Source: Nimish Thakar, Junagadh | Last Updated 4:12 PM [IST](23/02/2012)
- દૂષિત પાણી કારણભૂત?
ગરવા ગઢ ગિરનારની ગોદમાં વસેલા પવિત્ર દામોદર કુંડમાં આજે સવારે હજારો માછલાં મૃત હાલતમાં જોવા મળતાં તીર્થગોરે આ અંગે વનવિભાગ અને ધારાસભ્યને જાણ કરી હતી. તપાસ કરતાં દામોદર કુંડની ઉપરવાસનાં ચેકડેમોમાં પણ આ જ સ્થિતિ હોવાનું માલુમ પડ્યું હતું.
- 3 ચેકડેમોમાં પણ આ જ સ્થિતિ
દામોદર કુંડમાં આજે સવારે હજારો માછલાં મૃત હાલતમાં તરતા જોવા મળતાં તીર્થગોર અને ભાજપનાં અગ્રણી નિર્ભય પુરોહિતે વનવિભાગને જાણ કરી હતી. વનવિભાગનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. તેમની સાથે રહી દામોદર કુંડનાં ઉપરવાસમાં આવેલા વનવિભાગ હસ્તકનાં ૩ ચેકડેમોમાં તેમજ નારાયણ ધરામાં પણ આજ સ્થિતિ જોવા મળી હતી. આટલા મોટાપાયે માછલાનાં મોત દૂષિત પાણીને લીધે થયાનું અનુમાન થઇ રહ્યું છે.
અત્રે નોંધનીય છે કે, તાજેતરમાં જ મહાશિવરાત્રિનાં મેળા દરમ્યાન લાખ્ખો ભાવિકો ભવનાથમાં રાતવાસો કરતા હોય છે. પરંતુ પ્રદૂષિત પાણીનાં નિકાલ માટે હજુ સુધી ગટરની કોઇજ વ્યવસ્થા કરાઇ નથી. આ બધું જ પાણી સોનરખ નદીમાં ઠલવાય છે. જેને પગલે એ આગળ જતાં નારાયણ ધરા અને ત્યારબાદ દામોદર કુંડમાં આવે છે.
- વર્ષો પહેલા બનાવાયો હતો માસ્ટર પ્લાન
વર્ષો પહેલાં ભાજપનાં શાસન વખતે ભવનાથની ગટરો માટે માસ્ટર પ્લાન બનાવાયો હતો. પરંતુ બાદમાં તે અભરાઇએ ચઢાવી દેવાયો છે. ત્યારબાદ કોઇએ એ મામલે આગળ કશું જાણે કે વિચાર્યું જ નથી. દરમ્યાન બનાવની જાણ થતાં ભારત સાધુ સમાજનાં ગોપાલાનંદજી, જૂના અખાડાનાં વિશ્વંભર ભારતીજી, મોટા પીરબાવા તનસુખ ગિરીજી, કમંડલ કુંડનાં મહંત મુક્તાનંદગિરીજી, ઋષિભારતીજી, વગેરે સંતો તેમજ મેયર લાખાભાઇ પરમાર દામોદર કુંડ ખાતે દોડી ગયા હતા.
પવિત્ર દામોદર કુંડની સ્થિતી જોઇ સંતો ઉકળી ઉઠ્યા હતા. અને જાતે જ કુંડનું પાણી ખાલી કરી નાંખ્યું હતું. આ તકે વિશ્વંભર ભારતીજીએ જણાવ્યું હતું કે, ગટરનાં પાણીને લીધે આવું થયું હોઇ હવેથી પવિત્ર દામોદર કુંડમાં બોરનું પાણી ભરી શકાય તે માટે મનપાનાં વોર્ડ નં. ૯ નાં કોર્પોરેટર એભા કટારાએ પોતાનાં હસ્તકની રૂપિયા પાંચ લાખની ગ્રાન્ટ ફાળવી દીધી છે.
- વન્ય પ્રાણીઓનું શું ?
નિર્ભય પુરોહિતે એવો પણ સવાલ ઉઠાવ્યો હતો કે, માછલાની આ હાલત થઇ છે અને છેક ઉપરવાસમાંથી દૂષિત પાણી આવે છે. ત્યારે જંગલમાં વિહરતા પ્રાણીઓ આ પાણી પીવે તો તેમની હાલત શી થાય એ ફક્ત કલ્પનાનો જ વિષય છે.
- ઓક્સિજનનું પ્રમાણ ઓછું થાય તો આવું બની શકે
આ અંગે જાણકારોનાં મતે પાણીમાં જો ઘન પદાર્થોની માત્રા વધી ગઇ હોય તો ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય છે. આ સ્થિતીમાં માછલાં સહિત તેમાં વસતા જીવોનાં મૃત્યુ થઇ શકે.
તમામ તસવીરો મેહુલ ચોટલિયા, જુનાગઢ
No comments:
Post a Comment