ધ્યાન રાખે તો પોલીસનો કાર્યભાર જરા હળવો બને.
આગેવાનોએ કરેલાં સુચનો -
૧) કાળવા ચોકનું સીગjલ પાંચ દિવસ બંધ રાખવામાં આવે - હુસેન હાલા
૨) ત્રિલોકીનાથની જગ્યા વાળી ગલીમાંથી દર વર્ષે અસામાજીક તત્વો ગાયો છુટી મુકતા હોઇ ત્યાં પોલીસ રાવટી અથવા કેમેરો મુકો - નિર્ભય પુરોહિત
૩) ઊતારાનાં વાહનોમાં માલસામાન ઉતારવા ચઢાવવા માટે સાથે આવતા કાર્યકરોને લઇને સાબલપુર ટ્રાફિક પોઇન્ટ ખાતે માનવીય અભિગમ દાખવાય - અમૃત દેસાઇ
૪) શિવરાત્રિનાં દિવસે ભવનાથ સુધીનું ભાડું બાંધતા રીક્ષા ચાલકો પુરૂં ભાડું વસુલે છે. પરંતુ તેમને ખબર હોય છે કે સ્મશાનથી આગળ જવા નહીં દેવાય. છતાં તે ઉંચું અને વળી પૂરેપૂરું ભાડું વસુલે છે. આ સ્થિતી નિવારવા માંગ.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-14-cctv-will-keep-people-safe-in-bhavnath-2859558.html

No comments: