Source: Bhaskar News, Dolasa | Last Updated 12:14 AM [IST](25/02/2012)
કોડીનાર તાલુકાનાં અડવી ગામની સીમમાં એક અઠવાડીયામાં બે સિંહ અને ત્રણ દીપડા પાંજરે પૂરાયા હોવા છતાં વન્ય પ્રાણીઓનો આતંક યથાવત જ હોય દીપડાએ ગાયનું મારણ કરતાં લોકોમાં ગભરાટ છવાયો છે.
અડવી ની સીમમાંથી વનવિભાગ દ્વારા અઠવાડીયામાં ત્રણ દીપડા અને બે સિંહને પાંજરે પુરવા છતાં માલઢોરનાં શિકારનાં બનાવો ઘટવા પામ્યા નથી. ગત તા.૧૫ ફેબ્રુ.એ સવારનાં સુમારે બચુભાઇ દુદાભાઇની વાડીમાં વસવાટ કરતાં સાત સાવજોનાં ટોળા પૈકી બે સાવજ વચ્ચે યુધ્ધ ખેલાયું હતું અને વન વિભાગે ઘાયલ સિંહ અને હુમલો કરનાર સિંહને પાંજરે પૂરી સાસણ લઇ ગયા હતા.
ગત તા.૧૭નાં દીપુભાઇ ભગવાનભાઇની વાડીમાં દીપડાએ એક વાછરડીનું મારણ કર્યા બાદ બચ્ચા સહિત દીપડી પાંજરામાં કેદ થઇ હતી. ગત તા.૧૮નાં ખુંખાર દીપડો પાંજરામાં કેદ થયો હતો. પરંતુ હિંસક પ્રાણીઓનો આંતકતો યથાવત જ હોય તેમ ગત તા.૧૮નાં રોજ ધીરૂભાઇ સોમાભાઇ કાતીરાની વાડીમાં વધુ એક દીપડાએ ત્રાટકી ગાયનું મારણ કરતાં ખેડૂતોમાં ગભરાટની લાગણી છવાઇ જવા પામી છે.
આ દીપડાને પાંજરે પુરવા વનવિભાગે કવાયત હાથ ધરી છે. અડવીની સીમમાં વન્યપ્રાણીઓ કેટલા ? તેવા સવાલો લોકોમાંથી ઉઠ્યા છે. ગીર વિસ્તાર કરતાં વન્યપ્રાણીઓની સંખ્યા વધી હોવાનું સરપંચ જેસીંગભાઇએ જણાવ્યું છે.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-leopard-killed-cow-2904379.html
No comments:
Post a Comment