Source: Bhaskar News, Talala | Last Updated 12:30 AM [IST](25/02/2012)
તાલાલાનાં માધુપુર (ગીર) ગામે ખેતરમાં જુવાર વાઢવા ગયેલા આહીર ખેડૂત પિતા-પુત્ર સહિત ખેતમજૂર ચારણ દંપતિને જુવારના પાકમાંથી ઉડેલી ઝેરી મધમાખીઓએ શરીરમાં ઠેક ઠેકાણે ડંખ મારી દેતાં ચારે’યને ૧૦૮માં તાલાલા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
માધુપુર (ગીર) ગામનાં રેલવે સ્ટેશન નજીક આહીર ભીખાભાઈ અરજણભાઈનાં ખેતરમાં આજે સવારે ખેડૂત ભીખાભાઈ તેમનો પુત્ર રમેશ અને ખેતમજુર દંપતિ જાનુબેન ભુરાભાઈ અને ભુરાભાઈ ભીમાભાઈ જુવાર વાઢવા ગયેલ જેમાં વાડી માલીક પુત્ર રમેશ આગળ હોય જુવાર કાપતા જુવારમાં બેસેલ ઝેરી મધમાખીઓ ઉડી હતી.
રમેશે પોતાની પાસે રહેલી પછેડી ઓઢી લેતાં ઝેરી માખીઓ પછેડી ઉપર ચોટી ગઈ હતી. રમેશે પછેડીની અંદર રહી તેમના પિતા ભીખાભાઈને મોબાઈલમાંથી ફોન કરી માખી ઉડતી હોય આગળ ન આવવા જણાવેલ. અડધો કલાક રાહ જોયા બાદ પુત્રની ચિંતામાં ઉતાવળા બનેલા ભીખાભાઈ અને સાથે ચારણ મજૂર દંપતિ રમેશ પાસે પહોંચ્યા ત્યાં ઝેરી મધમાખીઓ બધા ઉપર તુટી પડી હતી જેમાં વૃધ્ધ ખેડૂત ભીખાભાઈ અર્ધબેભાન અવસ્થામાં આવી ગયેલ. બનાવની જાણ થતા તાલાલાથી ૧૦૮ માધુપુર પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને તાકીદે તાલાલા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લાવેલ જ્યાં ફરજ ઉપરના તબીબ ડૉ.આશીષ માંકડીયાએ ઈજાગ્રસ્તોના શરીરમાંથી ઝેરી માખીની લાળ કાઢી ભયયુકત કર્યા હતા.
No comments:
Post a Comment