Source: Bhaskar News, Porbandar | Last Updated 1:54 AM [IST](15/02/2012)
સુરખાબી નગર અને ત્યારબાદ પક્ષીનગરની ઉપમા મેળવનાર પોરબંદરમાં શિયાળાના સમયમાં મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ આતિથ્ય માણવા આવી પહોંચે છે. આમ તો દર વર્ષે આ વિદેશી પક્ષીઓની સંખ્યા લાખોમાં થવા જાય છે. પરંતુ પક્ષી ગણતરી દરમિયાન પક્ષીઓની સંખ્યાનો આંકડો જાણવા મળે છે. આ વર્ષે પક્ષી ગણતરી કરવામાં આવી હતી, જે તાજેતરમાં જ સંપન્ન થઈ છે. આ ગણતરી દરમિયાન અંદાજે દોઢ થી પોણા બે લાખ જેટલા પક્ષીઓ નજરે ચડ્યા હોવાનું જાણવા મળે છે.
પક્ષીઓનું મનગમતું નગર હોય તો એ છે પોરબંદર. કારણ કે અહીં અનેક જળપ્લાવિત વિસ્તારો આવેલા છે. આ વિદેશી પક્ષીઓને આબોહવા અને ખોરાક પણ અનુકુળ હોવાથી શિયાળો શરૂ થતા જ આ વિદેશી મહેમાનો પોરબંદરના આંગણે આવી પહોંચે છે. જળપ્લાવિત વિસ્તારોમાં વિદેશી મહેમાનો વહિરતા નજરે પડે છે અને આ અદ્ભુત નજારો જોવો પણ એક લહાવો હોય છે. કેટલા પક્ષીઓ પોરબંદર જિલ્લામાં આવે છે તેના આંકડા દર ત્રણ વર્ષે થતી પક્ષી ગણતરી દરમિયાન જાણવા મળે છે.
પોરબંદર સહિત રાજ્યભરમાં વન વિભાગ દ્વારા પક્ષી ગણતરી કરવામાં આવી હતી. જેમાં પોરબંદરમાં તા. રર મી જાન્યુઆરીથી પ ફેબ્રુઆરી સુધી આ પક્ષી ગણતરી કરવામાં આવી હતી. જળચર પક્ષીઓની ગણતરી કરવામાં આવી હતી. જેમાં દેશી પક્ષીઓની વાત કરીએ તો ટીટોડી, તારોડીયા, ગલ, ફ્લેમિંગો સહિતના પક્ષીઓ જ્યારે વિદેશી પક્ષીઓમાં પેણ, કુંજ, ગયણા, સફેદ ઢોંક, સ્પુનબીલ સહિતના વિદેશી પક્ષીઓની ગણતરી કરવામાં આવી હતી. વન વિભાગના જણાવ્યા અનુસાર વન વિભાગના કર્મચારીઓ દ્વારા પક્ષી ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં સામાજીક સંસ્થાઓનો પણ સહયોગ લેવામાં આવ્યો હતો.
પોરબંદર જિલ્લાના જળ પ્લાવિત વિસ્તારોમાં મોકર સાગર, બરડા સાગર, કુછડી રણ, છાંયા રણ, કર્લી જળાશય સહિત ર૧ જેટલા જળ પ્લાવિત વિસ્તારોમાં પક્ષી ગણતરી કરવામાં આવી હતી. આ દરમ્યાન અંદાજે દોઢ થી પોણા બે લાખ જેટલા પક્ષીઓ નજરે ચડ્યા હોવાનું આધારભૂત સુત્રોએ જણાવ્યું હતું. કુંજ પક્ષીની સંખ્યા સૌથી વધુ હોવાનું પણ સુત્રોએ જણાવ્યું હતું. અત્રે નોંધનીય બાબત એ છે કે પોરબંદરમાં સૌથી વધુ પક્ષીઓ આવતા હોય ત્યારે શિયાળાના સમયમાં આ પક્ષીઓને નિહાળવા માટે મોટી સંખ્યામાં પક્ષીવિદો પણ આવી પહોંચે છે. એટલે જ પોરબંદરને પક્ષીનગર તરીકેની ઉપમા આપવામાં આવી છે.
કઈ રીતે કરવામાં આવે છે પક્ષી ગણતરી ?
પક્ષી ગણતરીની કામગીરી નહિાળવી એ પણ એક લહાવો હોય, જો કે દર ત્રણ વર્ષે આ પક્ષી ગણતરી હાથ ધરવામાં આવે છે. આ પક્ષી ગણતરી કઈ રીતે થાય છે ? તેવો સવાલ હરકોઈ વ્યક્તિના મનમાં ઉઠતો હોય છે. વન વિભાગના કર્મચારી દ્વારા દુરબીન, ટેલીસ્કોપની મદદ લેવામાં આવતી હોય છે અને પક્ષીઓની ઓળખ માટે એક બુક આપવામાં આવે છે. જેના આધારે આ પક્ષી ગણતરી કરવામાં આવતી હોય છે.
કુંજ મગફળીની સાથે હવે ચણા પણ આરોગે છે -
પોરબંદર પંથકમાં મગફળીનું વાવેતર સૌથી વધુ થતું હોવાથી વિદેશી પક્ષીઓમાં કુંજ સૌથી વધુ આ વિસ્તારમાં જોવા મળે છે. મગફળી વાડી-ખેતરમાંથી ઉપાડી લીધા બાદ તેમાં રહી ગયેલી મગફળી કુંજ આરોગે છે અને ઝુંડ ના ઝુંડ આ વાડી ખેતરોમાં જોવા મળે છે. હવે કુંજે ચણાને પણ આરોગવાનું શરૂ કર્યું હોય તેમ ઘેડ પંથકમાં ચણાનું વાવેતર વિપુલ પ્રમાણમાં થતું હોય ત્યાં પણ કુંજનું ઝુંડ ખાબકતા ખેડૂતો માટે મુશ્કેલીરૂપ બની ગયું છે. આ કુંજ ચણા આરોગે નહીં તે માટે ખેડૂતોએ રખોલીયા રાખવા પડે તેવી સ્થિતિ જોવા મળે છે.
No comments:
Post a Comment