Saturday, February 18, 2012

તાલાલાનાં ધાવા અને રમળેચીમાં કિંમતી ચંદનનાં વૃક્ષોનું કટિંગ.


Source: Bhaskar News, Talala   |   Last Updated 2:52 AM [IST](18/02/2012)
- તાલાલા પંથકમાં ચંદન ચોર ટોળકી ફરી ઝળકી
- વનવિભાગ ઘોર નિંદ્રામાં
તાલાલા પંથકના જંગલ અને ગ્રામ્ય વિસ્તારમાં ફોરેસ્ટ વિભાગનાં પી.એફ. વિસ્તારમાં અવાર-નવાર ચંદનના કિંમતી વૃક્ષોની ચોરી થયેલ છે છતાં વનવિભાગ તરફથી સતકર્તા રાખવામાં આવતી ન હોય ચંદન ચોરોએ કાલે ધાવા (ગીર) અને આજે રમળેચી (ગીર)માંથી દસ વર્ષથી જુના ચંદનનાં વૃક્ષોનું કટિંગ કરી ચોરી કરી ગયા છતા વનવિભાગ સાવ નિંદ્રામાં હોય તેવો તાલ જોવા મળી રહ્યો છે.
ગીર જંગલમાં થતી કિંમતી વનસ્પતી અને વૃક્ષો મબલખ રૂપિયા રળી આપતા હોય તસ્કરો ચંદન વૃક્ષની ચોરી અગાઉ કરી ગયા હોવાના બનાવો બનેલા છે. અગાઉનાં બનાવો બાદ પણ સ્થાનિક તાલાલા વનખાતાની કચેરી તરફથી ફેરણાં-પેટ્રોલીંગના નામે નાટકો થતા રહેતા હોય ચંદનની ચોરી કરતી ટોળકી ફરી તાલાલા પંથકમાં ઉતરી આવી અને ગઈકાલે ધાવા(ગીર) ગામે સ્વામીજીની વાડીમાંથી દસ વર્ષનાં ચંદનના એક ઝાડનું ઈલેકટ્રીક કટરથી કટિંગ કરી ઝાડની ચોરી કરી ગયેલ.
ધાવા ગીરની વિગત હજુ તો તાલાલા વનવિભાગને મળે ત્યાં સવાર પડતા રમળેચી (ગીર) ગામે હીરણ નદીનાં કાંઠે આવેલ વજુભાઈ ડેડાણીયાની વાડી આગળથી સાત વર્ષનાં ચંદનનાં વૃક્ષનું કુહાડાથી કટિંગ કરી ચંદનચોરો તસ્કરી ગયા. રમળેચી ગામની સીમમાં આ સિવાય અન્ય ચારથી પાંચ ચંદનનાં વૃક્ષોની ચોરી થઈ હોવાનું ગામમાં ચર્ચાઈ રહ્યું છે.
સ્થાનિક વનવિભાગ આળસ ખંખેરી કિમતી વન્યસંપદાના રક્ષણ માટે સાચા અર્થમાં ફેરણા-પેટ્રોલીંગ કરી કિંમતી વનસ્પતી-વૃક્ષોની તસ્કરી અટકાવી ચંદનનાં વૃક્ષોની ચોરી કરનાર ટોળકીને તાકીદે ઝબ્બે કરી કાપેલા ચંદનનાં વૃક્ષો મેળવે તેની ગીર પંથકમાંથી ઉગ્ર લોક માંગ ઉઠી છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-chandan-trees-cutting-out-in-talala-two-viilage-2876913.html

No comments: